એક બાજુ જોર શોરથી ટ્રાફિક સપ્તાહની ઉજવણી ચાલી રહી છે, બીજી બાજુ ભુજમાં જાહેર માર્ગ ઉપર ગેરકાયદે સ્ટેન્ડ બનાવીને ઉભા રહેતા છકડા ચાલકો, હાથલારી વાળાઓનું દબાણ વધી રહ્યું છે. ભુજમાં વાણિયાવાડ નાકાની બહાર અને વાણીયાવાડ નાકાની અંદર જાહેર માર્ગ ઉપર, દુકાનોની આડે ઉભી રહેતી રિક્ષાઓ અને હાથલારી થી દુકાનદારો તેમ જ લોકો પરેશાન છે. જાહેર માર્ગ ઉપરના દબાણથી થતી મુશ્કેલીના કારણે અવારનવાર નાના મોટા ઝઘડાઓ, બોલાચાલી અને હાથપાઈ પણ થતી રહે છે. આજે નવી શાક માર્કેટ સામે આવેલા ગૌરીશંકર દેવીદાસ પેટ્રોલ પમ્પના માલિક અને રોટરી આગેવાન જયેશ શાહ ઉપર છકડા ચાલક દ્વારા કરાયેલા હુમલાએ ચકચાર સર્જી હતી. અહીં પેટ્રોલ પમ્પ સામે જ ટ્રાફિક પોલીસ ચોકી આવેલી છે, તેમ છતાંયે ટ્રાફિક પોલીસ ચોકીની સામે જ જાહેર માર્ગ ઉપર છકડાઓ, હાથલારીઓ ઉભી રહે છે. દરમ્યાન આજે સવારે પોતાના પેટ્રોલ પમ્પની આડે ઉભેલા છકડાઓને કારણે વાહન ચાલકોને તેમાંયે ખાસ કરીને મહિલા વાહન ચાલકોને થતી મુશ્કેલીને કારણે પેટ્રોલ પમ્પ માલિક જયેશ શાહે છકડા ચાલકોને હટવાનું કહેતા બબાલ થઈ હતી અને ઉશ્કેરાયેલા છકડા ચાલકે જયેશ શાહ ઉપર રસ્સા વડે હુમલો કર્યો હતો. હુમલાને કારણે લોહીલુહાણ થયેલા જયેશ શાહને માથામાં ઇજા થઇ હતી. આ ઘટના બાદ જયેશભાઇને તુરત જ સારવાર માટે જી. કે. જનરલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. નવી શાક માર્કેટ જેવા જાહેર માર્ગ ઉપર થયેલ હુમલાની જાણ થતાં જ પોલીસ તુરત જ ઘટના સ્થળે દોડી આવી હતી હુમલો કરનાર છકડા ચાલકને પોલીસ સ્ટેશને લઈ ગઈ હતી. આ અંગે હોસ્પિટલ ચોકીમાં જયેશ શાહે છકડા ચાલક GJ-12 AT 0940 વાળા સામે પોતા ઉપર હુમલો કરી ઇજા પહોંચાડ્યા અંગે ફરિયાદ લખાવી છે. ભુજ એ ડિવિઝન પોલીસ આ અંગે તપાસ હાથ ધરી છે.
જોકે, અહીં સવાલ કાયદો અને વ્યવસ્થાની જાળવણી સામે છે. નાના ધંધાર્થીઓ ધંધો કરે તેમાં કોઈને પણ વાંધો ન હોઈ શકે. પણ, દુકાનદારોની, વાહનચાલકોની અને રાહદારીઓની મુશ્કેલી સમજવાને બદલે દાદાગીરી કરવાનું વલણ વખોડવા લાયક છે. ચર્ચાતી હકીકતોને સાચી માનીએ તો પોલીસ હપ્તા લે છે એટલે કંઈ વાંધો નહીં આવે તેવું સમજીને દબાણકર્તાઓ કાયદો હાથમાં લે તે હકીકત શહેરની શાંતિ અને સલામતી માટે નુકસાનકારક છે.