નાની બાળકીઓને પોતાની હવસ સંતોષવા માટે ટાર્ગેટ કરતા ગુનેગારો સામે અંજાર કોર્ટે ધાક બેસાડતો ચુકાદો આપ્યો છે. આજે દેશભરમાં માસૂમ બાળાઓ ઉપર વધતા જતા દુષ્કર્મના બનાવોમાં કડક સજાની જોગવાઈ હોવી જોઈએ તેવો જનમત પ્રવર્તી રહ્યો છે. ત્યારે કચ્છમાં ૬ વર્ષની માસૂમ બાળા સાથે બળજબરીપૂર્વક દુષ્કર્મ ગુજારીને તેની ક્રૂર રીતે હત્યા કરનાર આરોપીને અંજાર કોર્ટે ફાંસીની સજા ફટકારી ધાક બેસાડતો ચુકાદો આપ્યો છે.
રમત રમતી માસૂમ બાળા સાથે થયું હૃદય કંપાવતું કૃત્ય
અંજાર કોર્ટના અધિક સેશન્સ જજ એસ. ડી. પાંડેએ રાપરના સઈ ગામની સીમમાં બનેલા આ બનાવમાં આરોપી દેવા ધના કોળીને ફાંસીની સજા ઉપરાંત આજીવન કેદ સહિતની આકરી સજા ફટકારી છે. તા/૧૫/૬/૨૦૧૨ ના સઈ ગામની સીમ માં અન્ય બાળકો સાથે રમતી ૬ વર્ષની માસૂમ બાળાને દેવા ધના કોળી નામનો માથાભારે શખ્સ ઉઠાવીને લઈ ગયો હતો. દેવાના આ કરતુતથી ડરી ગયેલા અન્ય બાળકોએ બાળકીના દાદાને આ ઘટનાની જાણ કરી હતી. બનાવની જાણ થયા બાદ બાળકીના પરિવારજનોએ તેની શોધખોળ આદરી હતી. તે દરમ્યાન તે માસૂમની લાશ પીંખાયેલી હાલતમાં સીમમાંથી મળી આવી હતી. પોતાની માસૂમ પૌત્રી સાથે અઘટિત કૃત્ય થયું છે, એ ખ્યાલ આવી જતા તેના દાદા એ અપહરણ, બળાત્કાર અને હત્યા સહિતના ગુના સાથેની ફરિયાદ દેવા ધના કોળી સામે નોંધાવી હતી. અંજાર કોર્ટે રાપરના પીંછાણા ગામના આરોપી અને રીઢા ગુનેગાર દેવા ધના કોળીને ભારતીય દંડ સંહિતાની કલમ ૩૦૨ અને ૩૭૬ હેઠળ આજીવન જન્મટીપ સાથે ફાંસીની સજા ફટકારતો હુકમ આપ્યો હતો. આ કેસમાં સરકારી વકીલ ડી. બી. જોગી એ ધારદાર દલીલો કરી હતી. તે ઉપરાંત ફરિયાદી તરફ થી વકીલ ડી. બી. જોબનપુત્રા એ પણ દલીલો કરી હતી.