Home Crime મીરજાપરના રીઢા ઠગ ‘હિતેશની જાળમાં’ તમે તો નથી ફસાયાને ! પોલીસે ઝડપ્યો…

મીરજાપરના રીઢા ઠગ ‘હિતેશની જાળમાં’ તમે તો નથી ફસાયાને ! પોલીસે ઝડપ્યો…

5947
SHARE

કચ્છમાં અલગ-અલગ મોડસ ઓપરેન્ડીથી ઠગાઇના કિસ્સાઓ અવાર-નવાર પ્રકાશમા આવે છે તે વચ્ચે માનકુવા પોલીસ મથકે ફરીયાદ બાદ રીઢા ઠગ હિતેશને 25 લાખની ઠગાઇ મામલે લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા સ્થાનીક પોલીસે આરોપીને ઝડપી પાડ્યો છે. આરોપી અગાઉ પણ ઠગાઇના ગુન્હામાં સામેલ હોય પોલીસે લોકોને આગળ આવવા અપિલ કરી છે.

મીરજાપરનો રીઢો ઠગ ફરી પોલીસની ગીરફ્તમાં આવ્યો છે. સૂરજપર ગામના ફરીયાદીએ આ સંદર્ભે માનકુવા પોલીસમા ફરીયાદ નોંધાવી જણાવ્યુ હતુ કે થોડાક વર્ષ અગાઉ ફેસબૂક મારફતે મિરજાપરના રઘુરાજનગરમાં રહેતો હિતેશ વેલજી પરમાર તેમના સંપર્કમાં આવ્યા હતા. હિતેશે પોતે ટીવી સિરિયલ અને ટીવી જાહેરાતોનું નિર્માણ કરતો પ્રોડ્યુસર હોવાની ઓળખ આપી.પરિવારને ટીવી સિરિયલ્સ અને કોમર્સિયલ કામ અપાવવાની લાલચ આપી હતી જે દરમ્યાન તેને જાણીતી સીરીયલના સેટ પરના ફોટો પણ બતાવ્યા હતા અને એમ કરી આ ચીટરે ટૂકડે ટૂકડે રૂપિયા પડાવવાનું શરૂ કર્યુ હતુ. અને આ રીતે ભોગ બનનારે 25 લાખથી વધુની રકમ ગુમાવવાનો વારો આવ્યો હતો જો કે બાદમાં તેને પૈસા આપવાનો ઇન્કાર કર્યો હતો. સાથે ફરીયાદી પર દબાણ ઉભુ કરવા માટે કોર્ટ કેસ પણ કર્યો હતો જે બાદ તે અવારનવાર ખોટી ધમકીઓ આપતો હતો આ કેસમાં પતિને સજા ના થાય માટે સમાધાન કરી લેવાનું જણાવીને બદલામાં પાંચ લાખ રુપિયાની ખંડણી માંગેણી કરી હતી સાથે પાંચ લાખ ના આપે તો ફરિયાદી અને તેના મામાને મારી નાખવાની ધમકી આપેલી. પોલીસે ઠગાઈ, વિશ્વાસઘાત, ખંડણીની માંગણી, મહિલાનો વિનયભંગ, જાનથી મારી નાખવાની ધમકી આપવી સહિતની કલમો તળે ગુનો નોંધ્યો હતો જે બાદ સ્થાનીક પોલીસ સાથે લોકલ ક્રાઇમ બ્રાન્ચ પણ એક્શનમાં આવી હતી અને આરોપીની ધરપકડ કરી હતી. કચ્છમાં ઠગાઇના કિસ્સાઓ વધ્યા છે. તેની સામે પોલીસ તથા સંલગ્ન વિભાગો પણ સક્રિય રીતે કામ કરી રહ્યા છે ત્યારે ઠગાઇના ભોગ બનેલા લોકો સતર્ક બની આવા મામલામાં ફરીયાદ માટે આગળ આવે તે પણ જરૂરી છે.આ કામગીરીમાં એલસીબી પીઆઇ એસ.એન.ચુડાસમા,એ ડીવીઝન પીઆઇ એ.જી.પરમાર તથા માનકુવા પોલીસ મથકના પીઆઇ ડી.એન.વસાવા સહિતનો પોલીસ સ્ટાફ જોડાયો હતો.
તમે તો નથી ઠગાયાને ? પોલીસની અપિલ
ગુનો નોંધાયા બાદ માનકૂવા પોલીસ અને લોકલ ક્રાઈમ બ્રાન્ચે સંયુક્ત કામગીરી કરી હિતેશ પરમારની ધરપકડ કરીને તેની વિશેષ પુછપરછ શરૂ કરી છે. હિતેશ ઠગાઇમાં માહેર છે. તેના વિરુધ્ધ અગાઉ ભુજ એ ડિવિઝન પોલીસ મથકે ભુકંપ સહાયના નામે ટેન્ડર ભરાવી ઠગાઇનો મામલો સામે આવ્યો હતો તો અન્ય વેપારીઓને બોર્ડર પર ચાલતા કામમાં ટેન્ડર ભરવાના નામે લાખો રૂપીયાની ઠગાઇનો મામલો પણ માનકુવા પોલીસ મથકે નોંધાયો છે. તેના વિરુધ્ધ ભુજ તથા માનકૂવા પોલીસ મથકે બે ગુના દાખલ થયેલા છે. સાથે અન્ય એક ગુન્હો બેદરકારીથી વાહન હંકારવાનો પણ નોંધાયો છે તેવામાં વધુ એક મામલો સામે આવ્યા બાદ પોલીસે જાહેર અપીલ કરી છે કે હિતેશે જો કોઈ ઠગાઈ કે ગુનો આચર્યો હોય તો વિનાસંકોચે માનકૂવા પોલીસ અથવા કંટ્રોલ રૂમ કે એલસીબીનો સંપર્ક કરી ફરીયાદ માટે આગળ આવે.
કચ્છમાં ઓનલાઇન ઠગાઇ સાથે આ રીતે લાલચ આપી ઠગાઇનુ પ્રમાણ થોડા સમયથી વધ્યુ છે.તો પડી સસ્તા સોનાની લાલચે ઠગાઇ કરતી કચ્છની ટોળકી પણ કુખ્યાત છે. તેવામાં આવા મામલામાં ન્યાય માટે લોકો ડર વગર આગળ આવે તે જરૂરી છે.