રાજ્યની સાથે આજે કચ્છભરમાં તલાટીઓ એ માસ સીએલ ફરજીયાત સામુહિક રજા ઉપર ઉતરીને પોતાની કામગીરી થી અળગા રહ્યા હતા. કચ્છ જિલ્લા તલાટી મંડળ ના પ્રમુખ રાજુભા જાડેજા એ ન્યૂઝ4કચ્છ સાથે કરેલી વાતચીત માં જણાવ્યું હતું કે કચ્છના તમામ તલાટીઓએ આજે સામુહિક રીતે રજા રાખી હોઈ કચ્છની ૬૩૫ જેટલી તમામ ગ્રામ પંચાયતોની કામગીરી ઠપ્પ થઈ ગઈ હતી. તેમની માંગણીઓ સંદર્ભે રાજુભા જાડેજાએ આપેલી માહીતી અનુસાર મહેસુલી તલાટીઓ ની અપેક્ષાએ અન્યાય,ગ્રેડ પે,પડતર પ્રશ્નો ઉકેલવા રાજ્યભરના તલાટીઓ ની માંગ છે.
જિલ્લા પંચાયત હસ્તક કામ કરતા ગ્રામ પંચાયત ના અને શહેરી વિસ્તારના સીમ તેમ જ શહેર તલાટીઓ ને મહેસુલી તલાટીઓ ની સરખામણીએ સતત અન્યાય કરાય છે. જિલ્લા અને તાલુકા કક્ષાએ ફરજ બજાવતા મહેસુલી તલાટીઓને ગ્રામ પંચાયત મા ફરજ બજાવવાનો સરકારી આદેશનો જોબ ચાર્ટ હોવા છતાંયે તેઓ ગ્રામ પંચાયત મા ફરજ બજાવતા નથી. મહેસુલી તલાટીઓ ના જોબચાર્ટના કામો નો આગ્રહ પંચાયત તલાટીઓ પાસે થી રખાય છે. સરકારે ૪૧૯૯ મહેસુલી કર્મચારીઓને ફરી વાર તા/૧૨/૯/૧૭ થી પ્રતિ નિયુક્તિ ઉપર મુક્યા છે. પણ, તેની સામે તેઓ કોર્ટ મા ગયા છે. તેમને ૪૪૦૦ નો ઉચ્ચતમ પગાર ગ્રેડ મળે છે છતાં ગ્રામ પંચાયત કક્ષાએ મહેસુલી તલાટીઓનું કામનું વધારાનું ભારણ અને બોજો પંચાયતી તલાટીઓએ જ વેઠવો પડે છે. મહેસુલી તલાટીઓ ને નાયબ મામલતદાર તરીકે બઢતી મળી શકે છે પણ તેમના જ સંવર્ગ મા આવતા એક જ ગ્રેડ ના પંચાયતી તલાટીઓ ને વર્ષો સુધી બઢતી મળતી નથી અને જ્યારે વર્ષો પછી બઢતી મળે છે ત્યારે પંચાયત વિસ્તરણ અધિકારી તરીકે મળે છે. જે મા પણ અન્યાય થાય છે. તેને બદલે સરકારે વિસ્તરણ અધિકારી ઉપરાંત તેની સમકક્ષ જગ્યાઓએ સમાન પે સ્કેલ સાથે સહકાર, આંકડા, નાયબ ચિટનીશ તરીકે પંચાયતી તલાટીઓને બઢતી આપી વર્ષો પછી ની નોકરી બાદ બઢતી ની તકોને વ્યાપક બનાવવી જોઈએ. ૨૦૦૬ ના ફિક્સ પગાર ના તલાટીઓને ગ્રેડ નો લાભ અપાય છે તે જ રીતે ૨૦૦૪ ના ફિક્સ પગાર મા જોડાયેલા તલાટીઓને ગ્રેડ નો લાભ આપવા માંગણી કરાઈ છે. જેથી તેમના પેન્શન ના અને અન્ય હક્કો જળવાઈ રહે.
પોતાની માંગણીઓ અને પડતર પ્રશ્નો તરફ સરકારનું ધ્યાન ખેંચવા અને ઉકેલવા માટે આ વખતે પંચાયતી કર્મચારીઓ મક્કમ છે.