Home Current કચ્છનાં રણમાંથી ઘૂસણખોરી કરી રહેલા 15 વ્યક્તિ ઝડપાયા, એસપીનાં સરપ્રાઈઝ ચેકીંગ ટાણે...

કચ્છનાં રણમાંથી ઘૂસણખોરી કરી રહેલા 15 વ્યક્તિ ઝડપાયા, એસપીનાં સરપ્રાઈઝ ચેકીંગ ટાણે જ બે કાર પકડાઈ

3004
SHARE
ન્યૂઝ4કચ્છ.ગાંધીધામ સામાન્ય રીતે કચ્છમાં રણ વિસ્તારમાંથી પાકિસ્તાની ઘૂસણખોર ઝડપાતા હોય છે પરંતુ આ વખતે સૌ પ્રથમ વખત ગુજરાતનાં જ મહેસાણા જિલ્લામાં રહેતા 15 વ્યક્તિ કચ્છમાં ઘૂસતા પકડાયા છે કોરોના મહામારીને પગલે કચ્છની તમામ બોર્ડર સીલ કરી દેવામાં આવી છે ત્યારે મહેસાણાથી આવેલી બે કારમાં સવાર પંદર વ્યક્તિએ કચ્છનાં રણમાંથી પ્રવેશ કરવાનો પ્રયત્ન કર્યો હતો બરાબર આ વખતે જ પૂર્વ કચ્છનાં એસપી પણ આડેસર પોલીસ વિસ્તારનાં સરપ્રાઈઝ ચેકીંગમાં નીકળ્યા હતા અને તે દરમિયાન અફાટ રણમાં બે કારને આવતી જોઈ તેને અટકાવવામાં આવતા સમગ્ર ઘટના બહાર આવી હતી.
પોલીસ તરફથી આપવામાં આવેલી સત્તાવાર વિગતો મુજબ, આજે શુક્રવારે પૂર્વ કચ્છનાં એસપી પરીક્ષિતા રાઠોડ કચ્છમાં પ્રવેશ થઈ શકે તેવા માર્ગોનું ચેકીંગ કરવા નીકળ્યા હતા જેના ભાગરૂપે તેઓ આડેસર પોલીસ સ્ટેશનનાં વિસ્તારમાં ચેકીંગ કરી રહ્યા હતા ત્યારે કચ્છનાં રણમાં આવેલા મેડક બેટ પાસે બહારથી આવતી બે કાર જોવા મળી હતી રણમાં નીકળેલી આ કારને અટકાવી તપાસ કરતા તેમાં પંદર વ્યક્તિ કોઈપણ પૂર્વ મંજૂરી વિના ગેરકાયદેસર કચ્છ જિલ્લામાં પ્રવેશ કરી રહ્યા હતા આથી તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની પોલીસ અધિક્ષકે આડેસર પોલીસને સૂચના આપી હતી.

ઘરના લોકોની ઘૂસણખોરી જ બની ચિંતાનો વિષય

સામાન્ય રીતે કચ્છમાં ઘૂસણખોરીની વાત આવે ત્યારે પાકિસ્તાન અથવા બાંગ્લાદેશ જેવા પાડોશી દેશની ચર્ચા થતી હોય છે પરંતુ કોરોનાને પગલે કચ્છ જયારે ઓરેન્જ ઝોનમાં છે તેવામાં અન્ય જિલ્લા કે રાજ્યોમાંથી કોઈ કોરોના પ્રભાવિત વ્યક્તિ કચ્છમાં ન આવે તેના માટે તકેદારી રાખવામાં આવી રહી છે આમ પાડોશી દેશ કરતા ઘરનાં લોકોને જ કચ્છમાં આવતા કેમ રોકવા તે પોલીસ અને તંત્ર માટે ચિંતાનો વિષય બની ગયો છે.