જિંદગી અને મોત ભલેને ઉપર વાળાના હાથમાં હોય પણ એ બન્ને વચ્ચેનો જંગ ઘણીવાર અગ્નિપથ જેવો બની જાય છે તેમાંયે જ્યારે અનેક શારીરિક મુશ્કેલીઓ અનુભવતી હોય એક પ્રસૂતા માતા જ્યારે જિંદગીનો જંગ લડતી હોય ત્યારે તબીબો સામે સૌથી મોટો પડકાર આવનાર નવજાત શિશુની સાથે એક માતા એમ બબ્બે જિદગીઓ બચાવવાનો પડકાર હોય છે અંજારના નસીમબાનુના કેસમાં પણ એવું જ હતું ૨૬ વર્ષીય નસીમબાનુને પ્રસવ પીડા દરમ્યાન અંજારના સામુહિક આરોગ્ય કેન્દ્ર માંથી ભુજ રીફર કરાયા હતા ભુજની અદાણી જીકે જનરલ હોસ્પિટલમાં નસીમબાનુને દાખલ કરાયા ત્યારે તેમના બ્લડ પ્રેશર હાઈ હતા ફેફસામાં પાણી ભરાયું હતું આવી કઠિન શારીરિક મુશ્કેલી વચ્ચે સૌથી મોટી ચિંતા હતી તેમના અનિયમિત શ્વાસો શ્વાસની !! પણ, એસોસીએટેડ પ્રોફેસર ડો. ગિરિજા બેલાડ અને સીનીયર રેસિડેન્ટ ડો. અકસા ખત્રીએ ધીરજપૂર્વક નસીમબાનુની સારવાર શરૂ કરી તેમને શ્વાસ માટે મદદરૂપ બનનાર સી-પેપ મશીન ઉપર રખાયા જોકે, તબીબોને ક્યાં ખબર હતી કે, નસીમબાનુના નસીબમાં હજીયે શારીરિક મુશ્કેલીઓની ભરમાર આવવાની છે? શ્વાસ માટેના મશીનની સારવાર વચ્ચે ત્રણ કલાક થયા અને ખાંસી શરૂ થઈ એટલે બીજા ઉપાય તરીકે ફેફસામાં નળી નાખી કૃત્રિમ શ્વાસો શ્વાસ આપવાનું શરૂ કરાયું પણ, અહીં વધુ એક મુશ્કેલી આવી, ફેફસાની નળી માંથી પાણી નીકળવા લાગ્યું અને પ્રસવ પીડા બંધ થઈ ગઈ હવે, તબીબો માટે સૌથી મોટી ચેલેન્જ હતી, સિઝેરિયન દ્વારા ઝડપ થી પ્રસુતિ કરાવાય તો નવજાત શિશુ તેમ જ માતાનો જીવ બચાવી શકાય એટલે સિઝેરિયન માટે દર્દીને ઓપરેશન ટેબલ ઉપર લીધા પણ ત્યાંજ ખ્યાલ આવ્યો તેમની પલ્સના ધબકારા અટકી ગયા છે એટલે, પ્રસૂતા માતાનો જીવ બચાવવા તાત્કાલિક એનેસ્થેટિક સર્જનને બોલાવીને દર્દીને સીપીઆર સિસ્ટમ ઉપર રખાયા. પણ, અહીં અત્યાર સુધીની સારવાર દરમ્યાન તબીબોની કસોટી કરે તેવો મોટો પડકાર હતો, સીપીઆર સિસ્ટમના કારણે ગર્ભવતી માતાને ખૂબ મુશ્કેલી થાય છે એટલે, એકદમ ઝડપભેર માત્ર ગણત્રીની મિનિટોમાં જ સિઝેરિયન દ્વારા પ્રસૂતિની પ્રક્રિયા પાર પાડવી તબીબોએ એ કામ સમયબદ્ધ રીતે પાર પાડ્યું અને પ્રસૂતા માતાએ નવજાત શિશુને જન્મ આપ્યો ચીફ મેડિકલ સુપ્રી. ડો. ભાદરકાના માર્ગદર્શન હેઠળ હાથ ધરાયેલ આ ઓપરેશન દરમ્યાન હાઈ બીપીને કારણે માતાના ગર્ભના ભરાયેલા પાણીને પણ દૂર કરવામાં આવ્યું મુશ્કેલીઓના વાદળ જેવા હટતા ગયા તેમ તબીબોની મહેનતને નસીબ પણ સાથ આપતું ગયું અને સીપીઆર મશીન બરાબર સપોર્ટ કરતું થઈ ગયું જોકે, એ મહિલા દર્દીના ફેફસામાં હજીયે પાણી ભરાયેલું હોઈ તેમને આઇસીયુ માં દાખલ કરી નળી વાટે ફેફસા માંથી પાણી બહાર કાઢવામાં આવ્યું ધીરે ધીરે તમામ મુશ્કેલીઓ દૂર થતી ગઈ અને હવે માતા અને નવજાત શિશુ બન્ને બરાબર છે આ મહિલાની સારવારમાં એનેસ્થેટિક સર્જન ડો. રામનંદન પ્રસાદ, એસો. પ્રોફેસર ડો. પૂજા કુમકીયા, થર્ડ ઈયર રેસી.ડો. ઉર્વાગી ઠકકર, સેકન્ડ ઈયર રેસી. ડો. વિનોદ મકવાણા જોડાયા હતા આમ, એક પ્રસૂતા માતાની સારવાર માં કુલ ૭ ડોકટરો અદ્ધર રહ્યા હતા અને બબ્બે માનવ જિંદગીઓ બચાવવામાં સફળ રહ્યા હતા.
અદાણી આ કામ કરી શકે છે
ભુજની અદાણી જી.કે.જનરલ હોસ્પિટલ મોટેભાગે સારવારના મુદ્દે વિવાદમાં વધુ રહે છે, ત્યારે આવા કિસ્સાઓ પછી લોકોની અપેક્ષા એ જ રહે છે કે, અદાણી જેવા દેશના મોટા ઉદ્યોગગૃહ દ્વારા દરેક દર્દીઓની શક્ય એટલી શ્રેષ્ઠ સારવાર થાય આ કામ કદાચ અશક્ય હશે, પણ મુશ્કેલ નથી કારણકે, અદાણીએ શૂન્યમાંથી વિરાટ ઔધોગિક સામ્રાજ્યનું સર્જન કરીને કચ્છના ઔદ્યોગિક વિકાસની કાયાપલટ કરી નાખી છે હવે આવું જ કામ તબીબી ક્ષેત્રે સેવાકીય ભાવના સાથે કરવાનું છે.