ન્યૂઝ4કચ્છ નેટવર્ક કચ્છમાં બપોરે ગરમીનો પારો ચાલીસ ડિગ્રીને પણ ક્રોસ કરી જાય છે. ત્યારે આવી ગરમીમાં બપોરે કોઈ મહિલા લોકડાઉનની સ્થિતિ વચ્ચે દોડતી હોય તો કેવું લાગે ? કાંઈક આવી જ ઘટના શનિવારે કચ્છનાં પાટનગર ભુજમાં બની હતી જેમાં એક મહિલા સુમસાન રસ્તા ઉપર દોડતી જતી હતી ત્યારે પોલીસે તેને રોકવા મહિલા પોલીસને બોલાવી હતી અને એ મહિલાને પકડી લેવામાં આવી ત્યારે ખબર પડી કે તે, આત્મહત્યા કરવા જઈ રહી હતી.
ભુજમાં કોર્ટ પરિસરવાળા રોડ ઉપર શનિવારે બપોરે ભુજ ડિવિઝનના ડેપ્યુટી એસ.પી જયેશ પંચાલ તેમની ઓફિસ જઈ રહ્યા હતા ત્યારે તેમણે એક મહિલાને ભુજનાં હમીરસર તળાવ તરફ જતા રસ્તા બાજુ દોડતી જોઈ હત . લોકડાઉનનાં સમયમાં અને બપોરે આવી ગરમીમાં જયારે લોકો ઘરમાં જ રહેવાનું પસંદ કરતા હોય છે ત્યારે આ મહિલા દોડતી કયાં જાય છે, તે જાણવા ડીવાયએસપી જે.એન.પંચાલે તેને રોકવાનો પ્રયત્ન કરતા મહિલા ઉભી રહેવાને બદલે વધુ સ્પીડથી દોડવા માંડી હતી. જેને પગલે અનુભવી પોલીસ અધિકારી પંચાલ સમજી ગયા કે, નક્કી કોઈ મોટી સમસ્યા છે જેને લઈને મહિલા ભાગી રહી છે.મહિલાને રોકવાનાં આશયથી ડીવાયએસપી પંચાલે પોતાની સરકારી કારને કોર્ટ આગળ આડી ઉભી રાખી દઈને તરત જ નજીક આવેલી તેમની કચેરીમાંથી મહિલા સ્ટાફને બોલાવી લીધો હતો. મહિલા પોલીસ પણ તરત ગણતરીની મિનિટોમાં ઘટના સ્થળે દોડી આવી હતી અને મહિલાને ઝડપી લીધી હતી. હતાશ થયેલી મહિલાએ જયારે રડતા રડતા તેની આપવીતી કહી ત્યારે પોલીસ સ્ટાફ પણ ચોંકી ઉઠ્યો હતો. કારણ કે, તે મહિલા આત્મહત્યા કરવા જઈ રહી હતી. પોતાના પતિ સાથે સામાન્ય વાતચીતમાં ઝગડો થઈ જતા મહિલાએ ભુજનાં હમીરસર તળાવમાં કૂદીને આત્મહત્યા કરવાનો નિર્ણય કરીને ઘરથી ભાગી આવી હતી. જેને કારણે તે દોડતી રોડ ઉપર જઈ રહી હતી. અને પોલીસની નજરમાં આવી ગઇ હતી. પોલીસે પણ ક્ષણનો પણ વિલંબ કર્યા વિના તરત જ એક્શનમાં આવી જતા એક માનવ ઝીંદગીનો આબાદ બચાવ થયો હતો.