Home Special 21 કલેકટર-20 ડીડીઓ સહિત 67 અધિકારીઓની ટ્રાન્સફર કરનારા ગુજરાતના IASને વડાપ્રધાન નરેન્દ્ર...

21 કલેકટર-20 ડીડીઓ સહિત 67 અધિકારીઓની ટ્રાન્સફર કરનારા ગુજરાતના IASને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બદલી નાખ્યા

1871
SHARE

નવી સરકારની રચના પછીની પ્રથમ બદલી રાજ્યભરના અધિકારીઓમાં ચર્ચાનું કારણ બની

ગુજરાતનાં 21 કલેકટર અને 20 ડીડીઓ સહિત 67 IAS અધિકારીઓની બદલીના હુકમો મંગળવારે ચર્ચાનો વિષય બન્યા હતા . જેના બે કારણ હતા. એક તો જે અધિકારીનાં નામ અને સહીથી આ ટ્રાન્સફર ઓર્ડર કરવામાં આવ્યો હતો તેમને એજ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, એટલે કે તેમના કાર્યાલય હેઠળના વિભાગ ડિપાર્ટમેન્ટ ઓફ પરસોનલ એન્ડ ટ્રેનીંગ (ડીઓપીટી) દ્વારા ગુજરાતથી પૂર્વોત્તર રાજ્ય મિઝોરમ ખાતે બદલી નાખવામાં આવ્યા હતા. બીજું કારણ એ કે આ વખતે જે બદલીનાં હુકમ કરવામાં આવ્યા છે તેમાં મૂળ ગુજરાતી એવા પ્રમોટી IAS ઓફિસરને નોન-એક્ઝીક્યુટિવ પોસ્ટિંગ આપવામાં આવ્યું છે.
સોમવારે જયારે અપેક્ષિત કહી શકાય તેવી ગુજરાત કેડરના IAS અધિકારીઓની બદલી કરવામાં આવી ત્યારે દિલ્હીથી પણ એક ઓર્ડર કરવામાં આવ્યો હતો. જેમાં ગુજરાત રાજ્યના સામાન્ય વહીવટ વિભાગનાં પ્રિન્સિપાલ સેક્રેટરી અને 1987ની બેચનાં IAS એલ. ચુઆંગોને ઇન્ટર સ્ટેટ કેડર ટ્રાન્સફર હેઠળ મિઝોરમ ખાતે બદલી નાખવામાં આવ્યા હતા. જયારથી નોર્થ-ઇસ્ટ રાજ્યો તાજેતરમાં સંપન્ન થયેલી વિધાનસભાની ચૂંટણીમાં ત્રિપુરા, નાગાલેન્ડ અને મેઘાલયમાં ભાજપનું વર્ચસ્વ વધ્યું હતું ત્યારથી ચુઆંગોની મિઝોરામમાં બદલીની વાતો ચાલતી હતી. ચાલુ વર્ષમાં ડિસેમ્બર મહિનામાં મિઝોરમ વિધાનસભાની મુદ્દત પુરી થઈ રહી છે અને ત્યાં ચૂંટણી યોજાવાની છે. હાલમાં મિઝોરમમાં કોંગ્રેસની સરકાર છે. સુત્રોનું માનીએ તો ચુઆંગોને મોદી સરકાર દ્વારા ત્યાંની વિધાનસભા ચૂંટણી પહેલા ચીફ સેક્રેટરી બનાવવાના આશયથી જ તેમને ત્યાં બદલવામાં આવ્યા હોવાનું મનાઈ રહ્યું છે . વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતનાં મુખ્યમંત્રી હતા ત્યારે એલ. ચુઆંગો તેમની સાથે કામ કરી ચુક્યા છે.
જેટલી ચર્ચા હાલ IAS અધિકારી ચુઆંગોની ઇન્ટર સ્ટેટ કેડર ટ્રાન્સફરની છે એટલી જ ચર્ચા રાજ્યના 67 IASની બદલીની પણ થઈ રહી છે. કારણ કે આનંદીબેન પટેલનાં સમયગાળા દરમિયાન જેમને સારું અને એક્ઝીક્યુટીવ કહી શકાય તેવું પોસ્ટિંગ મળ્યું હતું તેમને સાઈડ લાઇન કરી દેવાયા છે. તેમાંય વળી ગુજરાતનાં પ્રમોટી IASને સાવ હાંસિયામાં ધકેલી દેવામાં આવ્યા હોય  તેમ અધિકારીઓમાં ચર્ચા થવા લાગી છે.
વિધાનસભાની ચૂંટણીમાં જ્યા ભાજપને ફટકો પડયો હતો તેવા અમરેલી જિલ્લાના કલેકટર સંજય અમરાણીને એક વર્ષથી ઓછા સમયમાં ટ્રાન્સફર કરી દેવામાં આવ્યા છે. ત્યાં ગોંડલની મગફળીની આગથી ચર્ચામાં આવેલા અને ભરૂચ, વલસાડ અને રાજકોટ જિલ્લામાં કલેકટર રહેલા વિક્રાંત પાંડેને ફરીથી કલેકટર તરીકે અમદાવાદમાં મુકવામાં આવ્યા છે. તેવી જ રીતે શંકર ચૌધરીના ખાસ માનવામાં આવતા IAS દિલીપ રાણાને પણ એકાદ બે પોસ્ટિંગને બાદ કરતા આણંદમાં કલેક્ટરનું પોસ્ટિંગ આપવામાં આવ્યું છે. રાણા કદાચ ગુજરાતના એવા પ્રથમ IAS અધિકારી હશે જેમને ત્રણ વાર એક જ જિલ્લા, બનાસકાંઠામાં કલેકટર તરીકે મુકવામાં આવ્યા હોય.

