ધૈર્ય છાયા દ્વારા : ફેસબુક અને www.news4kutch.in ના માધ્યમથી દર રવિવારે પ્રકાશિત થતી ઈ – કૉલમ ‘ મેળાવો ‘ના એપિસોડમાં સ્વાગત.
મળીએ લેખક, નિર્દેશક, ઉદ્ઘોષક, સંયોજક કલાકાર શ્રી પંકજભાઈ ઝાલાને. વડનગરા નાગર જ્ઞાતિના ઝાલા પરિવારમાં જન્મેલા પંકજભાઈએ યુવાન વયે જ એમને ખુબ સારી તકો સાંપડી છે કે તકો આપી છે. નરેન્દ્ર મોદીની ‘મીઠી’ વઢ એમને એટલી ફળી કે ભારતીય સંસ્કૃતિને અનુરૂપ કળાના પ્રસાર કરવામાં સફળતા મળી. હા, આમતો નરેન્દ્ર મોદી મૂળે રાષ્ટ્રીય સ્વયમ સેવક સંઘના પણ સમયાંતરે મુખ્યમંત્રી બન્યા પછી જયારે કચ્છ આવ્યા ત્યારે પંકજભાઈ સંસ્કૃતિ અનુરૂપ કાર્યક્રમો કરવા સરકારની મદદ માંગી હતી.. ત્યારે નરેન્દ્રભાઈ દ્વારા પંકજભાઈને ‘મીઠી’ વઢ પડી કે આવા ઉત્તમ વિચાર માટે તમે લોકો સામે જાવ જેથી સંસ્કૃતિનો પ્રસાર પણ થશે અને ભંડોળ પણ મળશે. બસ, એ પછી પંકજભાઈએ પાછું વળી જોયું નહિ અને જુદા જુદા શહેરો અને ગામડાઓમાં પ્રવાસ આદર્યો અને શરૂઆતમાંજ અઢી લાખ જેટલું અનુદાન મળી ગયું અને પ્રવૃત્તિઓને વેગ મળ્યો, આમતો પ્રાથમિક કક્ષાએથી જ પંકજભાઈ કોઈને કોઈ રીતે સ્ટેજ સાથે સંકળાયેલા છે પણ કૉલેજકાળથી એમની પ્રવૃતી ફૂલીફાલી. કળા ક્ષેત્રે કાર્યરત ‘સાનિધ્ય’ સંસ્થામાં ૧૯૮૦-૮૧થી જોડાયા. કોલેજમાં હતા ત્યારે બે દિવસીય કાર્યક્રમમાં ‘સંતુ રંગીલી નાટક કર્યું. તો એ પછી ‘ આધે અધૂરે.’. પંકજભાઈએ ‘એકાંતની અડોઅડ’ નાટક ભજવ્યું. એમનું ‘બાવીસ વર્ષનો બાબો’ નાટક વધારે ચાલ્યું. કૉલેજના મિત્રો આજેય પણ તેમને ‘બાબા’ તરીકે બોલાવે છે. એ પછી ચગડોળ, ‘ હું ઘરે નહિ આવું’, ‘તુલસી સંસારમે’, ‘છકમાં છકી ગયા’, જન્મ વી. માં કળા રજુ કરી. હાલ તેઓ ‘સાનિધ્ય’નું પ્રમુખપદ શોભાવે છે. લલિત કાળાઓને પ્રોત્સાહન – સંવર્ધન આપતી અખિલ ભારતીય સંસ્થા ‘સંસ્કાર ભારતી’ ના તેઓ કચ્છના સંયોજક છે. સંઘનું એક ક્ષેત્ર છે ‘સંસ્કાર ભારતી’. ભારતીય સંસ્કૃતિમાં દરેક ઉત્સવ પાછળ એનું અલગ જ મહાત્મય છુપાયેલું છે જે ઉત્સવો અને પરંપરાને કળાના પરિપ્રેક્ષમાં ઓળખ કરવાનું કાર્ય કરાવાઈ રહ્યું છે ‘સંસ્કાર ભારતી’ દ્વારા. ગુડી પડવો નેવી વર્ષ છે. જેમાં સંસ્કૃતિને અનુરૂપો શુભેચ્છાઓ આપવી કે ભારતનાટ્યમના પ્રયોગથી સૂર્યના પહેલા કિરણનું સ્વાગત કરવું, જનમાષ્ટમી, દીપાવલી, નવરાત્રીની સંસ્કૃતિની અનુરૂપ ઉજવણી કરવામાં આવે છે. સાચી નવરાત્રીનું મોડલ પ્રસ્તુત કરાય છે. માતાજીની સ્તુતિ, છંદો દ્વારા અલગ માહોલ ખાડો કરવા પંકજભાઈના પ્રયાસો હોય છે.
