ન્યૂઝ4કચ્છ.ગાંધીધામ ભુજની કોરોના પોઝીટીવ યુવતીનું વધુ એક સેટિંગ બહાર આવ્યું છે આ વખતે તે સેમ્પલમાં સેટિંગ કરવા જતા પકડાઈ ગઈ છે જેને લીધે ભુજનાં લોકોના જીવ સામે જોખમ ઉભું થઈ શકે છે કચ્છનાં આરોગ્ય વિભાગનાં વિશેષ ‘પ્રેમ’ને કારણે યુવતીનું સેમ્પલ લેવાનું સેટિંગ બહાર આવ્યું છે સામાન્ય રીતે જયાં કચ્છમાં કોઈપણ વ્યક્તિનું સેમ્પલ લેવામાં આઠથી દસ દિવસ પછી કામગીરી થાય છે ત્યાં ખૂબ ઝડપથી આ યુવતીનો રિપોર્ટ નેગેટિવ આવી જતા કચ્છનાં ઉચ્ચ અધિકારીઓ ચોંકી ઉઠ્યા હતા સમગ્ર મામલામાં શરૂઆતથી જ તંત્ર, ખાસ કરીને જિલ્લાનાં આરોગ્ય વિભાગનાં અમુક ભ્રષ્ટ અધિકારીઓની સંડોવણી બહાર આવતા કચ્છનાં લોકો ભયભીત થઈ ગયા છે.
યુવતી અને તેની સાથે આવેલા યુવકનો રિપોર્ટ નેગેટિવ આવતા આજે સવારથી જ આરોગ્ય વિભાગનાં કર્મચારીઓના વોટ્સએપ ગ્રુપમાં આ અંગે તીખી ચેટિંગ જોવા મળી હતી જેમાં આરોગ્ય વિભાગનાં યુવતીના પરિવાર સાથે તેમનાં વિભાગના જ એક ઓફિસરનાં ‘પ્રેમ’ થકી કેવી રીતે સેમ્પલ લેવામાં ગોઠવણ કરવામાં આવી તે વાત ચર્ચાઈ રહી હતી. તેવામાં રિપોર્ટ લેવામાં ઝડપી કાર્યવાહી તથા નેગેટિવ રિપોર્ટના અહેવાલથી કલેક્ટર કચેરી દ્વારા તપાસ કરવામાં આવી તો ખબર પડી કે, જિલ્લા આરોગ્ય અધિકારી પ્રેમકુમાર કન્નર અને સિવિલ સર્જન કશ્યપ બુચની જાણ બહાર સેમ્પલ લેવામાં આવ્યું હતું હકીકતમાં આ વાત એટલા માટે ગળે ઉતરે તેવી નથી કે, યુવતીનો કેસ વિવાદમાં છે ત્યારે નીચેનો કોઈ સ્ટાફ આવું જોખમ લે તે વાત માનવામાં આવે તેવી નથી.
છેવટે ઠીકરું યુવતીનાં માથે જ ફોડવાની ગોઠવણ કરીને એવું કહેવામાં આવ્યું કે, યુવતીએ જ ખોટી માહિતી આપી હતી કે તેનો પ્રથમ સેમ્પલ પહેલી તારીખે લેવામાં આવ્યો હતો. ખરેખર તેનું સેમ્પલ ત્રીજી તારીખે લેવાયું હતું. અને આ બધી હકીકત તેના મુંબઈથી આવેલા રિપોર્ટમાં પણ દર્શાવેલી છે ત્યારે મેડિકલ ક્ષેત્રે કામ કરતો અધિકારી કે કર્મચારી આવી ભૂલ કરે તે વાત ગળે ઉતરે તેવી નથી. શામ, દામ અને દંડ ભેદની નીતિ અખત્યાર કરીને જે રીતે યુવતીના કેસમાં ગોઠવણ કરવામાં આવી રહી છે તેને જોતા ભુજનાં લોકોના જીવ જોખમમાં મુકાઈ ગયા છે.
મુંબઈથી આવતા આર્થિક રીતે સમૃદ્ધ લોકોને કચ્છમાં આવવા તથા રહેવા માટે એક તરફ જયાં પોલીસનાં કેટલાક ભ્રષ્ટ લોકો રૂપિયા સેરવી રહયા છે ત્યાં ક્વોરેન્ટાઇન કરવાને બહાને આરોગ્ય વિભાગનાં કેટલાક સત્તા પ્રાપ્ત અધિકારીઓ પણ રકમ માંગી રહ્યા હોવાની વાત ચર્ચાઈ રહી છે. ભુજની યુવતીના કેસમાં પણ હેલ્થ ડિપાર્ટમેન્ટ ઉપરાંત પોલીસ અને પ્રેસમાં પણ સેટિંગ થયું હોવાનું સોશ્યિલ મીડિયામાં ચર્ચાઈ રહ્યું છે જેને કારણે યુવતીને કોરોના વોરિયર્સ ડિકલેર કરનાર કચ્છનાં એક મીડિયાને જ ખબર પડી હતી કે તેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.