કલાને કયારેય સરહદના સીમાડા નડતા નથી તો એક કલાકારની કલ્પના ઘણીવાર ધરતીથી માંડી ને આકાશને આંબે છે,આપણી આજુબાજુની સૃષ્ટિને સહજ અને સરળ રીતે આપણે સમજી શકીએ તે રીતે ચિત્રોના માધ્યમથી આપણી સમક્ષ મૂકે છે. આજે વાત કરવી છે ભુજના જણીતા ચિત્રકાર દંપતી બિપીન સોની અને કવિતા સોનીની. તેમના નવા ચિત્ર પ્રદર્શન વિશે વાત કરીએ તે પહેલાં બિપીન સોની એ “શિવમત” ના ચિત્રો દ્વારા રાષ્ટ્રીય સ્તરે મેળવેલ સિદ્ધિની વાત કરી લઈએ.
બિપીનસોનીએ ૨૦૧૩માં સંગીતના અતિ પ્રાચીન મત શિવમત ઉપર ૫૦ ચિત્રોનું સર્જન કર્યું. તેના ઉપર એક બુક અને ડોક્યુમેન્ટરી ફિલ્મનું નિર્માણ કર્યું. જેનું લલિત કલા ભવન ,હઠીશીંગ આર્ટ ગેલેરી અમદાવાદ અને નહેરુ આર્ટ સેંટર ,મુંબઇમાં એક્ઝીબિશન યોજાઈ ચૂક્યું છે. આ ‘શિવમત’ ના ચિત્રોને સંગીત ક્ષેત્રના મહારથીઓ,દેશભરના જાણીતા ચિત્રકારો અને ફિલ્મ ક્ષેત્રે સંકળાયેલા મહાનુંભાવો દ્વારા ખુબ સરાહના મળી. આ ચિત્રોને ઘણા નેશનલ અવૉર્ડ પ્રાપ્ત થયા, આજે આ ચિત્રો ભુજ મધ્યે આવેલી પોતાની અદ્યતન આર્ટ ગેલેરીમાં ગુરુની યાદ રૂપે રાખ્યા છે . હવે બિપીન સોની તેમના પત્ની કવિતા સોનીની સાથે મળીને એક નવા જ વિચાર સાથે પોતાની ચિત્રકળાના કામણથી મુંબઇગરા ઓ ને મોહિત કરશે. તા,૨૨/૦૫/૨૦૧૮ મંગળવારથી તેમનું ચિત્ર પ્રદર્શન મુંબઇ ના વરલી મધ્યે આવેલી જાણીતી આર્ટ ગેલેરી ‘નહેરુ આર્ટ સેન્ટર’ મધ્યે શરૂ થઈ રહ્યું છે. ૨૮/૫/૧૮ સુધી ચાલનારા આ પ્રદર્શનની થીમ વિશે ન્યૂઝ4કચ્છ સાથે વાત કરતા બિપીનભાઈ કહે છે કે, એક નવો વિચાર જેનું નામ ”થોટ ઓફ બ્રસ” જેમાં કૃષ્ણ,કચ્છ,અને ક્રિએટીવીટી એટલે કે કલાકારના મનોભાવ ઉપર કામ કર્યું છે. ૫૦ જેટલા નવ સર્જન કરેલા ચિત્રો અને ચિત્રોના અલગ પ્રકાર તેમ જ રંગોના અલગ માધ્યમ ચિત્રો જોનારાંને ખરેખર મોહિત કરી દે તેવા છે.કોઈ એકદમ રીયેલીસ્ટીક વર્ક, તો ક્યાંક ઢોળાયેલા શ્યામ રંગને ધારીને જોતા કૃષ્ણના રંગે રંગાયેલી મીરા દેખાય છે.ધાર્મિક ચિત્રોમાં સોનાના વરખ અને નંગ સીટિંગનું કામ ખુબ રોયલ લાગે છે. અને આવા ચિત્રો દરેક મીડીયમમાં છે.
મોડર્ન ચિત્રો જુઓ તો સોનાની સાવરણી થી કચરો કાઢતા બે હાથ ….ત્રણની સિરીઝ ના આ ચિત્રોમાં ક્રિએટિવિટી સર્જનાત્મકતા છે, જે એવો સંદેશ આપે છે નજર,હૃદય અને મગજ માં પડેલા કચરાની સ્વરછતા કરવી પણ જરૂરી છે.આવું જ કંઇક પ્રગટ કરે છે.કચ્છના ચિત્રોની થીમ !! કચ્છના ગ્રામ્ય જીવન પરના ચિત્રોમાં ચિત્રકારનો કચ્છ પ્રત્યે તો પ્રેમ પીછી માંથી નીતરતો જોવા મળે છે.
આ ચિત્ર પ્રદર્શનમાં ભાગ લેનારા કવિતા સોની વિશે વધુ જાણીએ તો, કવિતા સોની એ પણ આવા જ વિષય પર ખુબ સરસ ખંતથી કામ કર્યું છે.તેઓ ઘણા વરસોથી પેન્ટિંગના કલાસીસ દ્વારા નવી પેઢીમાં કલાના સંસ્કારો સીંચવાનું કામ કરી રહ્યા છે.અને ખુબ મોટું શિષ્ય વર્તુળ ધરાવે છે. આ ચિત્ર પ્રદર્શનમાં તેમના વૉટર કલર, ઓઇલ પેઈન્ટ, સાથે નાઇફ વર્ક વગેરે માધ્યમમાં સર્જન કરેલા ચિત્રો પ્રદર્શિત કરાશે. એમનું ખંત અને નિષ્ઠાપૂર્વક કરેલું કામ લોકોના હૃદયને સ્પર્શી જશે. આ કલાકારો કચ્છનું ગૌરવ છે.એમના આ એક્ઝિબિશનમાં ઘણી મોટી ફિલ્મી હસ્તીઓ , જાણીતા સંગીતકારો, ચિત્રકારો, રાજકીય આગેવાનો અને કલાપ્રેમીઓ હાજરી આપશે. એમના એક્ઝિબિશનની સફળતા માટે તેમને અત્યારથી જ શુભેચ્છાઓ મળવા લાગી છે. ન્યૂઝ4કચ્છ પણ કચ્છી માડુઓ મુંબઇમાં રંગોનું મેઘધનુષ્ય રચનારા આપણા કચ્છના આ કલાકાર દંપતીને સફળતાની શુભકામના પાઠવે છે.