મોટાભાગે સરકારી હોસ્પિટલની આરોગ્ય સુવિધાઓ સામે ફરિયાદો થતી રહેતી હોય છે. કચ્છ પણ એમાં બાકાત નથી. પણ, સમસ્યાઓની વચ્ચે આજે વાત કરવી છે રણ માં મીઠી વીરડી જેવા કિસ્સાની !! જિંદગી અને મોત વચ્ચેના એક નવજાત માસુમના સંઘર્ષમાં મોતને મ્હાત આપીને તબીબો ખરા અર્થમાં દેવદૂત બન્યાં !!
જાણો, સતત ૯૦ દિવસ સુધી સતત ૨૪ કલાક ૬ તબીબો અને નર્સીગ સ્ટાફે કરેલી જહેમત
ભુજની અદાણી જીકે જનરલ હોસ્પિટલમાં મીરાબેન હેમલિય નામની મહિલા દાખલ થઈ હતી. કચ્છના સરહદી અબડાસાના છેવાડાના રામપર ગામથી આવેલી આ પ્રસૂતા મહિલા મીરાબેનને ૬ ઠા મહિના દરમ્યાન ઓળ (plcental abruption) છૂટી પડી જતાં માતા સામે જોખમ સર્જાતાં ન છૂટકે પ્રસુતિ કરાવવવાની તબીબોને ફરજ પડી હતી. આ મહિલાને જન્મેલી નવજાત બાળકીનું વજન માત્ર ૬૦૦ ગ્રામ જ હતું. તબીબી દ્રષ્ટિએ આવા બાળકોનો બચવાનો ચાન્સ માત્ર ૨ ટકા જ હોય છે. પણ, દુનિયામાં અવતર્યા બાદ માત્ર આંખ ખોલે ત્યાં પ્રત્યેક શ્વાસે મોતનો પડઘમ સાંભળતી આ માસુમ બાળાને બચાવવા માટે ભુજની સરકારી હોસ્પિટલના તબીબોએ સંઘર્ષ શરૂ કર્યો. આ બાળકીના ફેફસા નબળા હોઈ તેને પકાવવા માટે સતત વેન્ટિલેટર ઉપર મૂકીને ફેફસા માટેના જરૂરી ઇન્જેક્શન (surfectant) આપવાનું શરૂ કર્યું. જોકે, નબળા ફેફસાના કારણે આ નવજાત બાળકી ઉપર સતત ગંભીર, જીવલેણ બીમારીનો ભય ઝળુંબતો હતો. જોકે, તબીબોની જહેમત ધીરે ધીરે ફળી અને બાળકીને સાદા વેન્ટિલેટર ઉપર મૂકી, પોષણક્ષમ આહાર આપવાનું શરૂ કરાયું. બાળકી પહેલા નળી વડે દૂધ લેતી થઈ, પછી ચમચી વડે મોં વાટે દૂધ લેતી થઈ અને પછી માતાનું ધાવણ લેતી થઈ ગઈ. બધાની જહેમત લેખે લાગી બાળકીનું વજન ૨૦૦ ગ્રામ વધી ગયું. જોકે, સતત ૯૦ દિવસ સુધી ચાલેલી મહેનતને અંતે બાળકી બરાબર શ્વાસ લેતી થઈ ગઈ અને બધું જ નોર્મલ થતાં મા તેમજ દીકરીને રજા આપી દેવાઈ તેઓ હેમખેમ પોતાને ઘેર પહોંચી ગયા. તબીબી જગત માટે પડકાર રૂપ એવા આ જટિલ કેસ માટે અદાણી જીકે જનરલ હોસ્પિટલના બાળરોગ વિભાગના વડા ડો. હસમુખ ચૌહાણ, ડો. રેખા થડાની, ડો. હરદાસ ચાવડા, ડો. શમીમ મોરબીવાલા, રેસીડેન્ટ ડો. સન્ન શેખ, ડો. સોમીલ પટેલ સહિત નર્સીગ સ્ટાફે જહેમત ઉઠાવી હતી.