રક્ષાબંધન એટલે ભાઈ બહેન સ્નેહભર્યા બંધન નું પર્વ. બહેન ભાઈના કાંડે કાચા સુતરના તાંતણે બાંધેલી દોરીની ગાંઠ સાથે પોતાની સંવેદના અને સ્નેહ ની ગાંઠ ને મજબૂત કરે છે. પણ, આજે વાત કરવી છે એક અનોખા બંધનની જે બંધન છે સંવેદનાનું, કરુણાનું અને માનવતાના સ્નેહનું !! આ બંધન સાથે સંકળાયેલા મિતેશ શાહ નો પરિવાર ૯૦ જણાનો છે. પરંતુ આ આશ્ચર્યની વાત તો એ છે કે આ તમામ ૯૦ જેટલા લોકો મિતેશ શાહના સગા વ્હાલા કે પરિવારના નથી પણ અજાણ્યા છે. જોકે, મિતેશ શાહે સંવેદનાના બંધન સાથે તેમને પોતાની સાથે જોડ્યા છે અને તેમના સુખ દુઃખ માં સહભાગી થઇ રહ્યા છે.
દુખિયારી બહેનો નો ભાઈ..
આમ તો અંજારના જાગૃતિબેન કનૈયાલાલ જોશી ને જ્યારે જ્યારે ડાયાલીસીસ કરાવવું પડે છે અને તે દરમ્યાન લોહી ની પણ જરૂરત પડે છે ત્યારે તેઓ આશાભરી મીટ મિતેશ શાહ તરફ માંડે છે. પિતાનું છત્ર નહીં, સગો ભાઈ દિવ્યાંગ અને અંધ, વિધવા માતાની સામાન્ય પટાવાળાની નોકરી!! મધ્યમવર્ગીય પરિવારની આ વિપ્ર બહેનનો તબીબી ખર્ચ તેમ જ દવાનો ખર્ચ તે તમામ ખર્ચમાં મિતેશ શાહ એક મોટા ભાઈ તરીકે મદદરૂપ બને છે. એજ રીતે ભુજના કેમ્પવિસ્તાર માં રહેતા હલીમાબેન અલ્તાફ લુહાર માટે પણ મિતેશ શાહ નાના ભાઈ છે. પતિ થી તલ્લાક લેનાર હલીમાબેન ને પણ કીડની ની બીમારી હોઈ ડાયાલીસીસ કરાવવું પડે છે. પણ, મધ્યમવર્ગીય આ મુસ્લિમ બહેન માટે મિતેશ શાહ એક સગા ભાઈ કરતાંયે વિશેષ છે. એજ રીતે ૧૩ વર્ષની મહેક જીજ્ઞેશ પટેલ જુવેનાઇલ ડાયાબીટીસ થી પીડાય છે. હાલે માધાપર રહેતી વલસાડની આ આદિવાસી કન્યા માટે મિતેશ શાહ મોટાભાઈની ફરજ નિભાવે છે. ફેકટરી માં કામ કરતા મહેક ના પિતા માટે દર મહીને દવાનો ખર્ચ ઉપાડવો મુશ્કેલ હોઈ તેમને મિતેશ શાહ દવા ના ખર્ચ માટે મદદરૂપ બને છે. જોકે, ભુજ ની વેજનાથ શેરીમાં રહેતી ૧૦ વર્ષની ઝીલ કિરીટ રાઠોડનો કિસ્સો વળી અલગ છે. મગજ ની ખેંચ ની બીમારીથી પીડિત ઝીલ અત્યાર સુધી દિવ્યાંગ બાળકોની સ્કૂલ માં ભણતી હતી. પરંતુ, તે નોર્મલ બાળક ભેગી ભણે અને ભળે તે માટે તેને સામાન્ય શાળામાં પ્રવેશ અપાવવા પ્રયત્ન કર્યો પણ ઝીલ સ્લો લર્નર હોઈ તેને અત્યારે ખાનગી શિક્ષક દ્વારા ભણાવાય છે. ઝેરોક્ષ નું કામ કરતા ઝીલ ના પિતા માટે બીજી મુશ્કેલી એ છે કે તેની બીજી દીકરી પણ આવી જ બીમારી થી પીડાય છે. આવા સંજોગો માં મિતેશ શાહ મોટા ભાઈ તરીકે ઝીલ ના શિક્ષણ માટે તેમ જ તેની સારવાર માટે મોટાભાઈ તરીકે મદદરૂપ બની રહ્યા છે. યાદી હજીયે લાંબી છે. પણ હવે વાત કરીએ વૃદ્ધ દંપતી માટે ટેકણ લાકડી બનીને હૂંફ આપવાના પ્રયાસની..