કચ્છમાં કોરોનાના કેસો ઘટી રહ્યા છે. અઠવાડિયામાં તેની સંખ્યામાં ખાસોએવો ઘટાડો થયો છે. તેમાય અંતિમ ચાર દિવસમાં આંક ૫૦ની અંદર આવી ગયો છે. અદાણી સંચાલિત જી.કે.જનરલ હોસ્પિટલમાં પૂરતું ઓક્સિજન છે. બેડ ઉપલબ્ધ છે. વાતાવરણમાં પણ જે ગમગીનીભર્યો માહોલ હતો એ પણ ઓસરી ગયો છે. પરંતુ, એનો અર્થ એવો નથી કે, કોરોના ગયો છે. કેસોની સંખ્યા ભલે ઘટી પણ સાવચેતીના સિગ્નલ અદાણી સંચાલિત જી.કે.જનરલ હોસ્પિટલના તબીબો અને પ્રાધ્યાપકોએ આપ્યા છે. હોસ્પિટલના મેડિસિન વિભાગના તબીબ ડો. યેશા ચૌહાણે કહ્યું કે, ત્રીજી લહેરની સંભાવના વચ્ચે એ લહેર આપના કચ્છમાં ન આવે તે માટે સંયમ જાળવીને માસ્ક પહેરી રાખવા જરૂરી છે. તો જ તેને નાથી શકાશે. કોરોનાની ત્રીજી લહેરને નાથવાનો એવો જ સૂર વ્યક્ત કરતાં મેડિસિન વિભાગના તબીબો ડો.ચંદન ચુડાસમા તથા ડો. જેન્તી સથવારાએ કહ્યું કે, ત્રીજી લહેરનો આધાર આપણે કેટલી જવાબદારીથી વર્તીએ છીએ તેના ઉપર આધારિત છે. અદાણી મેડિકલ કોલેજના ચેપી રોગ વિભાગના એસો.પ્રો. અને ડો. વાસુદેવ રોકડેએ જણાવ્યુ હતું કે, હજુ રસીકરણે વેગ નથી પકડયો, તેવામાં જૂનમાં ઢીલાશ બતાવીશુ તો બાકીના સમયગાળામાં ભારે પડી શકે છે. માટે મહત્તમ રસીકરણ, માસ્ક પહેરવું, સોશિયલ ડીસ્ટેન્સિંગ જાળવવું, તથા વિવિધ પદ્ધતિ મુજબ જીવનશૈલી અપનાવી રોગપ્રતિકારક શક્તિ વધારવી એ જ ઉકેલ છે. હોસ્પિટલના ચીફ મેડિકલ સુપ્રિ.અને ઇ.એન.ટી. વિભાગના વડા ડો. નરેન્દ્ર હીરાણીએ કોરોનાનો પ્રભાવ ઘટાડવા કચ્છીઓને વિનંતી કરતાં કહ્યું કે, કોરોનાના લક્ષણો જણાય તો ટેસ્ટિંગ કરાવો, કોરોનાના કેસ ઘટ્યા એનો મતલબ એ નથી કે, કોરોના નહીં થાય. માસ્કને અભિન્ન અંગ તરીકે અપનાવો. જો કે, તેમણે કહ્યું કે, સંભવિત ૩જી લહેરના સામના માટે આપણે સૌ સુસજ્જ થઈએ એ સમયની માંગ છે. હોસ્પિટલ મેનેજમેંટ, તબીબી કુનેહ જેટલી જ મહત્વની શાખા છે. એવું જણાવી અધિક મેડી. સુપ્રિ. અને જી.કે.ના મનોચિકિત્સક વિભાગના વડા પ્રો.ડો.મહેશ ટીલવાનીએ માનસશાસ્ત્ર દ્રષ્ટિએ કહ્યું કે, સ્વયંશિસ્ત લુપ્ત થાય તે સાથે જ કોરોના ઉપાડો લે છે. કોરોનાના કારણે અનેક લોકો,તેમના ઘર, સામાજિક સંગઠનો પ્રભાવિત થયા હોવાથી કોરોનાની વાસ્તવિક ચિંતા સાથે જાગતા રહેવાની હાકલ કરી હતી.