પચ્છિમ કચ્છ પોલિસ વિભાગમાં ઉપરા-ઉપરી એવા બનાવો બની રહ્યા છે. જેને લઇને ન માત્ર કચ્છ પરંતુ ગુજરાતભરમાં પચ્છિમ કચ્છ પોલિસની છબી ખરડાઇ રહી છે. તાજેતરમાંજ મુન્દ્રા પોલિસ મથકે પોલિસ દમનથી બે યુવાનોના મૃત્યોનો બનાવ બન્યો હતો જેમાં નિષ્પક્ષ તપાસ હજુ પોલિસે પુર્ણ કરી નથી તો માંડવી મરીન પોલિસ તથા માનકુવામાં પોલિસના અભીગમ સામે પણ અનેક સવાલો ઉભા થયા હતા. જેમાં બદલી સહિતની કાર્યવાહી પણ પોલિસે કરી જો કે આ તમામ વિવાદો વચ્ચે છેલ્લા 3 દિવસમાંજ પોલિસ સામે અનેક સવાલો ઉભા કરતા બે બનાવો પ્રકાશમા આવ્યા છે. જેનાથી પોલિસની સતર્કતા સામે અનેક સવાલો ઉભા થયા છે. અલબત આ મામલે પોલિસના ઉચ્ચ અધિકારીઓ ગંભીરતાથી પગલા લઇ રહ્યા છે. અને ન્યાયીક તપાસ સાથે બેજવાબદાર પોલિસ કર્મચારી સામે કાર્યવાહી પણ કરી રહ્યા છે. પરંતુ કચ્છ જેવા બોર્ડર વિસ્તારમાં પોલિસની આ નિષ્ક્રિયતા ભવિષ્યમાં મોટુ સુરક્ષા જોખમ ઉભુ કરી શકે છે તેવો જાણકારો મત વ્યક્ત કરી રહ્યા છે.
પહેલા સચિન હવે બાંગ્લાદેશી મુરસલીમ
કચ્છના વિવિધ પોલિસ મથકોના પોલિસમિત્રો દ્રારા પબ્લીક સાથે થયેલા બનાવોથી પચ્છિમ કચ્છ પોલિસ ચર્ચામા છે. તેવામાં 3 દિવસમાં બે ગંભીર બનાવો બનતા સતર્કતા સામે અનેક સવાલો ઉભા થયા છે. બે દિવસ પહેલાજ ભુજ એ ડીવીઝન પોલિસ મથકેથી PSO ની નજર ચુકવી પોસ્ટ ઉચાપતનો આરોપી સચિન ઠક્કર ફરાર થઇ ગયો હતો જો કે એ ડીવીઝન પોલિસની સચોટ બાતમીથી ટુંક સમયમાંજ તે ભુજમાંથીજ LCB ના હાથે ઝડપાઇ ગયો હતો. તેવામા આજે જેની મજબુત સુરક્ષા છે તેવા JIC(જોઇન્ટ ઇન્ટ્રોગેશન સેન્ટર) માંથી 2020માં ઝડપાયેલ એક બાંગ્લાદેશી મુરસલીમ શેખ ફરાર થઇ ગયો હતો. જો કે પચ્છિમ કચ્છ પોલિસને ધ્યાને આવ્યા બાદ વિવિધ ટીમો બનાવાઇ હતી પરંતુ બાંગ્લાદેશી છેક સામખયાળી સુધી પહોચી ગયો હતો. પોલિસે તેને ઝડપી કઇ રીતે તે અભેદ સુરક્ષા વ્યવસ્થા વચ્ચેથી ફરાર થયો તે સંદ્રભે ઉંડાણ પુર્વકની તપાસ શરૂ કરી છે. પરંતુ બે દિવસમા અભેદ સુરક્ષીત ગણાતા સ્થળોથી ગુન્હેગારો નાશી જતા સુરક્ષાના ગંભીર છીંડાઓ ખુલ્લા પડ્યા છે.
પચ્છિમ કચ્છ પોલિસના ઉચ્ચ અધિકારીઓ અને રેન્જ આઇ.જી આવા મામલાઓ સંદર્ભે ગંભીર છે. પરંતુ નિચલા સ્તરે પોલિસની નિષ્ક્રિયતાથી બનતા આવા બનાવોએ ચોક્કસથી પચ્છિમ કચ્છ પોલિસની સતર્કતા અને સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઉભા કર્યા છે. જેને સુધારવાનો પોલિસ માટે એક પડકાર છે. પરંતુ હાલ તો ઉપરા-ઉપરી બનાવો પોલિસની માઠી દશાની ચાડી ખાય છે.