ભુજ ખાતે કચ્છના પ્રભારી સચિવની ઉપસ્થિતિમાં યોજાયેલ બેઠકમાં રાજયમંત્રીએ એનજીઓને મહત્તમ સાધનો સાથે જોડાવાં આપ્યો નિર્દેશઃ
સમગ્ર રાજયની સાથે ૧લી મે ગુજરાત સ્થાપના દિનથી કચ્છમાં હાથ ધરાનારા સુજલામ સુફલામ જળસંચય અભિયાન-૨૦૧૮ અંતર્ગત ભુજ ખાતે કચ્છના પ્રભારી સચિવ જે.પી. ગુપ્તાની ઉપસ્થિતિમાં અધિકારીઓ, એન.જી.ઓ. તેમજ ઉદ્યોગગૃહોના પ્રતિનિધિઓ સાથેની બેઠકમાં જળસંચય અભિયાનના પુણ્યશાળી કાર્યમાં સૌ કચ્છીજનો, એનજીઓ અને ઉદ્યોગગૃહોને મોટા પાયે જોડાઇને વરસાદનું ટીપે ટીપું પાણી સંગ્રહવા રાજયમંત્રી વાસણભાઈ આહિરે આહ્વાન કર્યું હતું.
ભુજ ખાતે કલેકટર કચેરીના કોન્ફરન્સ હોલમાં જળસંચય અભિયાન બેઠકના અધ્યક્ષપદેથી રાજયમંત્રી વાસણભાઈ આહિરે સાધનોનો મહત્તમ ઉપયોગ કરીને જળ સંચય અભિયાનમાં સિંહફાળો આપવા એનજીઓ, ઉદ્યોગગૃહોના પ્રતિનિધિઓને કચ્છમાં તળાવો ઊંડા ઉતારવા, ચેકડેમ અને જળાશયો ડીસીલ્ટીંગની કામગીરી, ખેતતલાવડી, ટેરેસ તલાવડી નહેરોની સફાઇ તેમજ નદી-નાળાની આવની સાફ-સફાઇ હાથ ધરવાના મહા અભિયાનમાં સૌ કચ્છીજનોને પણ જોડાવા અનુરોધ કર્યો હતો શ્રી આહિરે ધુનારાજા ડેમની આવની સાફસફાઇ સાથે અંજારની સાંગ નદીને પ્રદુષિત થતી અટકાવી નદીની સાફ-સફાઇને આ કામમાં આવરી લેવા સાથે રખાલોમાં ટેરેસ તલાવડી બનાવવાથી જંગલના પશુ-પંખીઓને પાણી ખૂબ મોટી રાહત આપવા તેમજ ટેરેસ તલાવડી અને તળાવ-ચેકડેમની પાળે ધામણ ઘાસ અને વૃક્ષોનું વાવેતર કરવા પણ જણાવ્યું હતું. વધુમાં તેમણે જિલ્લાની ખાણોમાં વૃક્ષારોપણમાં ખાણ માલિકોને જોડવા જિલ્લા ખાણ ખનિજ તંત્રને સૂચના આપી હતી.
પ્રભારી સચિવ શ્રી ગુપ્તાએ જળસંચય અભિયાન અંતર્ગત કચ્છમાં જરૂર જણાયે સિંચાઇ વિભાગને વધુ ડીવીઝન આપવા રાજય સરકાર સમક્ષ માંગણી મૂકાશે તેવો નિર્દેશ આપ્યો હતો.
કચ્છ-મોરબીના સાંસદ વિનોદભાઈ ચાવડાએ પણ એનજીઓ, ઔદ્યોગિક ગૃહોને જોડીને રાજય સરકાર દ્વારા હાથ ધરાનારા જળસંચય અભિયાનને ખૂબ મહત્વનું જણાવીને કચ્છમાં જે કોઇ જળસંચયના કામો કરવાના થાય છે તેનું અતઃથી ઈતિ સંપૂર્ણ આયોજન કરીને કોઇપણ તાલુકો બાકી ન રહે તેવું નકકર આયોજન ગોઠવવા ઉપર ભાર મૂકયો હતો.
