જયેશ શાહ . ભુજ નિવૃત્ત પોલીસ અધિકારી વી.આર.ટોળીયાનું અમેરિકા ખાતે હાર્ટ એટેકથી નિધન થયું હતુ તેમના અચાનક થયેલા અવસાનથી પોલીસ બેડા ઉપરાંત પત્રકાર જગત, ખાસ કરીને ક્રાઇમ રિપોર્ટર આંચકો ખાઈ ગયા હતા સબ ઇન્સપેક્ટર બનીને ગુજરાત પોલીસમાં દાખલ થયેલા ટોળીયા સાહેબથી જાણીતા આ ઓફિસર એસપી તરીકે નિવૃત્ત થયા હતા ગુજરાતમાં ઘણી જગ્યાઓ ઉપરાંત કચ્છમાં પણ તેમણે પીએસઆઇથી માંડીને ઇન્સપેક્ટર તથા ડેપ્યુટી એસપી તરીકે ફરજ બજાવી હતી પોલીસ અધિકારી તરીકેની કારકિર્દી દરમિયાન મોટાભાગે ઉચ્ચ અધિકારીઓના માનીતા રહેલા વી.આર.ટોળીયાનાં અનેક કિસ્સાઓ જાણીતા છે જેમાં સૌથી વધારે જાણીતો કિસ્સો હોય તો તે કચ્છમાં લોકપ્રિય રહેલા IPS કુલદીપ શર્મા સામેની તપાસનો છે જેમાં સરકાર દ્વારા રચવામાં આવેલા ખાસ તપાસ દળ (સ્પેશીયલ ઇન્વેસ્ટિગેશન ટીમ-એસઆઇટી)નાં એક સભ્ય તરીકે વી.આર.ટોળીયાને લેવામાં આવ્યા હતા ત્યારે બહુ ઓછાને એ વાતની ખબર હતી કે ગુજરાતની ભાજપ સરકારે શા માટે ટોળીયાને એસઆઇટીમાં સામેલ કર્યા છે.
આઇપીએસ કુલદીપ શર્મા સામે ભાજપ,ખાસ કરીને તત્કાલીન ગૃહમંત્રી અમિત શાહનો છત્રીસનો આંકડો હોવાને કારણે આઇપીએસ શર્મા સામે કચ્છનાં જે તે સમયે થયેલા એનકાઉન્ટરની તપાસ શરૂ કરવામાં આવી હતી જેમા ડીવાયએસપી ટોળીયાને સામેલ કરવામાં આવ્યા હતા જાણકાર સૂત્રોનું માનીએ તો ડેપ્યુટી એસપી ટોળીયાને એસઆઇટીમાં સામેલ કરવા પાછળ ભાજપ સરકારની ચોક્કસ ગણતરી હતી કારણ કે ભૂતકાળમાં કુલદીપ શર્માએ ટોળીયા સામે ખાતાકીય તપાસનો હુકમ કર્યો હતો એટલે સરકારને એસઆઇટીમાં એવા પોલીસ અધિકારીની જરૂર હતી જે સરકારને વફાદાર હોવાની સાથે સાથે કુલદીપ શર્મા સામે અંગત વાંધો હોય અને એ પ્રમાણે જોવા જઇએ તો વી.આર. ટોળીયા સરકારની પરફેક્ટ ચોઇસ હતા.
પોલીસ અધિકારી સામાન્ય રીતે કડક અને રૂઢ હોય તેવી છાપ હોય છે પરંતું વી.આર. ટોળીયા નોખી માટીના બનેલા હતાં તેઓ સંબંધો જાળવી રાખવામાં માહેર હતા કયા પત્રકારને કેવા પ્રકારનાં ન્યૂઝ આપવા તેમા તેમની માસ્ટરી હતી ત્યાં સુધી કે તેઓને ન્યૂઝ વેલ્યુની પણ ખબર રહેતી કે આ સમાચાર છેલ્લા કે ફ્રન્ટ પેજ ઉપર આટલા કોલમમાં આવશે.
ઉચ્ચ પોલીસ અધિકારીઓના માનીતા હોવા ઉપરાંત ટૉળીયાને કોને કેવી રીતે હેન્ડલ કરવા તેની ગજબની કોઠાસૂઝ હતી જેને કારણે કેટલાક પત્રકાર તેમને મજાકમાં એમ પણ કહેતા હતા કે, ‘ સાહેબ, તમે પોલીટીકલ સાયન્સમાં ડીગ્રી મેળવેલી છે કે શુ’. જેમના સાથે કામ કરવાનું થતુ તેવા મોટા ભાગનાં આઇપીએસ અધિકારીઓ સાથે તેમનુ સારૂં ટ્યુનીન્ગ હોવાને કારણે તેઓ જાતે પોતાને આઇપીએસ અધિકારીનું એસી માનતા હતા આ ઉપરાંત તેમને હાલનાં દીવ દમણનાં મુખ્ય વહીવટકાર અને તત્કાલીન ગૃહપ્રધાન પ્રફુલ પટેલ સાથે પણ ખાસ્સો એવો ઘરોબો હતો કચ્છમાં ઓઇલ ચોરીના નેટવર્કને તોડવામાં પણ પોલીસ અધિકારી ટોળીયાનો રોલ મહત્વપૂર્ણ માનવામાં આવે છે નિવૃત્ત પોલીસ અધિકારી ડૉક્ટર વી.આર.ટોળીયાનાં અચાનક નિધનથી તેમના પરિવાર અને સમાજે એક અનોખી વ્યક્તિ ગુમાવી છે તેની સાથે સાથે ક્રાઇમ રીપોર્ટીન્ગ કરતા પત્રકારોએ એક જીવતો જાગતો એન્સાયકલોપીડીયા ગુમાવ્યો છે.