જિલ્લા કલેકટર શ્રીમતી રેમ્યા મોહનના અધ્યક્ષપદે ભુજ ખાતે આજે યોજાયેલી જિલ્લા અછત સમિતિની બેઠકમાં આગામી સમયમાં કચ્છમાં પાણીની તંગીનું પાણી પુરવઠા વિભાગ દ્વારા કન્ટીન્ટ માસ્ટર પ્લાન સાથે આગોતરૂ આયોજનનું સુચારૂ અમલીકરણ ગોઠવવા અને ઘાસચારા વાવેતરને પ્રોત્સાહન આપવા પર ભાર મૂકાયો હતો. કલેકટરે અછત સમિતિના સભ્યોને બન્નીમાં કેટલ કેમ્પ મંજૂરી અપાયાની સાથે કામગીરી આરંભાઈ ગઇ હોવાનું જણાવી ઢોરવાડા ખોલવાની આનુષાંગિક પ્રક્રિયા સંદર્ભે, શરતો, ટેગીંગ, વગેરે બાબતે અવગત કર્યાં હતા અને ખોટું થતું અટકાવવા સૌને સહયોગી થવા જણાવ્યું હતુ. સ્વૈછીક સંસ્થાના પ્રતિનિધિઓએ કેટલ કેમ્પ બાબતે કેટલાંક વ્યવહારૂ સૂચનો પણ કર્યાં હતા.
વન વિભાગને પણ રખાલો અને પાણીની ઉપલબ્ધી સહિત ઘાસચારા વાવેતરનું સમગ્ર જિલ્લામાં વિગતવાર હકીકત રજૂ કરવાના કલેકટરના સુચનને પગલે કંથકોટ, ફતેહગઢ વિસ્તારમાં આ અંગેની કામગીરી ચાલુ હોવાની સાથે રાજડા રખાલમાં બોરના પાણી ક્ષારયુકત હોવાનું વન વિભાગે જણાવ્યું હતું. માંડવી રખાલ ખાતે દસ હેકટરમાં ઘાસચારા વાવેતર કરી શકાય કે કેમ તેનો અહેવાલ આપવા વન વિભાગને નિર્દેશ કરાયો હતો. તો, નરા ડેમ વિસ્તારમાં વાવેતર પ્રગતિમાં હોવાની સાથે ઘાસચારાનું વૈકલ્પિક સ્ત્રોતો દ્વારા ભારણ ઘટાડવા, સ્થાનિકે વાવેતર વધારવાના શ્રેણીબધ્ધ આયોજનની સાથે લેવાઇ રહેલાં વિવિધ પગલાં સહિત કંપનીના સીએસઆર દ્વારા ઘાસ-પાણી માટે પ્રશ્ને પ્રાંત લેવલે સંકલન ઉપર ભાર મૂકાયો હતો.
અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ કેટલ કેમ્પમાં છાંયડાની સુવિધા સંદર્ભે, કુવા રીચાર્જ કરવા, રખડતાં ઢોરો માટે ચારાની ચિંતા જતાવી હતી.પાંજરાપોળો આમંત્રિત સભ્ય અને જિલ્લા પંચાયતના પૂર્વાધ્યક્ષ જીવાભાઈ આહિરે સરકાર અને સંસ્થા દ્વારા ઘાસચારો વાવવા મકાઇ તથા બિયારણની વિગતો જાણવા માંગી હતી. ઘાસ નિયમિત ફાળવવા સહિત સબસીડીનું ધોરણ વધારવા, ખેડૂતોને પાક ફસલ વીમા ચુકવવા સમિતિને ભલામણ કરી હતી.
અધિક કલેકટરશ્રી ઝાલાએ સરહદ ડેરીના ચેરમેનની ગત બેઠકની રજૂઆત સંદર્ભે ચાંદ્રાણીમાં ઘાસડેપાની મંજૂરી આપી હોવા તેમજ પૂર્વ રાજયમંત્રી તારાચંદભાઈ છેડાની ગત બેઠકમાં મુંદ્રામાં ઘાસ વિતરણ અંગે રજૂઆત અનુસંધાને રોટેશનમાં ઘાસ વિતરણ શરૂ કરાયું હોવાની અને ગૌશાળાના પ્રતિનિધિ ભરતભાઈ સોંદરવાના સબસીડીના ચૂકવણા સંદર્ભે ગ્રાંટ ફાળવાઇ ગઇ હોવાનું અને રૂ. ૫.૫૦ કરોડ સબસીડીનું ચૂકવણું થયાંનું જણાવાયું હતું.
માલધારી પ્રતિનિધિ મીયાં હુસેન મુતવા, પાંજરાપોળના પ્રતિનિધિ નવીનભાઈ મોરબીયા વગેરે સભ્યોએ ઉપસ્થિત રહી અછત સમિતિની ચર્ચામાં ભાગ લીધો હતો.
બેઠકમાં મુંદરા પ્રાંત અવિનાશ વસ્તાણી, અબડાસા પ્રાંત ડી.એ. ઝાલા, નાયબ ડીડીઓ અશોકભાઈ વાણીયા, પશુપાલન વિભાગના ડો. બ્રહ્મક્ષત્રિય, પાણી પુરવઠા વિભાગના પી.એ.સોલંકી, સિંચાઇના વિભાગ અધિક્ષક ઇજનેર શ્રી કોટવાલ, અરૂણ જૈન વન વિભાગના શ્રી જાવેદ,શ્રી વિહોલ તેમજ પીજીવીસીએલ અધિક્ષક ઇજનેરશ્રી જોષી તેમજ ખેતીવાડી અને સલગ્ન વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
બેઠક માં પ્રજાકીય પ્રતિનિધિઓ ક્યાં?
અછતની બુમરાણ વચ્ચે આજની અછતની બેઠક માં તેમ જ સંકલન સમિતિની બેઠકમાં ધારાસભ્યો પૈકી એક માત્ર ધારાસભ્ય પ્રદ્યુમ્નસિંહ જાડેજા જ હાજર રહ્યા હતા. રાપરના ધારાસભ્ય સંતોકબેન પટેલ, ભુજ ના ધારાસભ્ય ડો. નીમાબેન આચાર્ય, ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, માંડવીના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા ગેરહાજર રહ્યા હતા. જોકે, અત્યારે સૌથી વધુ મુશ્કેલી ઘાસ ના જથ્થા ની છે. પશુપાલકો ઈચ્છે છે કે પ્રજાના પ્રતિનિધિઓ તંત્ર અને રાજ્ય સરકાર વચ્ચે ઘાસચારા ના જથ્થા ની મુશ્કેલ પરિસ્થિતિ માં કડીરૂપ બને. અછતની બેઠકનો હેતુ એજ છે કે તેમાં રજૂ થતાં પ્રશ્નો અને સમસ્યાઓથી નેતાઓ વાકેફ થાય. જોકે, વર્તમાન અછતની પરિસ્થિતિ માં જ્યારે ખુદ મુખ્યમંત્રી જાતે બબ્બે વખત ગાંધીનગર થી ભુજ આવીને બેઠક કરતા હોય ત્યારે સ્થાનિક પ્રજાકીય પ્રતિનિધિઓ આ અછતની બેઠકનું મહત્વ સમજે તે અત્યારના સમયની જરૂરિયાત છે. લાગે છે કે, અછત માટે અધિકારીઓ સજ્જ છે પણ, નેતાઓ ઉદાસીન!!