Home Social …અને ઇન્સાનીયતના ધર્મથી છકડા ચાલકનું હૃદય થયું ધબકતું !! જાણો આખો કિસ્સો...

…અને ઇન્સાનીયતના ધર્મથી છકડા ચાલકનું હૃદય થયું ધબકતું !! જાણો આખો કિસ્સો ?

962
SHARE
આજે નાની નાની બાબતો માં જ્યારે વ્યક્તિ અને સમાજ વચ્ચે મનદુઃખ અને તણાવ જેવી સ્થિતિ સર્જાય છે. સોશ્યલ મીડીયા દ્વારા થતી ટિપ્પણીઓમાં એકબીજા પ્રત્યે માન અને સન્માન ભુલાતું જાય છે.ત્યારે રણ માં મીઠી વીરડી જેવા કિસ્સાઓ એવો અહેસાસ કરાવે છે કે, આજેય ઇન્સાનિયત ની મહેક કચ્છમાં મહેકી રહી છે.એક પ્રૌઢ છકડા ચાલકના શબ્દો માં જ જાણીએ શુ છે આ આખોય કિસ્સો ? “આ મારો નવો જન્મ છે,આંખો માં ઝળઝળિયાં સાથે ૬૧ વર્ષના પ્રૌઢ છકડા ચાલક કાસમભાઈ ઈબ્રાહીમ શીર કહે છે કે અલ્લાહ ના અહેસાન કે મને મનસુખભાઇ નાગડા મળ્યા અને મારું બાયપાસ સર્જરીનું ઓપરેશન એક પણ રૂપિયાના ખર્ચ વગર થઈ ગયું.આજે હું બરાબર છું.”
ભુજ ના લાયન્સ હોલ મધ્યે ન્યૂઝ4કચ્છ સાથેની વાતચીતનો આ માહોલ એટલો ભાવુક બની ગયો કે ત્યાં ઉપસ્થિત દરેકની આંખો ભીની હતી.જોકે, અમદાવાદની સંજીવની હોસ્પિટલ મધ્યે “માં અમૃત કાર્ડ” હેઠળ લાયન્સ ક્લબ ભુજના સહયોગ અને મેડિકલ કન્વીનર મનસુખભાઇ નાગડાના માર્ગદર્શન હેઠળ હૃદયનું બાયપાસનું ઓપરેશન થયા બાદ નવજીવન મળતાં શ્રમજીવી છકડા ચાલક કાસમભાઈ શીર અને તેમના જમાઈ મામદભાઈ શીરે લાયન્સ હોસ્પિટલને ડાયાલીસીસના દર્દીઓ માટે રૂપિયા એક હજારનું દાન લાયન્સ ક્લબ ભુજના પ્રમુખ ભૂપેન્દ્ર પોકાર અને મંત્રી વિપુલ જેઠીને આપ્યું હતું. માંડવીના શીરવા ગામે મફત નગરમાં રહેતા આ છકડા ચાલક કાસમભાઈને પૂછ્યું તમે શા માટે દાન આપ્યું ? તેમનો જવાબ આપણા હૃદયને ઢંઢોળે તેવો છે, ભાઈ.. હું નગુણો નથી,રૂપિયા બે થી અઢી લાખના ખર્ચે થતું મારુ બાયપાસનું ઓપરેશન ફ્રી માં થયું, ઇન્સાનીયતના ધર્મે મારો જીવ બચાવ્યો,મને નવું જીવન મળ્યું,તો હું પણ બીજાને મદદરૂપ બનું,ડાયાલીસીસ દ્વારા કોઈ દર્દીને નવું જીવન મળશે.
એક પ્રૌઢ શ્રમજીવી છકડા ચાલક કાસમભાઈ વાતનું સમાપન કરતા કહે છે કે,આપણે દરેક ધર્મનો આદર કરીયે અને દરેક ધર્મ આપણને એ જ શીખવે છે કે, ઇન્સાનીયત એ શ્રેષ્ઠ ધર્મ છે.સોશ્યલ મીડિયાના તણાવ સર્જતાં વાતાવરણ વચ્ચે આજે આપણી સામે આપણી માનવીય સંવેદનાને જીવંત રાખવા નો પડકાર છે.