(ભુજ) કેન્દ્ર ની મોદી સરકાર દ્વારા નોટબંધી બાદ બેન્કિંગ વ્યવહાર માટે ના નિયમો માં આવેલા બદલાવ ને પગલે સામાન્ય લોકો અને નાના વ્યાપારીઓ માટે બેન્કિંગ ની કામગીરી દિન પ્રતિદિન પહેલા કરતા કઠીન બની રહી છે.જોકે નીરવ મોદી કે મેહુલ ચોકસી,વિક્રમ કોઠારી જેવા મોટા કૌભાંડિયાઓ ને બેન્કિંગ વ્યવહાર માટે ભલે કોઈ નિયમો લાગુ ન પડતા હોય પણ હવે સામાન્ય નાગરિકો માટે નવું બેંક ખાતું ખોલાવવું નવા નિયમો ના કારણે અઘરું બન્યું છે. 1લી જાન્યુઆરી 2018 થી ચુપચાપ અમલ માં આવી ગયેલા આ નવા નિયમો થી આજે પણ ઘણા લોકો અજાણ હશે.રિઝર્વ બેંક ના આદેશ અનુસાર હવે નવું બેંક ખાતું ખોલાવવા માંગતા ગ્રાહકો પાસે થી તેમના આધારકાર્ડ અને પાનકાર્ડ લઇ ને તેનો ડેટા જે તે બેંક લઈ ને પોતાની હેડ ઑફિસે મોકલશે.જ્યાંથી બેંક ની હેડ ઓફીસ રિઝર્વ બેંક ના માધ્યમ થી ખાતાધારક ના આધારકાર્ડ અને પાનકાર્ડ નું વેરીફીકેશન કરશે. જો આ ડેટા માં કોઈ ભૂલ રહી ગઈ હશે તો બેંક ખાતું નહીં ખુલે. આપણી ગુજરાતી માનસિકતા પ્રમાણે નામ ની સાથે જો ક્યાંય ભાઈ ,કુમાર એવું લખ્યું હશે અને આધારકાર્ડ કે પાનકાર્ડ માં નામ માં કોઈ ફેરફાર હશે તો બેંક ખાતું નહીં ખુલે. વળી આ પ્રોસીજર માં 8 થી 10 દિવસ નો ટાઈમ લાગતો હોઇ બેંક ખાતું ખોલવામાં એટલા દિવસ વિલંબ પણ થશે.એટલે કે હવે અરજન્ટ બેંક ખાતું ખોલાવવું એ ભૂતકાળ બની જશે.