૮ મી માર્ચ ૨૦૧૯ નો દિવસ કચ્છના ઇતિહાસમાં ગ્રામીણ મહિલાઓની વિશિષ્ટ સિદ્ધિ માટે સુવર્ણ અક્ષરે લખાશે. જોકે, આ સિદ્ધિ એક નહીં પણ અનેક ક્ષેત્રે વિશિષ્ટ બની રહેશે. સહેજ વિસ્તૃત જાણકારી સાથે વધુ વાત કરીએ તે પહેલાં એ જાણી લઈએ કે આ સિદ્ધિ વિશ્વ મહિલા આંતરરાષ્ટ્રીય દિવસે કચ્છી ગ્રામીણ મહિલાઓને ક્રાફટ (હસ્તકલા) ના ઉત્પાદન અને વ્યાપાર ક્ષેત્રમાં શ્રેષ્ઠ પ્રદર્શન માટે મળી છે. બંધારણીય રીતે દેશના સર્વોચ્ચ વડા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કચ્છની ગ્રામીણ મહિલાઓની આ સિદ્ધિને નારી શક્તિ પુરસ્કાર દ્વારા સન્માનિત કરી હતી. મહિલા આંતરરાષ્ટ્રીય દિવસ પ્રસંગે નવી દિલ્હી માં રાષ્ટ્રપતિ ભવન મધ્યે કસબ-કચ્છ ક્રાફ્ટસ વુમન પ્રોડ્યુસર કંપની લીમીટેડ ને મહિલા સશક્તિકરણ ના ક્ષેત્ર માં વિશિષ્ટ યોગદાન બદલ વર્ષ ૨૦૧૮ માટેનો નારી શક્તિ પુરસ્કાર ભારત ના રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ દ્વારા મેઘુબેન બુધા રબારીને (ડાયરેક્ટર કસબ-કચ્છ ક્રાફ્ટસ વુમન પ્રોડ્યુસર કંપની લીમીટેડ ) અર્પણ કરાયો હતો. મેઘુબેન રબારીએ જે કંપની વતી એવોર્ડ સ્વીકાર્યો એ કંપની કચ્છી હસ્તકલાના કસબની છે. હસ્તકલાના આ કસબને કચ્છની આ ગ્રામીણ મહિલાઓની કંપનીએ ‘સોઈ-દોરા’ ના માધ્યમ થી જીવંત રાખ્યો છે. અત્યારે ૧૨૦૦ મહિલા કારીગરોની સદસ્યતા ધરાવતી આ કંપની કસબ ની શરૂઆત 1997 માં કારીગર બહેનો સંગઠિત રીતે સ્વવિકાસ ની સાથે સાથે સામાજિક-આર્થિક વિકાસ ના વિકલ્પો શોધી શકે તે હેતુ અંતર્ગત કરાઈ હતી. જેનો ઉદેશ્ય કચ્છ ની પરંપરાગત કળા કારીગીરી ની જાળવણીની જવાબદારી એક સંગઠન તરીકે સયુંકત રીતે લેવાતી થાય એ માટે થઈ હતી. આજે કસબ એક કચ્છ ની મહિલા કારીગરો ની સંપૂર્ણ માલિકી ધરાવતી સામાજિક સાંસ્કૃતિક સંસ્થા છે. જે એક ઉત્પાદક કંપની તરીકે કામ કરે છે, જેમાં ૧૧ અલગ અલગ પરંપરાગત સમુદાયોના ૧૨૦૦ જેટલા કારીગરો જોડાયેલા છે. સોઈ દોરા વડે પોતાની અલગ અલગ ભાતની હસ્તકલાને જીવંત રાખનાર આ કસબીઓની કંપનીનું કાર્યક્ષેત્ર કચ્છ ના ૬૨ જેટલા આંતરીયાળ ગામો માં વિસ્તરેલું છે.
કસબે ખરા અર્થ માં ગ્રામીણ કારીગરો ની ક્ષમતા અને તેમની પરંપરાગત કળા-કારીગરીને વિકસાવી છે. સોઈ દોરાના માધ્યમથી રચાતી કચ્છની હસ્તકલાને નવું બજાર મળે તે માટે માર્કેટિંગનું નેટવર્ક ગોઠવ્યું છે અને આ નેટવર્ક સાથે કચ્છની ગ્રામીણ મહિલાઓ ને જોડી તેમને આર્થિક પગભર બનાવીને સ્વતંત્ર નિર્ણયો લેતી કરી છે. ૧૨૦૦ મહિલાઓના આ સંગઠને તેમની સાથે જોડાયેલી મહિલાઓને રોજગારી આપવાની સાથે તેમણે સામુહિક રીતે સંગઠિત થઈને આર્થિક, રાજકીય, સામાજિક અને સાંસ્કૃતિક નેતૃત્વ લેવાની સક્ષમતા આપી છે.
નરેન્દ્ર મોદી અને મેનકા ગાંધી સાથે કચ્છી ગ્રામીણ મહિલાઓનું ફોટો સેશન
કચ્છની ગ્રામીણ મહિલાઓના આ સંગઠન સાથે કાછી-ઢેબરીયા રબારી, સોઢા-રાજપૂત, મુતવા, હરિજન-મેઘવાળ, દાણેતા જત, સિંધી-મેમણ, નોડે, આહીરની મહિલાઓ સોઈ દોરા વડે તેમના પરંપરાગત હસ્તકલાની વિવિધ વેરાયટીઓના વસ્ત્રો અને અન્ય ચીજ વસ્તુઓ બનાવે છે. આ કલાકારો જાતે જ તેમના દ્વારા બનાવાયેલ ચીજ વસ્તુઓ ભાવ બજારને ધ્યાનમાં લઈને નક્કી કરે છે અને તેનું માર્કેટમાં વેંચાણ કરે છે. ચીજ વસ્તુઓના વેંચાણમાં થી થતી આવક સીધી જ કારીગરોને મળે છે. વધારાની આવક કસબના વિકાસ માટે અલગ રાખવામાં આવે છે. ફેડરેશન ઓફ ગુજરાત ઇન્ડસ્ટ્રીઝ દ્વારા પણ ગત વર્ષે ૨૦૧૮ માં કસબનું તેના દ્વારા થઈ રહેલા કાર્ય માટે સન્માન કરાઈ ચૂક્યું છે. નારી શક્તિ એવોર્ડ મેળવ્યા બાદ કચ્છી મહિલાઓ બીજા દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવા ગઈ હતી. અહીં કેન્દ્રીય મહિલા અને બાળ કલ્યાણ મંત્રી મેનકા ગાંધી સાથે રહ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોઈ દોરાના ‘કસબ’ દ્વારા મહિલાઓની ક્રાફટ કંપનીએ મેળવેલ સિદ્ધિ બદલ કચ્છની આ ગ્રામીણ મહિલાઓ ની કામગીરીને બિરદાવી ને અન્ય મહિલાઓ માટે પ્રેરણારૂપ ગણાવી હતી. મેનકા ગાંધીએ પણ વર્તમાન સમયમાં દરેક ક્ષેત્રે આગળ વધી રહેલી મહિલાઓ સાથે કચ્છની ગ્રામીણ મહિલાઓ એ મેળવેલ કદમ ની સરાહના કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમ જ કેન્દ્રીય મંત્રી મેનકા ગાંધીએ કચ્છી મહિલાઓ સાથે ફોટો સેશન પણ કર્યું હતું.