મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પ્રવાસીઓના સામાન માં થી ચોરી થવાના વધેલા ઉપદ્રવે પ્રવાસીઓ માં ચિંતા સર્જી છે. ભુજના પ્રવાસી જીજ્ઞેશ એસ. ગોરે પોતાને થયેલા કડવા અનુભવ વિશે ન્યૂઝ4કચ્છ સાથે વાત કરતા જણાવ્યું હતું કે, તેઓ દુબઇ થી જેટ એરવેઝ ની ફ્લાઇટ માં પરમદિવસે મોડી રાત્રે પરત ફર્યા હતા દરમ્યાન તેમનો સામાન પ્લેન માં થી કન્વેયર બેલ્ટ સુધી પહોંચે તે પહેલાં જ બેગ માં થી તેમણે દુબઈ થી ખરીદેલો મોંઘો મોબાઈલ ફોન ચોરાઈ ગયો હતો. તેમણે આ અંગે જેટ એરવેઝ ના સત્તાધીશો નું ધ્યાન દોર્યું તો ઇમેઇલ થી ફરિયાદ કરવાનું કહીને જેટ એરવેઝ હાથ ખંખેરવાનો પ્રયાસ કર્યો હતો. અંતે તેઓ શાહગંજ પોલીસ સ્ટેશને પહોંચ્યા તો પોલીસે સાથ સહકાર આપીને સી.આઈ.એસ.એફ. પાસે મોકલ્યા હતા. જ્યાં સીસી ટીવી ના કન્ટ્રોલ રૂમ માં પહોંચેલા જીજ્ઞેશ ગોરે જોયું તો દિલ્હીના એક પોલીસ અધિકારી ની ૧૦ લાખની જવેલરી બેગ માં થી ઉપડી જતા તેઓ પણ ફરિયાદ કરવા પહોંચ્યા હતા, તો ન્યુઝીલેન્ડ ના એક NRI ભારતીય પરિવાર પણ ત્રણ દિવસ થયા ચોરીની ઘટના ની દાદ ન મળતા પરેશાન હતો.
CISF હોવા છતાં ચોરી થાય, તો આતંકીઓ કેમ પકડાશે? એરલાઇન કંપનીઓની શાખને પણ બટ્ટો
જોકે, સતત ૨૪ કલાકની રઝળપાટ પછી પોતાને થયેલા કડવા અનુભવ વિશે જીજ્ઞેશ ગોરે જણાવ્યું હતું કે, મુંબઇ જેવા ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર પ્લેન થી કન્વેયર બેલ્ટ સુધી પોર્ટર દ્વારા લવાતા સામાન ઉપર નજર રાખવા સીસી ટીવી કેમેરા જ નથી. એકબાજુ એરપોર્ટ ઉપર હાઈએલર્ટ સિક્યુરિટી જાહેર કરાય છે, CISF જેવી ફોર્સ તૈનાત કરાય છે, બીજીબાજુ એરપોર્ટ પરના પ્રવાસીઓના સામાન માં ખુલ્લેઆમ તસ્કરી થાય છે, તે હકીકત આઘાતજનક છે. ખરેખર સુરક્ષા માં છીંડા છે. બીજું પ્રવાસીઓના સામાન ચોરીની ઘટના પછી જેટ જેવી ખાનગી વિમાની કંપનીઓ પ્રવાસીઓને દાદ ન આપે તે હકીકત આઘાતજનક છે. સરકારે આવી ઘટનાઓ રોકવા વિમાની કંપનીઓ સામે પણ કાયદા ઘડીને પ્રવાસીઓને ન્યાય આપવો જોઇએ.