Home Current ૧૫ વર્ષ થી નોકરીની રાહ જોતા કચ્છના એપ્રેન્ટિસોની ભરતી કરો-ઉર્જામંત્રી સૌરભ પટેલ...

૧૫ વર્ષ થી નોકરીની રાહ જોતા કચ્છના એપ્રેન્ટિસોની ભરતી કરો-ઉર્જામંત્રી સૌરભ પટેલ અને વાસણભાઇ સમક્ષ રજૂઆત

1177
SHARE
લખપત તાલુકાના પાન્ધ્રો સ્થિત જીએસઈસીએલના વીજમથક પર એપ્રેન્ટીસ તાલીમ મેળવી છેલ્લા પંદર વર્ષ જેટલા સમયથી ભરતી ન થવાના કારણે નોકરીની રાહ જોઈ રહેલા તાલીમાર્થનાં પ્રશ્નો અંગે ગાંધીનગર ખાતે રાજ્યના ઉર્જા પ્રધાન શ્રી સૌરભભાઈ પટેલ તથા કચ્છી મંત્રી શ્રી વાસણભાઈ આહિર સમક્ષ કચ્છ જિલ્લા વિવેકાનંદ યુવા કેન્દ્રના પ્રમુખ જયેશદાન ગઢવી ના નેતૃત્વમાં રજૂઆત કરવામાં આવી હતી. જીએસઈસીએલ પાન્ધ્રો ખાતે એપ્રેન્ટીસ તરીકે એક વર્ષ સુધી તાલીમ આપવામાં આવી હતી. તથા તે પૈકી કેટલાક તાલીમાર્થીઓની કાયમી કર્મચારી તરીકે નિમણૂંક પણ કરવામાં આવી હતી, પરંતુ છેલ્લા પંદર વર્ષ જેટલા સમયથી ભરતી ન થવાના કારણે સ્થાનિક યુવાનો નોકરીથી વંચિત રહ્યા છે, તથા વીજમથક દ્વારા તાલીમાર્થીઓની પ્રતિક્ષા યાદી પણ તૈયાર કરવામાં આવી છે પરંતુ લાંબા સમયથી ભરતી ન થવાથી કેટલાક તાલીમાર્થીઓની વય મર્યાદા પૂરી થવા જઈ રહી છે. બીજી તરફ વીજમથકમાં હેલ્પર ની ઘટ પડવા અંગે વારંવાર વડી કચેરી પાસે લેખિત માંગણી કરવામાં આવી છે. તેમ છતાં પાન્ધ્રો વીજમથકના એપ્રેન્ટીસ તાલીમાર્થીઓની ભરતી કરવાના બદલે અન્ય એકમ પર ભરતી થયેલ હેલ્પર ને પાન્ધ્રો બદલવામાં આવે છે , તથા સ્થાનિક તાલીમાર્થીઓને નોકરીની તકથી વંચિત રાખવામાં આવી રહ્યા છે. આ બાબતે ગત મંગળવારે એપ્રેન્ટીસ તાલીમાર્થીઓના પ્રતિનિધિ મંડળ સાથે યુવા અગ્રણી જયેશદાન ગઢવીએ કચ્છી મંત્રી શ્રી વાસણભાઈ તથા ઉર્જા મંત્રી શ્રી સૌરભભાઈ ની ગાંધીનગર સચિવાલય ખાતે રૂબરૂ મુલાકાત લઈ સમગ્ર બાબતની લેખિત તથા મૌખિક વિસ્તૃત રજૂઆત કરી હતી. જેની ગંભીરતા ધ્યાને લઈ ઉર્જા મંત્રીશ્રી એ વીજમથકની વડી કચેરી જીએસઈસીએલ વડોદરાના એક્યુકેટિવ ડાયરેક્ટર શ્રી બક્ષી ને આ પ્રશ્ને તાત્કાલિક અસરથી યોગ્ય નિરાકરણ લાવી, સ્થાનિક તાલીમાર્થીઓને રોજગારીની યોગ્ય તક પૂરી પાડવા નિયમ મુજબની કાર્યવાહી હાથ ધરવા સુચના આપવામાં આવી હતી. તથા આ સમગ્ર બાબત નિતી વિષયક હોઈ નજીકના સમયમાં ઉર્જા મંત્રી તથા વીજમથક ના સક્ષમ અધિકારીઓ વચ્ચે બેઠક યોજી મંત્રણા કરવામાં આવશે, તથા હકારાત્મક વલણથી યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે તેવી હૈયાધારણા આપી હતી.
આ રજૂઆત વખતે જયેશદાન ગઢવી સાથે તાલીમાર્થીઓ વતી પૃથ્વીરાજ ઝાલા, અરવિંદ ભટૈયા, પિંગળશી ગઢવી સહિતના ઉપસ્થિત રહ્યા હતા. વર્ષોથી પડતર રહેલા આ પ્રશ્ન અંગે રાજ્ય સરકાર સમક્ષ મજબુત તથા પદ્ધતિસર રજૂઆત કરવામાં આવતા તાલીમાર્થીઓમા નવી આશા જાગી છે. તેવું એપ્રેન્ટીસ તાલીમાર્થીઓ મંડળના તેવું પિંગળશી ગઢવી ની યાદીમાં જણાવાયું છે.