Home Current મુંબઈથી ભુજ આવેલી તબીબ યુવતી કોરોના પોઝિટિવ : રિપોર્ટ છુપાવ્યો હોવાના આક્ષેપ...

મુંબઈથી ભુજ આવેલી તબીબ યુવતી કોરોના પોઝિટિવ : રિપોર્ટ છુપાવ્યો હોવાના આક્ષેપ સાથે ફરિયાદ .

863
SHARE
કચ્છનાં ભુજમાં એક યુવતીનો કોરોના પોઝીટીવ રિપોર્ટ આવ્યો છે. ભુજનાં આ પ્રથમ કેસમાં મુંબઈમાં રહીને મેડીકલનો અભ્યાસ કરતી એક યુવતી છે જે ચાર દિવસ પહેલા જ ભુજ પોતાને ઘરે આવી હતી DDO પ્રભવ જોશીનાં જણાવ્યા પ્રમાણે ભુજનાં વિજયનગર કોલોની વિસ્તારમાં રહેતી એ યુવતી પાંચમી તારીખે ભુજ આવી હતી મુંબઈમાં મેડિકલ ઇન્ટરશીપ કરતી આ યુવતી જયારે કચ્છ આવવા નીકળી હતી ત્યારે જ તેનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. અન્ય એક પુરુષ ડોક્ટર તથા કારચાલક સાથે તેઓ ભુજ આવ્યા હતા નિયમ પ્રમાણે તેમને ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા હતા. તેવામાં આજે મુંબઈની હોસ્પિટલ દ્વારા કચ્છનાં તંત્રનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને યુવતીનો રિપોર્ટ પોઝીટીવ છે તેની જાણ કરવામાં આવી હોવાનું ડીડીઓ જોશીએ ઉમેર્યું હતું.
ભુજનાં ગીચ અને પોશ એરિયામાંથી પોઝીટીવ કેસ આવતા કચ્છનું તંત્ર હરકતમાં આવી ગયું હતું કલેક્ટર પ્રવીણા ડી.કે.નાં જણાવ્યા મુજબ, લેટેસ્ટ ગાઈડ લાઈન પ્રમાણે યુવતીના સંપર્કમાં આવેલા લોકોને ભુજનાં યક્ષ મંદિર ખાતેનાં સંસ્થાકીય ક્વોરેન્ટાઇન સેન્ટરમાં મુકવામાં આવેલા છે.કન્ટેનમેન્ટ એરિયા અંગે જણાવતા ભુજનાં પ્રાંત અધિકારી આસિસ્ટન્ટ કલેક્ટર મનીષ ગુરવાનીએ કહ્યું કે, સંપર્કમાં આવેલા વીસેક જેટલા લોકોની ચકાસણી કરવામાં આવી રહી છે. સંભવત જે શેરીમાં યુવતીનું ઘર આવેલું છે એટલા એરિયાને કન્ટેનમેન્ટ ઝોન તરીકે લેવાયો છે ફાઇનલ હુકમ આવતીકાલે કલેક્ટર દ્વારા જાહેરનામા દ્વારા જાહેર કરવામાં આવશે.

યુવતીના પોઝીટીવ કેસમાં ગંભીર બેદરકારી, રિપોર્ટ છુપાવ્યા ઉપરાંત મુંબઈથી આવવાની મંજૂરી પણ નથી

ભુજમાં મુંબઈથી આવેલી તબીબ યુવતીનો કોરોના પોઝીટીવ રિપોર્ટ આવ્યો છે. જેમાં યુવતીના પરિવાર દ્વારા રિપોર્ટ છુપાવવામાં આવ્યો હતો એટલું જ નહીં પરંતુ તેની પાસે મહારાષ્ટ્ર સરકારની પરમિશન પણ નથી. યુવતીના પરિવારજનોએ તેને મુંબઈથી ભુજ લાવવા માટે કચ્છમાંથી પરમિશન લીધી હતી આ ઘટનાને લઈને તંત્ર દ્વારા પોલીસ ફરિયાદ ની તજવીજ હાથ ધરી છે.એક રાજ્યમાંથી જે અન્ય જિલ્લામાં આવવા જવા માટે સરકાર દ્વારા પરમિશન આપવામાં આવે છે. જેમાં જે તે વ્યક્તિને તે જયાં હોય ત્યાંથી મંજૂરી મેળવવાની હોય છે. એટલે ભુજનાં આ કિસ્સામાં મેડિકલ સ્ટુડન્ટ એવી યુવતીની મુંબઈથી પરમિશન લેવી જોઈતી હતી. પરંતુ આ કેસમાં યુવતીના પિતા દ્વારા ભુજ મામલતદાર પાસેથી એવી મંજૂરી લેવામાં આવી હતી કે, તેમને તેમની દીકરીને મુંબઈથી ભુજ લાવવી છે. દરમિયાન આ લોકોએ કોરોના પોઝિટિવનો રિપોર્ટ પાંચમી તારીખે જ આવી ગયો હોવા છતાં આ વાત કચ્છનાં તંત્રથી છુપાવી હતી. ઉલ્લેખનીય છે કે, ભુજનાં આ પ્રથમ કેસમાં મુંબઈમાં રહીને મેડીકલનો અભ્યાસ કરતી યુવતી ચાર દિવસ પહેલા જ ભુજ પોતાને ઘરે આવી હતી.

મુન્દ્રાથી જામનગર ગયેલી શિક્ષિકા પણ પોઝીટીવ નીકળી

ભુજની તબીબ યુવતીનાં પોઝીટીવ રિપોર્ટના ખળભળાટ સર્જતાં સમાચાર વચ્ચે જામનગરથી માઠા સમાચાર આવ્યા કે, મુન્દ્રાથી જામનગર ગયેલી એક શિક્ષિકાનો રિપોર્ટ પણ પોઝીટીવ આવ્યો છે જેને કારણે તંત્ર દોડતું થઈ ગયું હતું. મુંબઈથી અંદાજે પાંચેક હજાર લોકો પ્રાઇવેટ વાહનો દ્વારા કચ્છમાં પ્રવેશી ચુક્યા છે ત્યારે જિલ્લાનાં લોકોમાં ભયનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. નિયમ પ્રમાણે મંજૂરી મેળવીને કચ્છી મુંબઈગરા માદરે વતન આવ્યા છે એટલે તંત્ર પણ સ્ક્રીનિંગ કરીને તેમને કચ્છમાં પ્રવેશ આપી રહ્યું છે. કચ્છ માંડ ઓરેન્જ ઝોનમાં આવ્યું છે ત્યારે મુન્દ્રા બાદ ભુજમાં પોઝીટીવ કેસની વિગતથી કચ્છી માડુઓના જીવ પડીકે બંધાઈ ગયા છે.