હવે કેન્સર એટલે કેન્સલનો જમાનો નથી રહ્યો, જો દર્દી જાગૃત હોય અને વહેલું નિદાન કરી સારવાર મેળવે તો કેન્સરના કાળમુખા દૈત્યને પણ નાથી શકાય છે, એવી પ્રતીતિ અદાણી સંચાલિત જી.કે.જનરલ હોસ્પિટલના કાન,નાક અને ગળા વિભાગના વડાએ છેલ્લા દોઢ દાયકામાં એક હજારથી વધુ સફળ કેન્સરની શસ્ત્રક્રિયા કરી, સાફલ્ય ગાથા કંડારી છે.
પહેલા સરકાર સંચાલિત જી.કે. જનરલ હોસ્પિટલમાં અને પછી અદાણી જી.કે. જનરલ હોસ્પિટલમાં છેલ્લા સોળ વર્ષથી કાન,નાક અને ગળા(ઈ.એન.ટી) વિભાગમાં ફરજ બજાવતા ડો. નરેન્દ્ર હિરાણીએ તેમની નિયત કામગીરી દરમિયાન હજારથી વધુ મોઢા અને ગળાની સફળ શસ્ત્રક્રિયા કરી કેન્સર પીડિત દર્દીઓને જીવતદાન આપ્યું છે. તેમણે સરેરાશ પ્રતિ છ દિવસે કેન્સરનું એક ઓપરેશન કર્યું છે.
ડો. નરેન્દ્ર હિરાણીનાં જણાવ્યા અનુસાર, મોઢાના અને ગળાના ઓપરેશન ત્રણ હેતુથી કરવામાં આવે છે. પ્રથમ કેન્સરની નાબુદી જેમાં કેન્સરગ્રસ્ત વિસ્તારનો આજુબાજુનો એક સેન્ટીમીટરનો ભાગ કાઢી નાખવામાં આવે છે. બીજું ગળામાં ગાંઠરૂપે કેન્સર ક્યા સુધી ફેલાયેલું છે તે ચકાસી દુર કરવામાં આવે છે. છેલ્લે પ્લાસ્ટિક સર્જરી દ્વારા તે ભાગને પૂર્વવત કરવામાં આવે છે.
આ ઉપરાંત જો સ્વરપેટી અને અન્નનળીનું કેન્સર હોય તો તે દુર કરવામાં આવે છે. પરંતુ, ગાલ અને જડબાના કેન્સર માટે અતિ જટિલ શસ્ત્રક્રિયા કરવી પડતી હોય છે જેને કમાન્ડો ઓપરેશન કહે છે.
મોઢા અને ગળાના કેન્સરનું વેળાસર નિદાન કરવા માટે દર્દીને ગળામાં ગાંઠ હોય, ચામડી હોય જે દવાથી મહિના સુધી મટે નહિ ઉપરાંત સફેદ અને લાલ ડાઘ જે સારવારને પ્રતિસાદ ન આપે અને અવાજ ખરાબ થઇ જાય તેમજ ખાવામાં તકલીફ પડે સાથેસાથે ગળામાં દુ:ખાવો રહે તો એ કેન્સર હોઈ શકે છે. એમ ડો. હિરાણીએ જણાવ્યું હતું. ભારતમાં કુલ કેન્સર પૈકી ત્રીસ ટકા કેન્સર આ પ્રકારના હોય છે.
મોઢાના કેન્સર થવાના કારણોમાં મુખ્યત્વે તમાકુ ખાવી, ધુમ્રપાન કરવું, વિગેરે હોય છે. કેન્સરનાં સ્ટેજ ઓપરેશન અંગે ડો. હિરાણીએ જણાવ્યું હતું કે, શસ્ત્રક્રિયા, રેડિયોથેરાપી અને કિમોથેરાપી મુખ્ય સારવાર છે. કેન્સરના ચાર સ્ટેજ હોય છે. પ્રથમ અને બીજા સ્ટેજના કેન્સરમાં સર્જરી અને રેડિયોથેરાપી સારવાર જ્યારે ત્રીજા અને ચોથા સ્ટેજમાં સર્જરી અને રેડિયોથેરાપી બંને સારવાર આપવી પડે છે. ડો. હિરાણીએ આ તમામ પ્રકારના ઓપરેશન કર્યા છે.
મૂળ ભુજના છે ડો. નરેન્દ્ર હિરાણી
સમગ્ર કચ્છની સરકારી અથવા તો ખાનગી હોસ્પિટલોમાં એક માત્ર કેન્સરની જ ૧૦૦૦ જેટલી સર્જરીનો રેકર્ડ નિઃશંકપણે ડો. નરેન્દ્ર હિરાણી નો જ હશે. ડો. નરેન્દ્ર હિરાણી મૂળ ભુજના જ રહેવાસી છે. સ્વભાવે ઓછા બોલા એવા ડો. નરેન્દ્ર હિરાણી સતત દર્દીઓની સારવારમાં વ્યસ્ત રહે છે. સરકારી હોસ્પિટલમાં કેન્સર સિવાય પણ મોટા દર્દીઓની સાથે અનેક બાળ દર્દીઓની આંખ, કાન અને નાકની અનેક જટિલ સર્જરીઓ તેમણે કરી છે.