રંગોળી જે ઘર અને મંદિરની શોભા બનતી હોય છે તેમાં નવા કન્સેપ્ટ સાથે કાર્ય કરવામાં આવે છે. રંગોળીની શિબિરો તો યોજાય જ છે પણ રંગોળી દ્વારા ‘ભૂમિપૂજા’ પણ થાય છે જેનું મહત્વ સમજાવાય છે. જેને ‘ભૂ-અલંકરણ’ દ્વારા જમીન શણગારવામાં આવે છે. એકાંકી ‘વ્રજવાણીનો ઢોલ’ પણ પંકજભાઈએ કર્યું. સંખ્યાબંધ નાટક પ્રયોગો કર્યા પછી ૧૯૮૨માં સઈ પરાંજપેનો પ્રોજેક્ટ મળ્યો. કાર્તિકેય સારાભાઈ લિખિત ફિલ્મ ‘દ્રાખ’ ટેલીફિલ્મમાં કામ મળ્યું. આમતો વાણિયાવાડ સ્કૂલમાં ફિલ્મ યુનિટની ટીમ આવી અને ભુજના કલાકારોની જરૂરિયાત હોઈ કોઈ સારા કલાકારો સુજાવવા પૂછવામાં આવતાં નાટ્ય પ્રયોગો કરતા પંક્જ્ભાઇનું નામ આપવામાં આવ્યું અને લેન્ડ લાઈન કોલ દ્વારા પંકજભાઈનો સંપર્ક કરી ફિલ્મમાં પાત્ર ભજવવા ઓફર આપી. પર્યાવરણ આધારિત આ ફિલ્મમાં ઢોરવાડાના સંચાલકનો એટલેકે કેટલ કેમ્પના મેનેજર તરીકેનો રોલ મળ્યો. ૧૫ દિવસ ટીમ સાથે રહ્યા,. થયું એવું કે મુર્હૂતના દિવસે જ પરાંજપે પડી ગયા ઇજા પહોંચી અને મુર્હુત ઠેલવું પડ્યું. પંકજભાઈના લગ્નનું વધાવું પરાંજપે એ મુંબઈથી મનીઓર્ડર દ્વારા મોકલાવ્યું. હિસ્ટ્રી ચેનલ સાથે સંકળાયેલા સઈ પરાંજપેના દીકરા ગૌતમે પણ કચ્છ આવી પંકજભાઈનો સંપર્ક કર્યો. દૂરદર્શન પરથી પ્રદર્શિત કરતી ‘જેસલ તોરલ’ શ્રેણીમાં તોરલના વરનો રોલ કર્યો. દિપક અંતાણી દ્વારા દૂરદર્શન પર કચ્છી નવા વર્ષનું વિશેષ પ્રસારણ કરવામાં આવ્યું હતું જેમાં પંકજભાઈને ‘આવઇ અષાઢીબીજ’ કાર્યક્ર્મ અંતર્ગત રબારીના પાત્રમાં પંકજભાઈ દેખાયા. ૧૯૯૯માં આવઇ જીવનની ઐતિહાસિક ક્ષણો. મિસ્ટર પેર્ફેક્ટનિસ્ટ આમીરખાન એમના યુનિટ સાથે કચ્છમાં ધામા નાખ્યા અને બનાવી ઓસ્કર નોમીનિટ ફિલ્મ ‘લગાન’ સિનેમા એક્ટિવિટીમાં જન્મ થયો એમ કહી શકાય. એક સાથે ૪૬ જેટલા કલાકારોનું સંચાલન કર્યું. ‘લગાન’ ફિલ્મે એક ઇતિહાસ રચ્યો જે ઐતિહાસિક ક્ષણોની યાદગીરી રૂપે આમીરખાન પ્રોડ્ક્સન દ્વારા ‘ સ્પિરિટ ઓફ લગાન’ પુસ્તક પ્રસિદ્ધ કરવામાં આવ્યું જેમાં પંકજભાઈનો પાંચથી વધુ વખત ઉલ્લેખ કરવામાં આવ્યો છે જે ગૌરવપ્રદ ઘટના છે. એ બુકનો ઉપયોગ અત્યારે મેનેજમેન્ટમાં વિધાર્થીઓને શીખવવામાં કરવામાં આવે છે. ‘સત્ય મેવ જયતે’ના ડાયરેક્ટર સત્યજિત ભટકલે આ પુસ્તક લખ્યું છે. ‘લગાન’ દ્વારા બહોળો અનુભવ મળ્યો. એ પછી જયારે જયારે કોઈ યુનિટ કચ્છમાં આવતાં એમના સંયોજક તરીકે સાથે રહેતા. ‘લગાન’ ફિલ્મનો પ્રીમિયર શો ભુજના હાટકેશ કોમ્પ્લેક્સમાં યોજવામાં આવ્યો. જે પ્રિમીયરનું પણ પંકજભાઈએ કંપેરિન્ગ કર્યું.
૨૦૦૧માં આવેલા વિનાશક ભૂકંપ બાદ આમીરખાન પ્રોડક્શનમાંથી કચ્છ અને કલાકારોની પૃચ્છા કરવા માટે મુંબઈથી પ્રતિનિધિ મોકલાવ્યા. પંકજભાઈની સાથે રહી દરેક કલાકારો સુધી પહોંચવા પ્રયાસ કરાયો અને જાત માહિતી લેવાઈ. દરમ્યાન આમીરખાને પંકજભાઈને ફોન કર્યો અને કલાકારોનું લિસ્ટ માગ્યું. અને એ પછી કોઈ ચોક્કસ જગ્યાએ કલાકારોને ભેગા કરવા આહવાન કર્યું. આમીરખાન અને એ. આર રહેમાન દ્વારા અસરગ્રસ્ત કલાકારોને ભૂકંપ રાહત આપવામાં આવી. ૨૧-૨૧હજારનો ચેક અર્પણ કરવામાં આવ્યો. રિના દત્તા મુંબઈથી ખાસ ચેક આપવા આવ્યા. આમીરખાન પ્રોડક્શનને ૧૦ વર્ષ પૂર્ણ થવાની ખુશીમાં પંકજભાઈને મુંબઈની તાજ હોટલમાં હાજરી આપવા નોતરું આપવામાં આવ્યું. જેમાં અમિતાભ બચ્ચનની હાજરીમાં આમીરખાને પંકજભાઈનું નામ લઇ ઉભા કરી સત્કાર આપ્યો હતો. અમિતાભ બચ્ચનનો અવાજ પણ ‘લગાન માં છવાયો છે. એ પછી આવી વધુ એક સુવર્ણ તક. સદીવીર અભિનેતા અમિતાભ બચ્ચન કચ્છ આવ્યા. ‘ ખુશ્બુ ગુજરાત કી’ના દ્રશ્યો માંડવી, કચ્છના સફેદ રંણમાં ફિલ્માવવામાં આવ્યાં. એ દરમ્યાન પંકજભાઈ અમિતાભની સાથે રહ્યા. વધુ એક નોખો અનોખો અનુભવ, પાંચેક દિવસ અમિતાભ સાથે રહ્યા. સામાન્ય રીતે સાથી કલાકારોને વહેલું પહોંચવાનું હોય પણ અમિતાભ પણ સાથી કલાકારોની સાથે વહેલી પરોઢે સાડા ત્રણ વાગ્યે માંડવી જવા નીકળી પડ્યા હતા. ડાયરેક્ટરને તો ભાગ્યેજ રિટેક કરાવવો પડે, ડાયરેક્ટર પણ અન્ય કોઈ કલાકાર પાસે એમની એક્ટીંગ કરાવડાવે એ પછી અમિતાભ પાસે, લગભગ દ્રશ્યો એક જ કટમાં પૂરાં થઇ ગયા હતા એવું નરી આંખે જોનારા પણ પંકજભાઈએ જણાવ્યું હતું. જૈન નાટકોની સિરીઝ પણ પંકજભાઈએ કરી. વરસીતપ, સંવત્સરીના નાટકો આરાધના ભવનમાં કર્યા. અઠાઈ પર આધારિત ‘મૈલા સુંદરી’ના પ્રયોગો આજેય પણ ચાલુ છે.