બેન કલેકટર બનાવતા હતા, રૂપાણી સરકારે સાઈડમાં મૂકી દીધા

કે. કૈલાશનાથન જેવા પાવરફુલ અધિકારી સીએમઓ હોવા છતાં આનંદીબેન પટેલે ગુજરાતના પ્રમોટી IASને ડીડીઓ તેમજ કલેક્ટરનું પોસ્ટિંગ આપતા હતા. રૂપાણી સરકારમાં પ્રમોટી IASને નોન-એક્ઝીક્યુટીવ પોસ્ટિંગ આપવામાં આવી રહ્યું છે. જેમ કે કચ્છનાં ડીડીઓ સી.જે.પટેલને નિવૃત્તિમાં બે વર્ષ બાકી છે ત્યારે કલેકટર તરીકેનું તેમનું પોસ્ટિંગ અપેક્ષિત હતું. તેવી જ રીતે પ્રમોટી IAS એવા ખેડાનાં ડીડીઓ સુધીર પટેલ પણ નવેક મહિના પછી રિટાયર્ડ થઈ રહ્યા છે અને તેમને લેબર કમિશ્નર તરીકે મૂકી દેવામાં આવ્યા છે. ભાજપ જેમને વિધાનસભાની ચૂંટણીમાં ટિકિટ આપવાનું વિચારતું હતું તેવા કચ્છનાં પૂર્વ કલેકટર એવા સુરતનાં કલેકટરને ઓછી મહત્વપૂર્ણ એવી કોર્પોરેશનના કમિશનરની પોસ્ટને અપગ્રેડ કરીને બદલવામાં આવ્યા છે. મહેન્દ્ર પટેલની છાપ આનંદીબેનની ગુડ બુકવાળા અધિકારી તરીકેની હોવાને કારણે આ પોસ્ટિંગ મળ્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે. કારણ કે જ્યારે રાજ્યમાં પાટીદાર આંદોલન તેની ચરમ સીમાએ હતું અને તેમાં પણ સુરતમાં સ્થિતિ કપરી હતી ત્યારે મહેન્દ્ર પટેલને કચ્છ કલેક્ટરથી બદલીને સુરત મુકવામાં આવ્યા હતા.

2014ની બેચનાં તમામ ડાયરેક્ટ IASને DDOનું પોસ્ટિંગ

67 અધિકારીઓની બદલીના લિસ્ટમાં વર્ષ 2014ની બેચનાં તમામ ઓફિસરને જિલ્લા વિકાસ અધિકારીનું પોસ્ટિંગ આપવામાં આવ્યું છે. સરકારે આ બેચનાં તમામ IAS જેઓ જિલ્લામાં મદદનીશ કલેકટર તરીકે ફરજ બજાવતા હતા તેમને પ્રમોશન આપીને DDO બનાવ્યા છે. એવો કોઈ નિયમ નથી પણ અત્યાર સુધીનો શિરસ્તો એવો છે કે રાજ્ય સરકાર પ્રાંત કે મદદનીશ કલેક્ટરને સચિવાલય કે નિગમ અથવા નાના શહેરમાં ડેપ્યુટી કમિશ્નર તરીકે મુક્યા બાદ ડીડીઓ તરીકે મૂકતી હતી. જેને કારણે પ્રમોટી આઈએએસને DDO તરીકે કામ કરવાનો મોકો મળતો હતો. ટૂંકમાં બદલીના આ ઓર્ડરને જોતા એમ કહી શકાય કે બેનની વહીવટી કુશળતા અત્યારે પસંદ કરવામાં નથી આવતી.