ભુજના ધારાસભ્ય ડો. નીમાબેન આચાર્યે કચ્છમાં વરસાદના પાણીની સંગ્રહશક્તિ વધારવા સાથે જળસંચયના અન્ય કામોને મહત્વના ગણાવી ડેમો-નદી નાળાની સાફ-સફાઇ, ચેકડેમો, અનુશ્રવણ તળાવોના કામોને પ્રાધાન્યતા આપવા સૂચનો કર્યા હતા.
જિલ્લા કલેકટર રેમ્યા મોહને જળસંચય અભિયાનને લોક અભિયાન બનાવી બધા કામોનું સંકલન કરી સમાવી લેવા અધિકારીઓને નિર્દેશ આપ્યો હતો. તેમણે તાલુકાવાઇઝ નાની સંસ્થાઓનો પણ સહયોગ લેવા સાથે ગ્રામકક્ષાએ અને તાલુકાકક્ષાએ જળસંચય અભિયાનના કામોમાં લોકો પણ સાથે રહે તેવી રીતે માઇક્રો પ્લાનીંગ કરવા અમલીકરણ અધિકારીઓને જણાવ્યું હતું.
આ પ્રસંગ સ્વામિનારાયણ સંસ્થાના ટ્રસ્ટી શશીકાંત ઠકકરે જયાં જરૂર પડે ત્યાં હંમેશા તેમની સંસ્થા અગ્રભાગ ભજવે છે, તેમ જણાવી પ્રજાલક્ષી પુણ્યકાર્યમાં જોડાવા તત્પર હોવાનું જણાવ્યું હતું. અદાણી ફાઉન્ડેશનના મુકેશ સકસેનાએ જળસંચય અભિયાનમાં સહયોગ આપવાની ખાતરી આપી ફાઉન્ડેશન દ્વારા કરાઇ રહેલા જળસંચય કામોની વિગતે વાત કરી હતી. ફોકિયાના રાધિકાબેન ઠકકરે જલમંદિર યોજનાની રૂપરેખા આપી પ્રેઝન્ટેશન દ્વારા જળસંચય કામગીરીનું નિરૂપણ કર્યું હતું. તેમણે ૭૯ તળાવોના કામો કરી ચુકયા છે અને હજુ ૭૬ તળાવોના કામો કરી શકાય તેમ હોવાનું જણાવ્યું હતું.
આ પ્રસંગે જિલ્લા પંચાયત અધ્યક્ષા કૌશલ્યાબેન માધાપરિયા, માંડવી-મુંદરાના ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહ જાડેજા, ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, સામાજીક ન્યાય સમિતિના ચેરમેન શ્રી નરેશભાઈ મહેશ્વરી, જિલ્લા વિકાસ અધિકારી પ્રભવ જોષી, અધિક કલેકટર ડી.આર.પટેલ, ઈન્ચાર્જ જિલ્લા ગ્રામ વિકાસ નિયામકશ્રી અશોક વાણીયા પાણી પુરવઠા ચીફશ્રી એસ.એસ.રાઠવા, પા.પુ અધિક્ષક ઇજનેર એલ.જે.ફફલ, સિંચાઇ વર્તુળના અધિક્ષક ઈજનેરશ્રી કોટવાલ, કાર્યપાલકશ્રી સોનકેસરીયા, વાસ્મોના મેનેજરશ્રી કટારીયા, પાણી પુરવઠા કાર્યપાલકશ્રી ભગવાન, શહેદાદપુરી, શ્રી તિવારી, શ્રી કે.પી.સિંહ, વોટર શેડના શ્રી જાડેજા, શ્રી નિરવ પટ્ટણી, જિલ્લા ભૂસ્તર શાસ્ત્રીશ્રી, માવદીયા, નાકાઇશ્રી અરૂણ જૈન, સામાજિક વન વિભાગના એસ.મુજાવર, ડીએફઓશ્રી અસારી, શ્રી વિહોલ, કિશાન અગ્રણી શ્રી ગોવિંદ પટેલ, એનજીઓના શ્રી ભાટીયા, ગુજરાત ઈન્ફ્રાસ્ટ્રકચરના શ્રી ઝાલા, વેલસ્પન તથા માનના પ્રતિનિધિઓ, અધિકારીગણ, તાલુકા વિકાસ અધિકારીઓ વગેરે ઉપસ્થિત રહયા હતા.