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે જોડાયેલા પંકજભાઈએ કંડલા હોનારત વખતે રાહત કામગીરીમાં જોડાયા હતા. ૨૦૦૧ના વિનાશક ભૂકંપ પછી બીજા જ કલાકે રાહત કામગીરી આદરી હતી. સિંઘોડીમાં આવેલા અતિવૃષ્ટિમાં ફૂડ પેકેટ લઈને ગયા હતા. નરેન્દ્ર મોદી સંઘના કાર્યકર તરીકે ભૂકંપ દરમ્યાન ભુજ આવ્યા અને પંકજભાઈના સ્કૂટર પાછળ બેસી કાટમાળમાં ફેરવાયલા ભુજને જોવા ગયા. ત્યારે પંકજભાઈ એ સ્વાભાવિક રીતે નરેન્દ્રભાઈને પૂછ્યું કે ‘ભુજનું શું થશે?’ ત્યારે નરેન્દ્રભાઈ જાણે દૂરંદેશી જોઈ હોય તેમ કહ્યું કે હવે કશું ના કરાય .. રિલોકેશન સાઇટો ડેવલોપ કરાય. આજે એમના શબ્દો સાર્થક પડ્યા છે. ડો. હેડગેવાર માર્ગની તકતી અનાવરણ પ્રસંગે પણ નરેન્દ્રભાઈ સાથે હતા. રંગમંચ અને ફિલ્મો સાથે સંકળાયેલા પંકજભાઈ બન્ને સ્થાનો એમની રીતે વિશિષ્ટ હોવાનું માને છે. પંકજભાઈએ ‘ગુડ રોડ’માં પણ કામ કર્યું જેમાં વિલનનો રોલ મળ્યો હતો. ફિલ્મ ઓસ્કર નોમીનિટ થઇ. હોલીવુડ ફિલ્મ ‘વેન હેરી ટ્રાઇસ ટુ મેરી’ ફિલ્મમાં લગ્નપૂર્વે દાંડિયા રાસના ગાયકનો રોલ કર્યો છે. માંડવીના વિજય વિલાસમાં શૂટિંગ થયું હતું. આદિત્ય લાખિયાની ફિલ્મ ‘ઈ સ્કૂલ’ અપકમિંગ છે. તાજેતરમાં રિલીઝ થયેલી ‘ આઈ એમ બન્ની’માં પ્રાધ્યપકની ભૂમિકામાં છે. પંકજભાઈ સંસ્કૃતિને કેન્દ્રમાં રાખીને કળા પાથરતા હોય છે. ૨૦૧૦થી ૨૦૧૫ દરમ્યાન કચ્છમાં શરુ થયેલા રણોત્સવની થીમને ડેવલોપ કરી. નરેન્દ્ર મોદી અને ભાગ્યેશ જાહએ પંકજભાઈની પસંદગી ઉતારી. સ્વામી વિવેકાનંદની સાર્ધ શતાબ્દીની ઉજવણી દરમ્યાન ૧૧ જેટલા નાટકો કર્યા જેમાં વિવેકાનંદનો રોલ કર્યો. લેખન અને અભિનય પંકજ ઝાલા. નાગર જ્ઞાતિ મંડળના ભાગવત સપ્તાહ દરમ્યાંન ‘મામેરું મહેતા તણું’ નાટક ભજવવામાં આવ્યું. અલુપ્ત થઇ ગયેલી માણભટ્ટ પરંપરાની ઓળખ કરાવતા આ નાટકના સિલસિલાબંધ નાટકો કરવા આયોજન થયું. વડોદરાના ધાર્મિકલાલ પંડયા માણભટ્ટ પરંપરા દ્વારા કથા કરી રહ્યા છે. ‘મામેરું મહેતા તણું’ના સાત પ્રયોગો થઇ ચુક્યા છે. જેમાં એક પ્રયોગ પૂજ્ય નરસિંહ મહેતાની જ ભૂમિ જૂનાગઢમાં