ખાવડાના ખારી ગામે બનેલા બનાવે સમગ્ર કચ્છ સહિત દેશમાં ચર્ચા જગાવી છે. જો કે ખારી પહેલા આ જ રીતે ભચાઉમાં પણ એક વૃધ્ધની હત્યાને અંજામ પ્રેમને પામવા માટે અપાયો હતો પરંતુ પોલીસે તેના પરથી પરદો ઉચક્યો હતો. ત્યારે ખારીની ધટનાએ અનેક સવાલો સાથે ભચાઉની એ ધટનાની ફરી યાદ અપાવી છે. સાથે સભ્ય સમાજને અનેક બાબતે વિચારતા પણ કર્યા છે.
થ્રીલર ફિલ્મની વાર્તાને ટક્કર આપે તેવી ચકચારી અને રહસ્યમયી ઘટના પરથી આખરે પડદો ઉંચકાઈ ગયો છે. યુવક-યુવતીએ એકમેકને પામવા માટે ભુજના નિરાધાર વૃધ્ધની હત્યા કરવા સાથે કેવી રીતે આખો પ્લાન બનાવ્યો તેની સ્ટોરીએ પોલીસ અને સભ્ય સમાજ બન્નેને વિચારતા કરી નાંખ્યા છે. જો કે પિતાએ દહેસત સાથે પોલીસને ધટનાની કડી જોડવા ન કહ્યુ હોત તો કદાચ આ વાત ક્યારે બહાર જ ન આવત પરંતુ કહેવાય છે ને ગુન્હેગાર સુધી પોલીસના લાંબા હાથ પહોંચીજ જાય છે. તેમ તપાસ દરમ્યાન અનેક ચોકવનારા ખુલાસા થયા હાલ પ્રેમી યુગલે સાથે રહેવાના સપના તો જોયા હતા પરંતુ એક નિર્દોષની હત્યા સાથે રચાયેલા સમગ્ર કાંડે હાલ તેને જેલના સળીયા પાછલ ધકેલ્યા છે.
ખારીની ધટનાએ ભચાઉની યાદ અપાવી
ખાવડાના ખારીમાં જે રીતે એકમેકને પામવા માટે પહેલા આપધાતનુ તરકટ ત્યાર બાદ એક વૃધ્ધની હત્યા કરી તેની લાશને યુવતીને લાશ સાથે ખપાવવાનો પ્રયત્ન થયો તે ધટનાએ ભચાઉમાં ગત વર્ષે બનેલી ધટનાની યાદ અપાવી છે. ભચાઉમા પણ વોંધડા ગામના સરપંચના પુત્રને એક યુવતી સાથે લગ્ન કરવા હતા.પરંતુ, પોતાના કુંટુબની જ યુવતી હોય તેના લગ્ન શક્ય ન હતા.પરંતુ, બંને અલગ થવા તૈયાર ન હતા. જેથી બંનેએ સાથે મળીને એક પ્લાન ઘડી કાઢ્યો હતો. જેમાં પ્રેમિકાને ગુમ કરી મૃત જાહેર કરવાનું નક્કી થયુ હતું. જેના માટે પ્રેમિકાએ સળગી જઈ આત્મહત્યા કરી હોવાનું પ્રસ્થાપિત કરવા હાડકા મેળવવાનો નિર્ણય કર્યો હતો. આરોપીએ સૌ પ્રથમ કબ્રસ્તાનમાંથી હાડકાની શોધખોળ કરી હતી. પરંતુ, ત્યાંથી નિષ્ફળતા મળ્યા બાદ ભચાઉમાં વૃદ્ધાની હત્યા કરી હતી જો કે તેમનો પ્લાન સફળ જાય તે પહેલાજ પોલીસે સમગ્ર ધટનામાં રચાયેલા પ્લાનનો ઘટસ્ફોટ કરી રહસ્ય પરથી પરદો ઉચક્યો હતો. જૈન વૃધ્ધની હત્યાની એ ધટનાએ પણ ભારે ચકચાર સર્જી હતી.
ખારીના યુગલે પ્લાન બનાવ્યો પણ…..
