(ભુજ) કચ્છ જિલ્લા પંચાયતમાં એસીબીએ કરેલી ટ્રેપમાં સિનિયર ક્લાર્ક લાંચ લેતા ઝડપાતા ચકચાર મચી ગઇ છે. સૂત્રો ના જણાવ્યા પ્રમાણે બિલ પાસ કરાવવા સંજય મોતાએ ૭૮ હજારની લાંચ માંગી હતી. અત્યારે સંજય મોતા પાસે એકાઉન્ટ વિભાગના સિનિયર ક્લાર્ક તરીકેનો ચાર્જ હતો. એસીબીની રેડને પગલે કચ્છ જિલ્લા પંચાયતમાં સોંપો પડી ગયો હતો. પંચાયત કર્મચારી વર્તુળોમાં પણ લાંચ કેસના સમાચારે ચકચાર સર્જી છે જોકે, કચ્છ જિલ્લા પંચાયતમાં મહત્વની જગ્યાએ ગોઠવાયેલા અમુક કર્મચારીઓ સામે લાંબા સમયથી આ રીતે આક્ષેપો થતા રહ્યા છે. ભુજ કોર્ટે તાલુકા પંચાયતના સર્કલ ઓફિસર જયસુખ ઠક્કરને ૪૫ હજાર ની લાંચના કેસમાં ૩ વર્ષની કરેલી કેદની સજાના સમાચાર હજી ચર્ચામાં જ છે, ત્યાં બીજા પંચાયતી કર્મચારી મોટી રકમની લાંચ લેતા ઝડપાઇ જતા કર્મચારીઓમાં ફફડાટ મચી ગયો છે.
એ ક્લાર્ક વિરુદ્ધ ઘણી ફરિયાદો હોઈ સિંચાઈ માંથી મેલેરિયામાં બદલી કરી હતી- ડીડીઓ
જિલ્લા પંચાયતમાં ૭૮ હજારની લાંચ પ્રકરણે ઝડપાયેલા ક્લાર્ક સંજય મોતાની વિરુદ્ધ ઘણી ફરિયાદો હતી. ડીડીઓ પ્રભવ જોશીએ ન્યૂઝ4કચ્છને જણાવ્યું હતું કે સિંચાઈ શાખામાં ફરિયાદોને કારણે આજે જ સંજય મોતાની બદલી મેલેરિયા શાખામાં કરી હતી. જિલ્લા પંચાયત હસ્તક અપાયેલા તળાવોના કામ સંદર્ભે બિલ પાસ કરવા માટે લાંચની રકમની માંગણી કરાઈ હતી.