Home Social ભુજમાં વૈકલ્પીક ઉભી કરાયેલી સમરસ હોસ્પિટલ બની આશીર્વાદરૂપ;115 કોરોના દર્દીઓ સ્વસ્થ થયા

ભુજમાં વૈકલ્પીક ઉભી કરાયેલી સમરસ હોસ્પિટલ બની આશીર્વાદરૂપ;115 કોરોના દર્દીઓ સ્વસ્થ થયા

248
SHARE
રાજ્યની સાથે કચ્છમાં પણ બીજી લહેરથી ભંયકર સ્થિતીનુ નિર્માણ થયુ હતુ. તેવામાં જનરલ હોસ્પિટલની સુવિદ્યા પુરતી ન હતી અને ત્યારે સમરસ હોસ્ટેલમાં ઉભી થયેલી કોવીડ હોસ્પિટલ બની દર્દીઓ માટે આશીર્વાદ બની હતી આ ભગીરથ કાર્ય ધારીએ એટલું સહેલું નહોતું. વહીવટીતંત્રના પૈડા થોભ્યા વિના સતત દોડતા રહ્યા યુદ્ધના ધોરણે કામ શરૂ થયું. અઠવાડિયામાં જ હોસ્ટેલને હોસ્પિટલ બનાવી કાયાપલટ કરી નાખી અને એ પણ એટલી સરસ રીતે કે ત્યાં પગ મૂકીએ તો એવો આભાસ પણ ના થાય કે ત્યાં ક્યારેક હોસ્ટેલ પણ કાર્યરત હશે !!! હોસ્ટેલમાંથી હોસ્પિટલ ઉભી કરવાની જવાબદારી નોડલ અધિકારી તરીકે નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી એમ.બી. પ્રજાપતિને સોંપવામાં આવી અને એ કાર્ય એક મિશનની જેમ લઇ તેમણે તમામ ઇન્ફ્રાસ્ટ્રકચર અઠવાડિયામાં ઉભું કરી નાખ્યું. હોસ્ટેલમાંથી હોસ્પિટલ બનાવવા ઘણા ફેરફારો કર્યા. લિફ્ટની સગવડ સમયના આટલાં ટૂંકાગાળામાં ઊભી કરવી શક્ય ન હતી.ત્યારે તેમની ટીમ દ્વારા પહેલાં માળ સુધી પહોંચવા માટે રેમ્પ બનાવી કે જેના દ્વારા દર્દીઓને સ્ટ્રેચરની મદદથી સરળતાથી શિફ્ટ કરી શકાય. ત્યાં ઓક્સિજનની સેંટ્રલલાઈન પણ બનાવવામાં આવી અને ઓક્સિજનની સુચારુ વ્યવસ્થા ઊભી કરવામાં આવી.આ ઉપરાંત ઓક્સિજનના પૂરતા સપ્લાય માટે અગ્રવાલ અને ઇલેક્ટ્રોથર્મ કંપની પાસેથી ઓક્સિજનનો જથ્થો મેળવવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત પાણી અને વીજ પુરવઠાની પણ હોસ્પિટલ ના સંદર્ભમાં વિશેષ સુવિધા ઉભી કરાવી છે અને ફાયર સેફ્ટીની પણ સુચારુ વ્યવસ્થા ઊભી કરીને તેના સર્ટીફીકેટ મેળવી લેવામાં આવ્યા છે.
ટુંકાગાળામાં ઉભી થયેલી સુવિદ્યા ઉપયોગી થઇ
સમયના ટૂંકાગાળામાં જ હોસ્પિટલ શરૂ થઈ ગઈ.જી.કે.ની સહાયક તરીકે શરૂ કરાયેલી સમરસ હોસ્પિટલમાં ૧૫૦ ઓક્સિજન બેડ અને ૧૦૦ સામાન્ય બેડ મળીને કુલ ૨૫૦ બેડ કાર્યરત કરવામાં આવ્યા છે. જ્યાં ૨૦ બાયપેપ અને ૪ એચએફએમસીની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. જે દ્વારા દર્દીઓને ખુબ જ સારી રીતે સારવાર કરવામાં આવી રહી છે. હમણાં હોસ્પિટલમાં એક નોડલ ફિઝીશિયન ડોક્ટર કશ્યપ બુચ, ૩ આર એમ ઓ, ૮ મેડિકલ ઓફિસર, ૨ ડેન્ટલ એમઓ, ૧ આયુષ એમઓ,૩ નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટ, ૬ સ્ટાફ નર્સ, ૧૦ સીએચઓ, ૨૨ નર્સિંગ સ્ટુડન્ટ, ૨૪ ક્લાસ ૪ અધિકારી, ૩ સિક્યુરિટી ગાર્ડ,ચાર એમ્બ્યુલન્સ ડ્રાઈવર, ૬ ઓક્સિજન ઓપરેટર, ૩ એડમિનિસ્ટ્રેટર, ૩ ફાર્માસિસ્ટ, ૩ કોમ્પ્યુટર ઓપરેટર, ૪ પોલીસ સ્ટાફ અને ૩ હેલ્પલાઇન માટે ટીચર વગેરે સ્ટાફ હંમેશા દર્દીઓની સેવામાં દિવસ રાત ખડે પગે રહે છે.અત્યાર સુધી હોસ્પિટલમાં ૨૨૫ દર્દીઓ દાખલ થયા છે. જેમાંથી ૧૧૫ દર્દીઓ સાજા થઇ પોતાના પરિવાર પાસે ઘેર પરત ફર્યા છે. ૨૬ દર્દીઓની આ સ્થિતિમાં થોડો સુધારો થતા સીસીસી ખાતે મોકલવામાં આવ્યા છે. અત્યારે ૭૪ દર્દીઓ હોસ્પિટલ ખાતે સારવાર લઇ રહ્યા છે. જે દર્દીઓને આરોગ્યની શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સુવિધાઓ ઉપરાંત સવારે ચા નાસ્તો, અવાર નવાર લીંબુપાણી અને ફ્રૂટ તેમજ બે ટાઈમ પૌષ્ટિક આહાર અને રાત્રે હળદર વાળું દૂધ આપવામાં આવે છે.આ તમામ દર્દીઓની સારવાર ત્યાંના મેડિકલ ઓફિસર ડો. કશ્યપ બુચ ની દેખરેખ હેઠળ કરવામાં આવી રહી છે.