ભુજ તાલુકાના નાડાપા ગામે રહેતી મુળ ગોડપરની રામીના લગ્ન ૧૦ વર્ષ અગાઉ ખારી ગામે થયા હતા. પતિ જોડે મનમેળ ન થતા કોર્ટ મારફતે છુટાછેડા લીધા હતા. છુટાછેડા લીધાના ૧પ દિવસ બાદ ૪ જૂન ર૦ર૪ના ખારી ગામના કાનજી ચાડ સાથે લગ્ન કર્યા હતા.પરંતુ રામીને ગામમાં રહેતા પરિણીત યુવા અનિલ ગાગલ સાથે પ્રેમ સબંધ હતો, સામાજીક દ્રષ્ટિએ બન્નેના લગ્ન શક્ય ન હતા. જેથી ભાગી જવાનું નક્કી કર્યું. પ જુલાઈના રામીએ કાકાજી સસરાના વાડામાં લાકડાના ભારામાં આગ લગાવી બળી મરવાનું નાટક કર્યું હતું. તેમજ સ્થળ પર કપડા, ઝાંઝર, મોબાઈલ મુકયા હતા.મોબાઈલમાં પોતે આપઘાત કરતી હોવાનો વીડીયો પોસ્ટ કર્યો હતો. જેથી પરિવારને વિશ્વાસ આવી ગયો અને રામીએ આપઘાત કરી લીધો છે તેમ માની પરિવારે તમામ અંતિમવિધિ કરી નાખી હતી. જો કે અચાનક ર૭ સપ્ટેમ્બરે રાત્રે રામી નાડાપા ગામે તેમના પિતાના ઘરે આવી અને પોતે આપઘાત કર્યું નથી તેમ જણાવ્યું હતું. પોલીસમાં જવાનું કહેતા બન્ને જણા ભાગી ગયા હતા.પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી જેમાં સમગ્ર મામલે અનેક ચોંકવનારા રહસ્યો પરથી પરદો ઉચંકાઇ ગયો બન્નેને રાપર વિસ્તારમાંથી ઝડપી પોલીસ દ્રારા ઝડપી લેવામાં આવ્યા હતા.
એકલા રહેતા વૃધ્ધોની ચિંતા કરવી પડશે
ક્યારેક લુંટ તો ક્યારેક અન્ય બનાવ જો કે હવે પોતાના પ્રેમને પામવા માટે ધડાતા પ્લાનમા સોફ્ટ ટાર્ગેટ એવા વૃદ્રોની ચિંતા પણ સમાજે કરવી પડશે પહેલા ભચાઉમાં એકલી રહેતી વૃધ્ધા આવી રીતે મોતને ભેટી ત્યાર બાદ સમાજે એકલા રહેલા વૃધ્ધોની સુરક્ષા અંગે પોલીસ વિચારે તેવી માંગ કરી હતી તેવામાં હવે ખાવડાના ખારી ગામના પ્રકરણમાં પણ એકલા ફરતા વૃધ્ધને નિશાન બનાવ્યા હોવાનુ તપાસમાં ખુલ્યુ છે. જો કે અજાણ્યા વૃધ્ધની ઓળખ કરવામાં પોલીસને સફળતા મળી છે. પરંતુ જો આ હત્યા પ્રકરણ સામેજ ન આવત તો ભુજમાં ફરતા એ વૃધ્ધની હત્યા થઇ છે તે સામે જ ન આવત ત્યારે પોલીસે કરેલી કાબીલેદાદ કામગીરીની સરાહના કરીએ તેટલી ઓછી છે પરંતુ આવા એકલા રહેલા વૃધ્ધ આવા ભેજાબાજોના સોફ્ટ ટાર્ગેટ ન બને તે માટે પણ પોલીસ તથા સમાજે વિચારવુ પડશે..
બદલાતા સમય સાથે દેશભરમા બનતી અનેક ધટનાઓ સમાજને ચોંકાવવા સાથે લાલબતી સમાન છે.તેમાં કચ્છની આ ધટના પણ સામેલ છે.કેમકે પ્રેમમાં ગળાડુબ યુગલે એકમેકને પામવા માટે તમામ હદ્દો પાર તો કરી નાંખી સાથે ભચાઉની ગત વર્ષે બનેલી આજ પ્રકારની ધટનાની યાદ અપાવી જો કે પ્રેમને પામવા માટે કોઇપણ હદ્દ સુધી જઇ ખતરનાક પ્લાન બનાવતા આવા લોકોને એ પણ યાદ રાખવુ જોઇએ કે અંતે તો કાયદાના હાથ તેના સુધી પહોંચે જ છે. અને ત્યારે પ્રેમના સપનાની દુનિયામાં નહી જેલમાં રહેવાનો વારો આવે છે.