ચાર અલગ-અલગ દરોડામાં પોલીસ તથા ખાણખનીજ વિભાગે સપાટો બોલાવી રેતી,સાદી માટે સહિતની ચોરી ઝડપી લાખો રૂપીયાનો મુદ્દામાલ કબ્જે કર્યો વિંઝાણ નદીપટ વિસ્તારમાં સાદી રેતી ખનિજના ગેરકાયદેસર ખનન ઝડપાયુ, પશ્ચિમ કચ્છ એલસીબીએ માધાપરમાંથી ગેરકાયદે રેતી ઝડપી તો અંજાર તાલુકાના વરસામેડી સીમ વિસ્તારમાં ગેરકાયદે સાદીમાટી ખનન ઝડપાયું: રૂા. ૭૦ લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો
કચ્છમાં ખનીજ ચોરીની વ્યાપક ફરીયાદો વચ્ચે ખાણખનીજ વિભાગ તથા પોલીસે અલગ-અલગ વિસ્તારમાં દરોડા પાડી કરોડો રૂપીયાની ખનીજ ચોરી માટેના સાધનો સહિતનો મુદ્દામાલ ઝડપી ખનીજ ચોરો પર તવાઇ બોલાવી છે.એક તરફ ચોક્કસ વિસ્તારમાં ખનીજ ચોરીની સતત ચર્ચા અને કેટલાક વિસ્તારમાં ખનીજ ચોરી માટે મંજુરીની રાહ જોવાઇ રહી હોવાની અને સંલગ્ન કચેરીમાં મંજુરી માટેની લાઇનો લાગતી હોવાની ઉડતી વાતો વચ્ચે ખનીજ ચોરી સામે એક દિવસમાં ચાર મોટી કાર્યવાહી કરવામાં આવી છે.જેમાં સાદી રેતી,માટી ચોરી સહિતની પ્રવૃતિઓ ઝપેટમાં આવતા લાખો રૂપીયાના સાધનો જપ્ત કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.સમગ્ર પ્રકરણમાં લાગુ પડતા કાયદાકીય નિયમો અનુસાર ભૂસ્તરશાસ્ત્રી દ્વારા આગળની દંડકીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે.ગેરકાયદેસર ખનન,ખનિજ વહન અને સંગ્રહની પ્રવૃત્તિઓ અટકાવવા તંત્ર દ્વારા સતત દેખરેખ રાખવામાં આવી રહી છે.ખાણ અને ખનિજ વિભાગ દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે આગામી સમયમાં પણ આકસ્મિક તપાસ,વોચ અને કડક કાર્યવાહી સતત ચાલુ રાખવામાં આવશે.આ તરફ ગેરકાયદે રેતી ચોરી કરનારાઓ સામે આગામી દિવસોમાં પણ આવી જ સઘન કાર્યવાહી જારી રહેશે તેમ પોલીસે જણાવ્યુ હતુ.
અંજારની વરસામેડી સીમમાં સાદીમાટીનુ ખનન
કલેક્ટર,કચ્છના માર્ગદર્શન હેઠળ મદદનીશ નિયામક,ફ્લાઈંગ સ્ક્વોર્ડની કચેરી,ભુજ દ્વારા તારીખ ૨૭/૧૦/૨૦૨૬ ના રોજ મોડી રાત્રે,વરસામેડી ગામને લાગુ સીમ વિસ્તારમાં અચાનક તપાસ હાથ ધરવામાં આવી હતી.આ તપાસ દરમિયાન સ્થળ પરથી ૧ (એક) એક્ષકેવેટર મશીન અને ૧ (એક) ડમ્પર દ્વારા સાદીમાટી ખનિજનું ગેરકાયદે ખનન અને વહન થતું ઝડપાઈ આવ્યું હતું.તંત્ર દ્વારા ત્વરિત કાર્યવાહી કરીને આ ગેરકાયદે પ્રવૃત્તિ અટકાવવામાં આવી હતી.કાર્યવાહી દરમિયાન કુલ રૂપીયા ૭૦ (સિત્તેર) લાખની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરીને વાહનોને સીઝ કરવામાં આવ્યા હતા.અંજારમાં અલાયદી ખાણખનીજ કચેરી કાર્યરત હોવા છંતા ભુજથી ફ્લાંઇગ સ્કોડે કાર્યવાહી કરતા આ કાર્યવાહીની ચર્ચા થઇ રહી છે.
