મીની સંસદ કચ્છ જીલ્લા પંચાયતના નવા પ્રમુખ અને અન્ય હોદ્દેદારોની નિયુક્તી થઇ ગઇ છે. અને હવે ટુંક સમયમાં અન્ય સમિતીઓના ચેરમેનોની વરણી પણ ટુંક સમયમાં થશે જો કે જીલ્લા પંચાયતના મહિલા પ્રમુખ પાસે ચાર્જ સંભાળતા ગામડાના વિકાસ માટેના સુચનો સાથે ભુજ સરપંચ સંગઠને એક સંવાદ કાર્યક્રમ યોજ્યો હતો જેમાં પંચાયતના વિવિધ પ્રશ્ર્નો અને ગામડાઓના ઝડપી વિકાસ માટે શુ કરી શકાય તે માટે ચર્ચા થઇ હતી. ભુજ તાલુકા સરપંચ સંગઠન દ્વારા સર્કિટ હાઉસ મધ્યે કચ્છ જિલ્લા પંચાયત ના નવ નિયુક્ત પ્રમુખ પારૂલબેન કારા તેમજ ભુજ તાલુકા પંચાયતના પ્રમુખ મંજુલાબેન ભંડેરીનો સન્માન કાર્યક્રમ આયોજીત કરવામાં આવ્યો હતો. જેમાં ભુજ તાલુકા સરપંચ સંગઠન ની કારોબારી સમિતિ અને સેતુ અભિયાન સંસ્થાના પ્રતિનિધિ ઓ હાજર રહ્યા હતા કાર્યક્રમના હેતુની ચર્ચાઓ સાથે ગ્રામ પંચાયતોને મૂંઝવતા પ્રશ્નો જેમાં ૧૫મા નાણાંપંચ, ડિજિટલ પેમેન્ટ, GEM પોર્ટલ, ગૌચર જમીનને માપણી કરાવવી, ગ્રામ્ય સ્તરે મકાન બાંધકામને લગતા “જનરલ ડેવલપમેન્ટ કંટ્રોલ રેગ્યુલેશન” ને પૂર્ણ રીતે લાગુ કરવા બાબત, ગૌચર જમીનની માપણી અને નીમ કરવી, વિકાસ કામો માટેના S.O.R. માં બદલાવ કરવા બાબતે તેમજ ડીજીટલ સેવા સેતુની સેવાઓને ગ્રામ્ય સ્તરે અસરકારક રીતે લાગુ થાય વગેરે જેવા મુદ્દાઓની રજૂઆત સંગઠન પ્રમુખ સુરેશભાઈ છાંગાએ કરી હતી. જે બાબતે હકારાત્મ ચર્ચાઓ થઇ. અને જીલ્લા પંચાયતના પ્રમુખ દ્વારા આ બાબતમાં યોગ્ય સ્તરે રજૂઆત અને તેના નિરાકરણ માટે ખાતરી આપવામાં આવી હતી. ખર્ચ વગરના કામો અને સરકારની વિવિધ વ્યક્તિગત યોજનાઓનો લાભ જરૂરિયાતવાળા છેવાડાના લોકો સુધી કઇ રીતે પહોચે તેવા કામ પર ભાર મુકવા બેઠકમા ચર્ચા થઇ હતી. તથા ગ્રામ પંચાયત વિકાસ આયોજન (GPDP) નું અસરકારક અમલીકરણ માટે અન્ય વિભાગો સાથે સંકલન કરાવવાની પણ ચર્ચા કરવામાં આવી હતી. આ સાથે ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જીલ્લા પંચાયત વચ્ચેનું સંકલન વધારે મજબુત અને અસરકારક બને તેવી ઈચ્છા વ્યક્ત કરી હતી. સેતુ અભિયાનના ડાયરેક્ટર મનીષ આચાર્ય તેની ટીમ સાથે ઉપસ્થિત રહ્યા હતા. ધવલ આહીર, નીલેશ વરસાણી સહિતની આગેવાનો સંવાદમાં જોડાયા હતા.