Home Social જાગવું છે કે નથી જાગવું? એ ‘જાગ્યા ત્યારથી સવાર’ ફિલ્મ એક વાર...

જાગવું છે કે નથી જાગવું? એ ‘જાગ્યા ત્યારથી સવાર’ ફિલ્મ એક વાર જોઈને નક્કી કરજો

2408
SHARE
ફરી એક વાર ગુજરાતી ફિલ્મો નો દોર શરૂ થયો છે,અને તેમા’યે હવે નવા નવા વિષયો સાથેની ગુજરાતી ફિલ્મો આવી રહી છે અને દર્શકો પણ નવા વિષયો સાથેની ફિલ્મો પસંદ કરી રહ્યા છે. આ બધા વચ્ચે એક કચ્છી માડુએ નવી પહેલ કરી છે અને ગુજરાતી ફિલ્મના માધ્યમ થી મારી, તમારી અને આપણા સૌની વાત કરીને ‘જાગ્યા ત્યારથી સવાર’ ફિલ્મ જોયા પછી આપણે જાગીએ છીએ કે નહીં તે આપણા ઉપર જ છોડ્યું છે.

એવું તે શું છે આ ગુજરાતી ફિલ્મ માં?

દેશભર ના પ્રગતિશીલ ખેડૂતો જેમના કૃષિ ફાર્મમા ગૌ આધારિત સજીવ ખેતી શીખવા આવે છે તેવા મનોજ સોલંકી આ ફિલ્મ ના નિર્માતા છે. તેમની સાથે તેમના ગુરૂબંધુ અને સાહિત્યકાર, કિસાન એવા મહેશ સોલંકી ‘બેનામ’ પણ સહ નિર્માતા છે. મનોજ સોલંકી સ્પષ્ટ શબ્દો મા કહે છે કે આ કૃષિ આધારિત વર્તમાન પરિસ્થિતિ દર્શાવતી ફિલ્મ છે જેમાં રોજિંદા ખોરાક ના કારણે આપણે કઈ રીતે આપણા સ્વાસ્થ્ય ને નુકસાન પહોંચડીએ છે તેની વાત છે. બૉલીવુડ ના જાણીતા ફિલ્મ ડાયરેકટર મધુર ભંડારકર સાથે આસિસ્ટન્ટ તરીકે કામ કરી ચૂકેલા આ ફિલ્મના ડાયરેકટર ગુજ્જુ યુવાન સન્ની કહે છે કે, આ ફિલ્મ મનોરંજન ના હેતુ થી નથી બનાવાઈ પણ તેમા ફિલ્મી કથા છે, હીરો, હીરોઇન અને વિલન પણ છે પશ્ચાદભૂ મા ગામડું છે અને ફિલ્મની કથાનો પ્રાણ ખેડૂત અને તેના દ્વારા સાચી દિશા મા ખેતી કરાય તેનો સંદેશ છે. પણ, આપણા રસોડામાં આવતું અનાજ, આપણા દ્વારા લેવાતો ખોરાક ખેતર માં થી આવે છે એટલે આ ફિલ્મ સીધી આપણને સૌને સ્પર્શે છે. અહીંથી વાત નો તંતુ સાંધતા મનોજ સોલંકી કહે છે કે, અત્યારે ભલે મેડિકલ સાયન્સ આગળ વધ્યું હોય પણ રોજ નવા નવા દર્દો વધી રહ્યા છે. અસાધ્ય બીમારીઓ વધી છે આ સત્ય આપણા સૌની નજર સામે છે. મારા ખેતીના ૩૦ વર્ષના અનુભવ ના આધારે હું કહું છું કે, મોટાભાગે આપણને થતા રોગનું કારણ છે રાસાયણિક ખાતર દ્વારા પાકતું અનાજ!!! ફિલ્મ એક અસરકારક માધ્યમ હોઈ અમે ‘જાગ્યા ત્યારથી સવાર ફિલ્મ’ દ્વારા સત્ય લોકો સામે મુકવાનો પ્રયાસ કર્યો છે અને તેની સાથે સ્વસ્થ જીવન માટે ગૌ આધારિત સજીવ ખેતીનો સંદેશ લોકોની સામે મુક્યો છે. ફિલ્મમાં મહેશ સોલંકી એ લખેલા ગીતો ને જાણીતા ગાયકો ઓસમાણ મીર, ભારતેન્દુ માંકડ અને પ્રગતિ વોરાએ કંઠ આપ્યો છે તો સંગીત અબ્દુલ ખાવરા નું છે.