વિંઝાણ નદીપટ વિસ્તારમાં સાદી રેતી ખનિજ ચોરી
અબડાસાના વિંઝાણ નદીપટ વિસ્તારમાં ગેરકાયદેસર ખનન,ખનિજ વહન અને ખનિજ સંગ્રહની પ્રવૃત્તિઓને અટકાવવા ખાણ અને ખનિજ વિભાગ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જિલ્લા કલેક્ટર અનિલ રાણાવાસિયાના માર્ગદર્શન હેઠળ તથા ભૂસ્તરશાસ્ત્રી ડી.એસ.બારિયાના નેતૃત્વમાં ખાણ અને ખનિજ વિભાગની ટીમ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી હતી.જેમાં ગેરકાયદેસર સાદી રેતીનું ખનન અને વહન થતુ હોવાની બાતમીએ રાત્રિના સમયે ટીમ દ્વારા આશરે ત્રણ કલાક સુધી સતત વોચ ગોઠવવામાં આવી હતી.વોચ દરમિયાન સાદી રેતીનું ગેરકાયદેસર ખનન અને વહન થતું હોવાનું જણાતાં ટીમે તાત્કાલિક કાર્યવાહી કરી સ્થળ પરથી 1 લોડર તથા 1 ડમ્પર જપ્ત કર્યા હતા.
એલસીબીએ માધાપરમાંથી રેતીનો જથ્થો ઝડપ્યો
પશ્ચિમ કચ્છ જિલ્લામાં ખનીજ ચોરી અને ગેરકાયદે ખનનની પ્રવૃત્તિઓ પર લગામ કસવા માટે પોલીસ મહાનિરીક્ષક સરહદી રેન્જ,ભુજ તથા પોલીસ અધિક્ષક પશ્ચિમ કચ્છ-ભુજ દ્વારા કડક સૂચનાઓ આપવામાં આવી છે.આ સૂચનાના અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) પશ્ચિમ કચ્છ-ભુજની ટીમે મોટી કાર્યવાહી હાથ ધરી હતી.એલસીબીની ટીમ માધાપર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમીના આધારે માધાપરમાં જોગમાયા હોટલ પાછળના ભાગે દરોડો પાડવામાં આવ્યો હતો.જ્યાં ખનીજની હેરાફેરી કરવા માટે અનધિકૃત રીતે ગેરકાયદેસર રીતે સંગ્રહ કરાયેલ આશરે ૪૦ ટન જેટલો રેતીનો જથ્થો મળી આવ્યો હતો.
મુંદરામાં ચાલતા ગેરકાયદે માટી ખનનનો પર્દાફાશ
ગેરકાયદેસર રીતે વાહન માલીક ગોપાલ વિરમ ગઢવીએ સાદી માટી (મોરમ) નું ખોદકામ કરી પાસ પરમીટ વગર ૨૮,૩૩૦ ટન હાઇવા વાહનમાં સંગ્રહ કરેલ તેથી હીટાચી મશીનને સીઝ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.રાઘા ગામની સીમમા હાઇવામાં સાદી માટી(મોરમ)નો જથ્થો ભરેલ છે જે આધારે સ્થાનિક જગ્યાએ જઈ તપાસ કરતા હાઇવા મા ગે.કા રીતે સાદી માટીનો જથ્થો ભરેલ મળી આવ્યો હતો જે વાહન ચાલક વિજયસિંહ ગુમાનસિંહ રાઠોડ (રહે.પત્રી), પાસે રોયલ્ટી માંગતા રોયલ્ટી તથા કાંટા પાવતી ન હોવાનું જણાવેલ તેમજ સદર વાહનમાં માલ ભરવા માટે હીટાચી મશીન સ્થળ પર હાજર મળી આવેલ જેના ચાલક રજનીશ મીઠાઇલાલ પાલ (મુળ રહે. સુરજગઢ યુ.પી હાલે રાઘા તા.મુંદરા)ને મશીનથી કોઇ પાસ પરમીટ લીધા વગર ખનન કરવા તેમજ હાઇવામા ભરી ગુનો કરેલ હોવાથી બંન્ને વાહનો ખાણ ખનીજ ધારા મુજબ ડીટેઇન કરાયા હતા.
ખાણખનીજ વિભાગ તથા પોલીસે સપાટો તો બોલાવ્યો છે. પરંતુ આ જથ્થો ક્યા લઇ જવાતો હતો ક્યા ઉપયોગમાં લેવાતો હતો. તે સંલગ્ન માહિતી જાહેર કરી નથી. માત્ર ડ્રાઇવર કન્ડક્ટરને ઝડપી પાડ્યા છે. પરંતુ લાખોના સાધનો સાથે આવી પ્રવૃતિ કેટલા સમયથી ચાલતી હતી. અને તેમાં અન્ય કોની-કોની સંડોવણી છે. તે દરેક કિસ્સામાં તપાસ કરાય તો આવી પ્રવૃતિ પર અંકુશને અવકાશ છે.જો કે હાલ તંત્રની કાર્યવાહીથી કોઇપણ તંત્રની પરવાહ કર્યા વગર પ્રવૃતિ કરતા તત્વોમાં ફફડાટ ફેલાયો છે.