જમ્મુ-કાશ્મીરમા ગઇકાલે ઇતિહાસના સૌથી મોટા હુમલાની સમગ્ર દેશમા નિંદા થઇ રહી છે. આ હુમલામાં 46 જવાનો શહિદ થયા છે સરકારે જવાબી કાર્યવાહી શરૂ કરવા સાથે સમગ્ર દેશની સુરક્ષા વ્યવસ્થા વધારી દીધી છે ત્યારે કચ્છમા પણ ખાસ પ્લાન સાથે તમામ મહત્વના બંદરો,ચેકપોસ્ટ એરપોર્ટ અને રેલ્વે સ્ટેશન જેવા વિસ્તારોમાં સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવાઇ છે તો બીજી તરફ લોકોમા આ ઘટનાને લઇને ભારે રોષ જોવા મળી રહ્યો છે સોશિયલ મીડીયા સાથે અલગઅલગ પ્રકારે લોકો જવાનોને અંજલી અર્પવા સાથે ઘટનાને વખોડી પોતાની રોષપુર્વક પ્રતિક્રીયા આપી રહ્યા છે તે વચ્ચે કચ્છ બોર્ડર રેન્જના વડાએ કચ્છ સહિત બોર્ડર રેન્જના તમામ મથકો પર તમામ એજન્સીઓ એલર્ટ છે અને કોઇપણ સ્થિતીને પહોંચી વડવા માટે સક્ષમ અને તૈયાર હોવાનુ નિવેદન આપ્યુ હતુ.
કચ્છની સરકારી કચેરીમા મૌન પાડી જવાનોને અંજલી
ગઇકાલે ઘટના સમયથીજ સમગ્ર દેશમાં આ હુમલાને લઇને આમ નાગરીકો ઉગ્ર પ્રતિક્રીયા સાથે ઘટનાને વખોડી પણ રહ્યા છે અને સરકારને અસરકારક પગલા ભરવાની માંગ પણ કરી રહ્યા છે ત્યારે આજે કચ્છની તમામ મહત્વની કચેરીઓમાં સરકારી કર્મચારીઓ અને અધિકારીઓએ મૌન સાથે જવાનોને અંજલી અર્પણ કરી હતી. તો બીજી તરફ વિવિધ સ્વૈચ્છિક, રાજકીય સંસ્થાઓ દ્વારા પણ મૃતક જવાનોને અંજલી આપવા માટે શ્રધ્ધાજલીના કાર્યક્રમો આયોજીત કરાશે, લોકોમાં રોષ છે કે આંતકી હુમલામાં જવાનો મૃત્યુ પામ્યા તે દુર્ભાગ્ય પુર્ણ ઘટના છે. અને જવાનોના બલિદાન સામે યોગ્ય અને જડબાતોડ કાર્યવાહી થવી જોઇએ.
કચ્છ બોર્ડર રેન્જ તમામ મોરચે પહોંચી વળવા સજ્જ
જમ્મુ કાશ્મીરમાં થયેલા આંતકી હુમલા પછી દેશની આંતરીક સુરક્ષા મામલે મોટા સવાલો ઉભા થયા છે ત્યારે આવતીકાલે આંતકી હુમલા પછી સમગ્ર દેશને હાઇએલર્ટ પર રાખવામા આવ્યો છે જેના પગલે ગુજરાતની તમામ મહત્વની બોર્ડર દરિયાઇ માર્ગ અને તમામ મહત્વના સ્થળો પર સુરક્ષા સઘન કરાઇ છે ત્યારે આજે કચ્છના બોર્ડર રેન્જ આઇ.જી ડી.બી.વાઘેલાએ મિડીયા સાથેની વાતચીતમા દરિયાઇ પેટ્રોલીંગ મહત્વના લેન્ડીંગ પોઇન્ટ,મહત્વના સ્થળો અને દરેક શંકાસ્પદ ગતિવીધી પર પોલિસની ચાંપતી નઝર હોવા સાથે મહત્વના તમામ સ્થળો પર અન્ય એજન્સીઓ સાથે સંકલન કરી સુરક્ષા વ્યવસ્થા સઘન કરાઇ હોવાનું જણાવ્યું હતું અને તમામ સ્થિતીને પહોંચી વળવા સાથે કચ્છ બોર્ડર રેન્જના તમામ જીલ્લા સાથે ગુજરાતમાં ચુસ્ત વ્યવસ્થા ગોઠવાઇ હોવાનુ જણાવી આંતકી ઘટનાને વખોડી હતી.
કચ્છના તમામ બંદરો,લેન્ડીંગ પોઇન્ટ મહત્વની ચેકપોસ્ટ અને શંકાસ્પદ વ્યક્તિઓ પોલિસના રડારમાં છે અને સયુંકત સુરક્ષા વ્યવસ્થા સાથે તમામ ગતિવીધી અને હિલચાલ પર સુરક્ષા એજન્સીઓની બાજ નઝર છે લોકોમાં સંવેદના રોષ સાથે સુરક્ષાનો છુપો ડર છે તેવામાં સુરક્ષા એજન્સીઓએ લોકોને સતર્ક રહેવા સાથે સલામતીનો સંદેશ આપ્યો છે.