કોરોના મહામારી વચ્ચે પણ દુશ્મન દેશ પાકિસ્તાન અને વિવિધ આંતકી સંગઠનો ભારતમાં કાંકરીચાળો કરવાના મલિન ઇરાદા ધરાવે છે તેવા સતત મળી રહેલા ઇનપુટ વચ્ચે કચ્છમાં ઇન્ટેલિજન્સ એજન્સીઓ વચ્ચે સંકલનના અભાવનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. પચ્છિમ કચ્છ પોલિસે જખૌ નજીકના દરિયામાંથી બાતમીના આધારે ચરસનો બિનવારસુ જથ્થો ઝડપ્યા બાદ વિવિધ એજન્સીમાં જાણે કામગીરીની હોડ લાગી હોય તેમ વિવિધ એજન્સીઓ ચરસનો બિનવારસુ જથ્થો શોધવામાં લાગી ગઇ છે જેમાં પહેલા બી.એસ.એફ અને હવે નેવીને બિનવારસુ ચરસનો જથ્થો ઝડપવામાં સફળતા મળી છે. જો કે અહી પ્રશ્ર્ન એ છે કે રાષ્ટ્રીય સુરક્ષા માટે કામ કરતી વિવિધ એજન્સી બિનવારસુ ચરસનો જથ્થો શોધવામાં સાથે રહીને કામ ન કરી શકે?
મોડે સુધી પોલિસ વિભાગ સહિત એજન્સીઓ અંધારામાં રહી
કોરોના વચ્ચે કચ્છના દરિયામાં થયેલી આ નાપાક હલચલ લાગે છે તેટલી સામાન્ય નથી કેમકે એક દસકા પહેલા કચ્છના દરિયામાંથી આ રીતેજ બિનવારસુ જથ્થો મળતો રહેતો હતો અને ફરી એવુજ થઇ રહ્યુ છે પહેલા પશ્ર્ચિમ કચ્છ પોલિસે 19 પેકેટ ત્યાર બાદ 1 પેકેટ બી.એસ.એફએ અને હવે નેવીએ ઓપરેશન હાથ ધરી કોટેશ્ર્વર ક્રિક નજીકથી બિનવારસુ જથ્થો ઝડપી પાડ્યો હતો જો કે 12 વાગ્યા બાદ થયેલી કાર્યવાહી સોશીયલ મિડીયામાં ફોટો સાથે વાયરલ થઇ ગયાના કલાકો બાદ પણ પોલિસ વિભાગ તથા અન્ય ગુપ્તચર એજન્સીઓ નેવીની કામગીરીની માહિતીથી અજાણ હતી તો ત્યાર બાદ નેવી અને બી.એસ.એફના અધિકારીઓ વચ્ચે પણ ઓપરેશનને લઇ લાંબી ચર્ચાઓ ચાલી હતી અને પોલિસ તેમની પાસે સત્તાવાર વિગતો આવે તેની રાહ જોઇ રહી હતી
સંવેદનશીલ કચ્છમાં ગુપ્તચર એજન્સીઓ તાલેમેલ રાખે તે જરૂરી છે ભૂતકાળમાં પણ હદ્દ અને અનેક બાબતે એજન્સીઓ કામગીરીને લઇને ચર્ચામાં રહ્યા છે પરંતુ હાલ જ્યારે દરિયાઇ જેવા વિસ્તારમાં એજન્સીઓના હાથ નીચેથી પોલિસે બિનવારસુ ચરસનો જથ્થો ઝડપ્યો છે ત્યારે જાણે અન્ય એજન્સીઓ વચ્ચે આવી કામગીરીની હોડ લાગી છે ભુતકાળમાં ડ્રગ્સ મામલે તમામ એજન્સીઓએ સાથે કામ કર્યુ છે તો પછી બિનવારસુ ચરસના જથ્થા મામલે સંયુક્ત કામગીરી કેમ નહી તેવા પ્રશ્ર્નો સુરક્ષાના જાણકારોએ ઉઠાવવા સાથે ગુપ્તચર એજન્સીઓએ માહિતીના આદાનપ્રદાન માટે તાલેમલ રાખવાની જરૂર હોવાની ટકોર કરી છે.
રાષ્ટ્રીય સુરક્ષા માટે કચ્છ ખુબજ અગત્યનુ સંવેદનશીલ સ્થળ છે અને છાસવારે ઘુસણખોરી સાથે હવે માદક પ્રદાર્થો ઘુસાડવા પણ તેનો ઉપયોગ થઇ રહ્યો હોય એવી આશંકા છે તેવામાં સુરક્ષા એજન્સીઓ વચ્ચે તાલમેલના અભાવની ઘટના ખુબજ ગંભીર ગણી શકાય કેમકે જ્યાં કામગીરી કરનાર એજન્સી સિવાયની સુરક્ષા એજન્સીઓ અજાણ હોય અને આમ નાગરીકો સુધી તે વાત પહોચે તે ભવિષ્યમાં ચિંતા સર્જી શકે તેમ છે જો કે ઉચ્ચકક્ષાએ પણ આ મામલાની ગંભીર નોંધ લેવાઇ હોવાનુ સુત્રો જણાવી રહ્યા છે.