Home Crime ભુજના ભાનુશાલીનગર પાસે વેપારીને લૂંટવાનો પ્રયાસ – બાઈકસવાર ત્રણ લૂંટારુંમાંથી એક ઝડપાયો

ભુજના ભાનુશાલીનગર પાસે વેપારીને લૂંટવાનો પ્રયાસ – બાઈકસવાર ત્રણ લૂંટારુંમાંથી એક ઝડપાયો

2124
SHARE
ભુજના ભાનુશાલીનગર પાસે કારીયા બ્રધર્સના વેપારી પિતા પુત્ર પાસેથી થયેલી સાડા આઠ લાખની લૂંટનો બનાવ હજી તાજો જ છે ત્યાંજ ફરી એક લૂંટના પ્રયાસે ચકચાર સર્જી છે. ભુજની જથ્થાબંધ બજારમાં રઘુવંશી પ્રોવિઝન સ્ટોર નામની દુકાન ધરાવતા વેપારી અમિત કતીરા સાંજના અરસામાં જિલ્લા ઉદ્યોગકેન્દ્રના રિંગ રોડ પાસેથી રઘુવંશીનગરમાંથી ભાનુશાલીનગર જઈ રહ્યા હતા ત્યારે બે બાઇક ઉપર સવાર ત્રણ લૂંટારુઓએ તેમના હાથમાંથી બેગ ઝુંટવી હતી. પણ વેપારી અમિત કતીરાએ બેગ પકડી રાખતાં બુમાબુમ અને ઝપાઝપી થઈ હતી જેના કારણે લૂંટારુઓ નાસવા જતાં બાઇક સ્લીપ થતાં એક લૂટારું પડી જતાં તેને ત્યાં ઉભેલી મહિલાઓએ આબાદ રીતે ઝડપી લીધો હતો આ લૂંટારુંને ભુજ બી ડિવિઝન પોલીસમાં લઈ જવાયો હતો જ્યાં તેની પૂછપરછ ચાલુ છે. જોકે, વ્યાપારીની બેગમાં ૫ હજાર જેટલી સામાન્ય રોકડ રકમ હતી પણ લૂંટના વધતા જતાં આવા બનાવો વેપારી આલમમાં ચિંતા અને ડરનું કારણ બન્યા છે જથ્થાબંધ બજારના વેપારી સાથે થયેલી લૂંટના પ્રયાસને પગલે ભુજ જથ્થાબંધ બજારના પ્રમુખ મેહુલ ઠકકર સહિત અન્ય વેપારી આગેવાનો પણ અમિત કતીરાની મદદે પહોંચી આવ્યા હતા.
ભુજમાં છેલ્લા ઘણા સમયથી સમડી ગેંગ સક્રિય છે તેમનું ટાર્ગેટ મોટે ભાગે બાયપાસ રોડ હોય છે આથી અગાઉ ભુજ એ અને બી ડિવિઝન બન્ને પોલીસ સ્ટેશનમાં ચેન સ્નેચિંગ કરનાર સમડી ગેંગના આરોપીઓ ઝડપાઇ ચુક્યા છે. જોકે, હજીયે ભાનુશાલીનગરની આઠ લાખની ચકચારી લૂંટનો ભેદ ઉકેલાયો નથી.