ફિલ્મની સ્ટોરી કંઇક આવી છે

મનોજ સોલંકી ફિલ્મની સ્ટોરી વિશે કહે છે કે, હીરો શહેરમાં થી ભણીને આવ્યા પછી પોતાના ગામ પરત ફરીને સજીવ ખેતી કરવાનો નિર્ણય કરે છે. પહેલા તેનો વિરોધ તેના પિતા કરે છે,પણ પિતાને જેમતેમ સમજાવે છે ત્યાં ગામ ના સરપંચ દ્વારા હીરો અને તેના દ્વારા કરાતી સજીવ ખેતી તેમ જ હીરો દ્વારા અન્ય ખેડૂતોને કરાતા સજીવ ખેતીના પ્રચાર નો વિરોધ કરાય છે. પણ, અંતે સરપંચને સત્ય સમજાય છે અને આખું ગામ સજીવ ખેતી તરફ વળે છે. ફિલ્મના ડાયરેકટર સન્ની કહે છે હું અમદાવાદ નો છું, મેટ્રો સીટી માં રહ્યો છું, મારે મન મોલ ની અંદર એક ઓર્ગેનિક ફૂડ વેંચાય એટલી જ સમજ હતી. પણ, હું સૌ શહેર માં રહેનારાઓ ને પણ અપીલ કરું છું કે, એકવાર તમે આ ફિલ્મ અચૂક જોજો જેથી આપણા રસોડામાં આપણે શું રાંધી રહ્યા છીએ તેનો ખ્યાલ આવે. આ જ વાતને આગળ વધારતાં મનોજ સોલંકી કહે છે કે, જો લોકો જાગૃત બનીને સામે થી ઓર્ગેનિક ફૂડ ની ડિમાન્ડ કરશે તો આપણી જૂની ખેતીની પરંપરા ફરી જીવંત થશે અને ખેડૂતો સજીવ ખેતી અપનાવશે. ફિલ્મ ના હીરો રાધે વરૂ કહે છે કે આપણે ઓર્ગેનિક ટમેટા માટે પાંચ, દસ રૂપિયા વધુ આપવામાં આનાકાની કરીએ છીએ પણ ટમેટા સોસ ખરીદવા સો, દોઢસો રૂપિયા ખર્ચી નાખીએ છીએ પણ હવે મારા જેવા યુવાનોએ પણ એ જાગૃતિ દર્શાવવી પડશે કે આપણે જે કંઇ ફૂડ આઈટમ ખરીદીએ તે હેલ્ધી છે કે નહીં? ફિલ્મ નો હેતુ મનોરંજન કે પૈસા કમાવવાનો નો નથી એ વાત ને દોહરાવતા મનોજ સોલંકી કહે છે કે આ ફિલ્મની જે આવક થશે તેનું ફંડ રિઝર્વ રાખીને આ ફિલ્મ પછી ગાય તેમ જ અન્ય આવી જ સંદેશ આપતી અન્ય વિષયો આધારિત ફિલ્મ બનાવીશું. ફિલ્મનો હેતુ ખેતી ના વ્યવસાયને સ્ટેટ્સ મળે તે પણ છે, આજે સમાજમાં નોકરી અને વ્યાપારની અપેક્ષાએ ખેતી નું એટલું સ્ટેટ્સ નથી એટલે યુવા વર્ગ ખેતી ને પસંદ કરતો નથી. અમારો અનુભવ કહે છે કે, ખેતી એ એક સમૃદ્ધ વ્યવસાય છે. અભિગમ બદલીને ખેતી તેમ જ ખેત પેદાશોનું માર્કેટિંગ કરવાની જરૂરત છે. આજે ગૌ મૂત્ર અને તેની અન્ય પ્રોડક્ટસ વેંચાય છે,લોકો હોંશે હોંશે ખરીદે છે.

અંગ્રેજી સબ ટાઇટલ સાથે વિશ્વના ૨૨ દેશોમાં રિલીઝ કરવાની પણ તૈયારી

સેન્સર બોર્ડ નું સૌથી શ્રેષ્ઠ ગણાતું ‘યુ’ સર્ટિફેંકેટ મેળવનાર ‘જાગ્યા ત્યારથી સવાર’ ફિલ્મ દેશની સ્થાનિક ભાષાઓ માં સબ ટાઇટલ સાથે અન્ય રાજ્યો માં તો અંગ્રેજી સબ ટાઇટલ સાથે વિશ્વના ૨૨ જેટલા દેશોમાં રિલીઝ કરવાની મનોજ સોલંકી ની ઇચ્છા છે. કારણકે, ગ્લોબલ વોર્મિંગ અને પર્યાવરણ એ વૈશ્વિક સમસ્યા છે,ત્યારે વિશ્વમાં હજારો વર્ષ પહેલાં સજીવ ખેતી ની પરંપરા ધરાવતો આપણો દેશ ભારત હતો, એ સજીવ ખેતીની પરંપરા વિશ્વના અન્ય દેશોના ખેડૂતો અપનાવે અને યુરિયા જેવા રાસાયણિક ખાતર નો વપરાશ ખેતી મા બંધ કરે. સમગ્ર ફિલ્મનું શુટીંગ કુકમા(ભુજ) પાસે આવેલા રામકૃષ્ણ ફાર્મ માં થયું છે.કલાકારોમા હીરો રાધે વરૂ, હીરોઇન કંવલજીત ટફ, વિલન તરીકે પ્રકાશ શુક્લ મુખ્ય ભૂમિકા માં છે. ફિલ્મનું વિચારબીજ મનોજ સોલંકીનું અને તેના ઉપરથી સ્ટોરી સુનિલ માંકડ અને દીપ ધોળકીયાએ લખી છે. તારીખ ૨૮ સપ્ટેમ્બર થી ગુજરાત ના ત્રીસ થી પણ વધુ શહેરો મા ‘જાગ્યા ત્યારથી સવાર’ ફિલ્મ રિલીઝ થશે. ફિલ્મ જોયા પછી હવે આપણે નક્કી કરવાનું છે કે આપણે જાગશું કે નહીં?