સોશિયલ સાઈટ ફેસબુકના ડેટાની ચોરી થયા બાદ નેટ યુઝર્સને સતર્ક કરતા ભારતીય સાયબર સુરક્ષા એજન્સીએ સોશિયલ મીડિયા પર પોતાની પ્રાથમિકતાઓ અને આધાર કાર્ડની જાણકારી શેર ન કરવા માટે સલાહ આપી છે. દેશની નોડલ એજન્સી કમ્પ્યુટર ઈમર્જન્સી રિસ્પોન્સ ટીમ ઓફ ઈન્ડિયા (સીઈઆરટી-ઈન)એ જારી કરેલી એડવાઈઝરીમાં જણાવ્યું છે કે ફેસબુક અને અન્ય સોશિયલ મીડિયા યુઝર્સને આ સાઈટો કે મોબાઈલ એપ પર પોતાની અંગત જાણકારી જેવી કે પિન નંબર, પાસવર્ડ, ક્રેડિટ કાર્ડ, બેન્ક, પાસપોર્ટ, આધાર કાર્ડની જાણકારીઓ અને તમામ અન્ય જાણકારીઓ ક્યારેય શેર ન કરવી.
સાયબર સુરક્ષા સાથે સંકળાયેલા નિષ્ણાતોના મત અનુસાર સોશિયલ મીડિયા યુઝર્સે અંગત માહિતી કે પોતાનું લોકેશન પોસ્ટ કરવાથી દૂર રહેવું જોઈએ. ડેટા ચોરી થાય ત્યારે તરત સંબંધિત સોશિયલ મીડિયા પ્લેટફોર્મના હેલ્પ ડેસ્કનો સંપર્ક કરવો જોઈએ અને આ સાથે જ પોલીસની સાઈબર શાખામાં ફરિયાદ પણ નોંધાવવી જોઈએ. મોબાઈલમાં થર્ડ પાર્ટી એપને મંજૂરી આપતા સતર્ક રહેવું જોઈએ કેટલીક એપ એવી હોય છે જે નામ, પ્રોફાઈલ પિક્ચર, યુઝર આઈડી, જેન્ડર, વય અને લોકેશન સુધી પહોંચી શકે છે. જેનાથી યુઝર્સની જાણ વિના જ તેમાં છેડછાડ થઈ શકે છે. અહીં ઉલ્લેખનીય છે કે ભારતના મોટા શહેરો, પર્યટન સ્થળો, પહાડો અને નદીઓ પર નજર રાખવાની ગૂગલની સ્ટ્રીટ વ્યૂ યોજના સુરક્ષાના કારણોસર ભારત સરકારે નકારી દીધી છે. યોજનાને નકારી દેવાઈ હોવાની જાણકારી ગૃહ મંત્રાલય દ્વારા ગૂગલને આપી દેવાઈ છે. આમ સતત નેટ સાથે સમય ગાળતી યુવા પેઢી આ બાબતે સતર્ક રહે એ પણ સમયની માંગ છે