કરાયો. પ્રિય મોરારીબાપુની માનસ નાગર કથા દરમ્યાન આ નાટક ભજવાયું. આ ટાણે પંકજભાઈ ભાવ વિભોર થઇ જૂનાગઢ સહિત નરસિંહ મહેતાના ચોરે ગયા અને નરસિંહ મેહતાની પ્રતિમા સામે બે હાથ જોડી વિનંતી કરી કે હું તમારા જ શહેરમાં તમારું જ પાત્ર બનીને નિમિત્ત બન્યો છું. હવે તમે સાચવી લેજો. નરસિંહ મેહતાએ જાણે પ્રાર્થના સાંભળી હોય તેમ નાટક પૂરું થયા બાદ મોરારીબાપુના આંખમાં આંસુ આવી ગયા અને પંકજભાઈને શ્રદ્ધા જાગી કે નક્કી નરસિંહ મહેતાએ મારામાં પ્રવેશ કર્યો છે. ગત ચોથી ઓક્ટોબરે શ્યામજી કૃષ્ણ વર્માજી આધારિત નાટક ‘વતનમેં લી સાંસ’ પંકજભાઈએ લખ્યું છે. આશુતોષ મેહતા શ્યામજીના પાત્રમાં હતા. લંડન હાઉસમાંથી શ્યામજીના અસ્થિઓ કચ્છ લાવવામાં આવ્યાં અને જાણે અસ્થિઓ બોલે છે એ વિચાર સાથે આ લખાયું છે. પંકજભાઈની એક મહેચ્છા છે. તેઓ જયારે અંદમાન નિકોબારના પ્રવાસે હતા હતા ત્યારે પોર્ટબીટ સ્થિત વીર સાવરકર જે કોઠડીમાં હતા ત્યાં પ્રવેશ્યા ત્યારે કવિ પત્રકાર એવા વીર સાવરકરની એનર્જી હજુ પણ જીવંત હોવાનું અનુભવ થયો અને એમના પર પણ કંઈક દેશને આપવા વિચાર્યું છે.પંકજભાઈ પ્રતિવર્ષ શિવરાત્રી દરમ્યાન શિવના ચરિત્રો, શિવ વાર્તા વી પર નાટકો કરી રહ્યા છે. પંકજભાઈ આકાશવાણીના ‘બી હાઈ ગ્રેડ’ ઉદ્ઘોષક છે. ‘નિરંતર નાટ્ય’ અંતર્ગત બે વર્ષ સુધી નાટ્ય શિબિરનું આયોજન કરાયું. અઠવાડિયે બે દિવસ આ શિબિર ચલાવાઈ. ‘સાનિધ્ય’ સંસ્થા દ્વારા જૂની રંગભૂમિના નાટકો ભજવાયાં. પંકજભાઈ નાટકો લખતા અને સ્વ. કીર્તિભાઇ હાથી એમને સ્કેન કરતા.. શ્રી નયનભાઈ રાણા પાસેથી નાટકોની બારીકાઈનો અભ્યાસ મેળવ્યો છે. નિરંજનભાઈ અંતાણીના ‘નિર્વૃન્દ’માં કોરસમાં પણ પંકજભાઈ એ ગાયું છે. આ રીતે સંગીતનું નોલેજ પણ ખરું. પંકજભાઈના જણાવ્યા મુજબ નાટ્ય પ્રવૃત્તિ ૬૪ કલાઓ સાથે સંકળાયેલી છે. જેમાં મેકઅપ, કોસ્ચ્યુમ, પ્રકાશ મહત્વના છે. જેની અવેરનેશ હોવી આવશ્યક. ૨૦૧૪માં ‘ગુરુગૌરવ’ અને ‘રંગકર્મી’ એવોર્ડ પંકજભાઈના ફાળે છે. પ્રિય મોરારીબાપુ, નરેન્દ્ર મોદી, અમિતાભ બચ્ચન, આમીરખાન જેવા દિગ્જ્જો સાથે જેમને સમય વીતાવવાનો મોકો મળ્યો છે તેવા પંકજભાઈ કોઈપણ પાત્ર મળે પુરે પૂરો ન્યાય આપે છે. ખુબ ખુબ અભિનંદન સહ શુભેચ્છાઓ.