સાજા થયેલા દર્દીએ શુ કહ્યુ ?
હોસ્પિટલની સુવિધા ની વખાણ કરતાં દર્દી ગુડીચા પ્રધાન કે જે ઓરિસ્સાના વતની છે તે જણાવે છે કે અહીં સ્ટાફ દિવસ-રાત ખૂબ જ સારી સારવાર આપે છે. ભોજન પણ ખૂબ સારું છે. ઉપરાંત અહિંનું વાતાવરણ પણ ઇકો ફ્રેન્ડલી છે. અહીંની સર્વિસ અનએસ્પેકટેડ છે આવી સુવિધાઓ ઓરિસ્સા કે અન્ય રાજ્યમાં મેં જોઈ નથી તેમની આ ડેડીકેશનને હું સલામ કરું છું. અહિંનો સ્ટાફ દર્દીઓની અંગત કાળજી રાખે છે. હું ભાગ્યવાન છું કે અહીં દાખલ થયો અને અહીંના અનુભવને હું જિંદગીભર નહીં ભૂલી શકું.ઉપરાંત અન્ય દર્દીઓ પણ સુવિધાની પ્રશંશા કરતાં જણાવે છે કે કોઈપણ તકલીફ પડે તો સ્ટાફ હંમેશા ખડે પગે હાજર રહે છે. ઘરે મળે તેવી વિશેષ કાળજી અને સારસંભાળ અહિં લેવામાં આવે છે આ તમામ ટીમને જેટલા ધન્યવાદ આપીએ તેટલા ઓછા છે. પોતાના માટે તો સહુ કરે પણ પારકા માટે જે કરે એ ખરેખર સાચા સેવાભાવી છે અને બસ આવા સેવાભાવી અહીંનો સ્ટાફ છે.
સમરસ હોસ્પિટલ આશીર્વાદરૂપ
જ્યારે જી.કે. પરનું ભારણ વધ્યું ત્યારે સમરસ હોસ્પિટલ ની પરિકલ્પના કરવામાં આવી. આ પરિકલ્પનાનો એક માત્ર ઉદ્દેશ્ય હતો કે કોરોનાના કેસની સંખ્યા વધતા જી.કે.ના ૪ લિટર થી ૮ લિટર ઓક્સીજનની જરૂરિયાત વાળા માઇનર દર્દીઓને અન્ય સ્થળે સ્થળાંતર કરી શકાય અને જી.કે. મા બેડની સંખ્યા જનરેટ થતી રહે તે માટે જી.કે.ના સેટેલાઈટ સેન્ટર તરીકે સમરસ હોસ્પિટલ શરુ કરવામાં આવી જેમાં ખૂબ સફળતા મળી છે. કલેકટર ઓફિસ દ્વારા નિયમિત રીતે સમગ્ર હોસ્પિટલનું મોનિટરિંગ કરવામાં આવે છે. ત્યાં આઈએમએ નો પણ પૂરતો સહકાર મળ્યો છે. ચીફ નોડલ ઓફિસર ડોક્ટર કશ્યપ ત્યાં કાર્યરત છે. ઉપરાંત ડેડીકેટેડ મેડિકલ ટીમ દ્વારા પૂરતી સારવાર પણ મળી રહી છે જે થકી ઘણા લોકોને ડિસ્ચાર્જ પણ કરવામાં આવ્યા છે.તેમ મનિષ ગુરૂવાણીએ જણાવ્યુ હતુ મેડિકલ ઇક્વિપમેન્ટ તેમજ મેડિસીન વગેરેની સુવિધા સરકારના નિયમ મુજબ મેળવી લીધી. જી.કે.જનરલ અને પી.એસ.સી તેમજ સીએચસી વગેરેનો સ્ટાફ મળી રહ્યો છે ઓક્સિજન ની વ્યવસ્થા ઊભી કરી અને દર્દીઓને સમયસર ઓક્સિજન મળી રહે તે હેતુથી ૫૦ બોટલ ની એક એવી ૮ ઓક્સિજન બેંક લોન પર અગ્રવાલ અને એમડીએસ કંપની દ્વારા લોન પર એક માસ પૂરતી નિ:શૂલ્ક આપવામાં આવી. તેમજ ૨૦૦ ઓક્સિજન બોટલ આરક્ષિત રાખવામાં આવી છે. ઉપરાંત કચ્છ ટ્રક એસોસિયેશન દ્વારા ઓક્સિજન બોટલ ની સપ્લાય માટે ત્રણ ટ્રક વિનામૂલ્યે વાપરવા માટે આપવામાં આવેલા છે. આમ તમામના સહયોગથી આ સુચારુ વ્યવસ્થા જળવાઈ અને આ ભગીરથ કાર્ય સાર્થક થઇ શક્યું.તેમ નોડલ ઓફીસર એમ.બી.પ્રજાપતીએ જણાવ્યુ હતુ