૬૫ વર્ષના હેમરાજભાઈ ગોરી અને તેમના ૬૩ વર્ષીય પત્ની દેવીબેન આમ તો નિ:સંતાન છે પણ તેમના માટે મિતેશ શાહ દીકરા સમાન છે. સિંધી ભાનુશાલી સમાજ ના હેમરાજભાઈ સતત બીમાર રહે છે, તેમની આર્થિક હાલત કફોડી છે,પણ દવાનો ખર્ચ હોય કે મકાન ભાડું હોય મિતેશ શાહ તેમના માટે વૃદ્ધત્વ ની ટેકણ લાકડી છે. ભુજના ૪૬ વર્ષીય સૈયદ આલમ મહમદહનીફ હોય કે પછી એક પુત્રી ગુમાવી ચૂકેલા અને અત્યારે સિક્સટીક ફાયબ્રોસીસ જેવી જવલ્લેજ જોવા મળતી ગંભીર બીમારી થી પીડાતા પોતાના ૮ વર્ષના પુત્ર કાર્તિક ની બીમારી સામે ઝઝૂમતા નલિયા ના કપિલ ઠક્કર માટે, આદિપુર ના છકડા ચાલક રમેશ કોળી માટે કે જેનો પુત્ર પુરજી છેલ્લા ૭ વર્ષ થી કીડની ની બીમારીના કારણે ડાયાલીસીસ ના ખર્ચ માટે મદદરૂપ બનવાની વાત હોય મોત સામે જંગ ખેલતા તેના વહાલસોયા પુત્ર માટે મિતેશ શાહ એક આશા બની ને આવ્યા છે. આવા પરિવારોની સંખ્યા ૯૦ જેટલી છે. કે, જેમની સાથે મિતેશ શાહ નો કોઈ પારિવારિક સંબધ નથી, જે સંબધ છે તે છે ‘માનવીય સંવેદના’નો !! આ દુખિયારા પરિવારોના સતત સંઘર્ષભર્યા અંધકારમય જીવન માં મિતેશ શાહે આશાનો દિપક ટમટમતો રાખ્યો છે.
દર મહીને થતા ખર્ચ માટે વહી રહી છે કરુણા ની સરવાણી..
લગભગ ૯૦ જેટલા પરિવારો ને દર મહીને મદદ કરવાનો ખર્ચ? ન્યૂઝ4કચ્છ નો સવાલ સાંભળી ને દર્દભર્યું હસતા મિતેશ શાહ કહે છે કે દર મહીને દોઢ થી બે લાખ ₹ જેટલો ખર્ચ થાય છે. હું તો મધ્યમવર્ગના પરિવારનો છું પણ મને નાના મોટા દાતાઓ નો સહયોગ મળી રહે છે મિતેશ શાહ કહે છે કે દાતાઓ ને પણ હું પરિવાર ના ગણું છું એટલે મારો પરિવાર વિસ્તરતો જ જાય છે. નાગરચકલા માં આવેલી મિતેશ શાહની નાનકડી દુકાન સતત મદદ માંગવા આવનારાઓ થી ધમધમતી રહે છે. પોતાની નોટબુક માં દરેક દર્દી ના ખર્ચનો હિસાબ રાખતા મિતેશ શાહ ની ખર્ચ ની નોંધ દરેક દાતાઓને પહોંચી જાય છે. દર્દી અને દાતાઓ વચ્ચે પોતે માત્ર એક કડી છે એવું કહેતા મિતેશ શાહ પોતાના જીવનમાં સ્વર્ગીય માતા નિર્મળાબેન હીરાલાલ શાહ ને પ્રેરણાસ્ત્રોત માને છે. આજે બીમારી દરમ્યાન કે પછી વિપરીત સંજોગોમાં જ્યારે આપણા સ્નેહીજનો પણ ઘણીવાર મોઢું ફેરવી લેતા હોય છે ત્યારે અજાણ્યા પરિવારોને માત્ર ‘માનવીય સંવેદના ના બંધન’ ને નાતે મદદરૂપ બનનાર મિતેશ શાહ માટે કદાચ એમ કહી શકાય કે, ‘કીસી કા દર્દ લે શકે તો લે ઉધાર, કીસી કે વાસ્તે અપને દિલ મેં હો પ્યાર, જીના ઇસીકા નામ હૈ’.