કચ્છની લિગ્નાઇટ ખાણ એકાએક બંધ કરવાનો મુદ્દો હોય, જમીનને લગતા પ્રશ્નો હોય, કચ્છમાં થતી ખનીજ ચોરી હોય કે પછી, ભુજની એક માત્ર સરકારી હોસ્પિટલ ખાનગી ઉદ્યોગગૃહને સોંપી દેવાનો મામલો હોય ,નર્મદાના પાણીની વાત હોય કે, અછત જાહેર કરવાની હોય,કચ્છની કોલેજોમાં અધ્યાપકોની ખાલી જગ્યાઓ હોય દરેક વખતે કચ્છને થતા અન્યાય સામે સરકાર પાસે અવાજ ઉઠાવવામાં કચ્છના ભાજપના નેતાઓ તેમની સરકાર હોવા છતાંયે હમેંશા મૌન જ રહ્યા છે, અને રજુઆત કરી હોય, તો તે પણ બિનઅસરકાર રહી છે. પરંતુ આજે વાત કરવી છે. કચ્છના એ ગોઝારા અકસ્માતની અને તેમાં મૃત્યુ સહાય ના મુદ્દે કચ્છને થયેલા અન્યાયની. આમતો, કોઇના મોત પર ટીપ્પણી કે વિવાદ કરવો એ યોગ્ય ન ગણાય પરંતુ વિવાદ અને વિરોધ વગર પણ સત્ય રજુ કરાય તેજ કદાચ સાચો પત્રકાર ધર્મ ગણાય એવુ માની અને આજે આ લખવુ પડે છે,કે એવો શું તફાવત સરકારે જોયો કે કચ્છમાં અકસ્માતે મૃત્યુ પામેલા લોકોને સરકાર તરફ થી ૧ લાખ રૂપિયા સહાયની જાહેરાત કરી. જ્યારે આવા જ ગોઝારા અક્સ્માતો ભાવનગર અને કચ્છના લોરીયા નજીક પણ સર્જાયા હતા જેમાં સરકારે ૪ લાખ રૂપીયા સહાય દરેક મૃત્યુ પામનારના પરિવારજનોને આપી !?? કચ્છમાં મૃત્યુ પામેલા એ દરેક ૧૫ લોકો અને તેમના પરિવાર તરફથી કોઈ સહાયની માંગ કરાઈ નહોતી.પરંતુ, ભચાઉ ના કોંગ્રેસી નેતા ભરત ઠક્કરે શિકરાના મૃતકોને સહાય આપવા માંગ કરી હતી. જો કે, અકસ્માતના ઘણા દિવસ બાદ ૭ મી તારીખે કચ્છ આવેલા મુખ્યમંત્રી વિજય રૂપાણીને ધારાસભ્ય અને સાંસદ દ્વારા ધ્યાન દોરાયા બાદ મુખ્યમંત્રીએ કચ્છની બોર્ડર પરથી મૃત્યુ સહાય ની ઘોષણા કરી. જેમાં શિકરા અને ખેડોઇ નજીક અકસ્માતમાં મૃત્યુ પામેલા એ ૧૫ લોકોના પરિવારને મૃત્યુ પામનાર દિઠ ૧ લાખ ની સહાયની જાહેરાત કરી.
જાણો કેવી રીતે કચ્છને થયો અન્યાય અને કચ્છના નેતાઓ કેમ છે ચૂપ??
આમતો અકસ્માતની એ તમામ ઘટના અને તેમા મૃત્યુ પામેલા લોકો પ્રત્યે અમારી સંવેદના છે અને દરેક આવી ઘટના દુખદ હોય છે. પરંતુ જ્યારે વાત અકસ્માત સહાયની જ છે તો પછી શા માટે કચ્છના લોરીયા નજીક અક્સ્માતે મૃત્યુ પામેલા એ ૯ યુવાનોને ૪ લાખ રૂપીયા સહાયની જાહેરાત કરાઇ, શું એ મૃતકો મુખ્યમંત્રીના રાજકોટ વિસ્તારના હતા એટલા માટે ? એ જ રીતે ભાવનગર નજીક સર્જાયેલા ગમ્ખવાર અકસ્માતમાં મૃત્યુ પામેલા એ ૩૨ થી વધુ લોકોને ૪ લાખની સહાયની જાહેરાત મુખ્યમંત્રી દ્વારા કરાઇ ? અહીં ફરી એકવાર એ સ્પષ્ટતા કરીએ છીએ કે વિરોધ એ સહાય અપાઈ તેનો નથી પણ, સહાયની રકમ ની વિસંગતતાનો છે. સરકારની સહાનુભૂતિ અને સંવેદના આવકાર્ય છે, પરંતુ એ દરેક જિલ્લાના નાગરિકો માટે એક સમાન હોવી જોઈએ. અકસ્માતની દુર્ઘટના અને પરિવારના કોઈ પણ વ્યક્તિનું મોત એ દરેક પરિવાર માટે શોક અને આઘાતજનક ઘટના છે.પરંતુ કડવી વાસ્તવિકતા એ છે કે કચ્છમાં મૃત્યુ સહાયની મોડી જાહેરાત અને રકમમાં આટલો તફાવત શા માટે ? જોકે,વધુ દુઃખ એ વાતનું છે કે, કચ્છના કોઇ ચુંટાયેલા પ્રતિનિધિઓએ તે સામે સરકારને સવાલો પણ નથી કર્યા. જેમાં ભાજપ અને કોંગ્રેસના ચુંટાયેલા ધારાસભ્યો અને સાંસદનો પણ સમાવેશ થાય છે. શું કચ્છનુ રાજકીય કદ એટલુ નબળુ છે કે, ગોઝારા અકસ્માતમાં મૃત્યુ પામેલા એ લોકો માટે સરકારના બેવડા વલણ સામે આપણા ચુંટાયેલા પ્રતિનિધિઓ અવાજ પણ ન ઉઠાવી શકે?
ધગધગતો સવાલ..ખમીરવંતા કચ્છને જ દર વખતે અન્યાય કેમ?
કચ્છનો ભુકંપ પછી વિકાસ થયો છે,અને તેમાં સરકારનો પણ ફાળો છે. પરંતુ સરકારની સાથે ભૌગોલીક સ્થિતિને પણ આભારી છે. કેમકે કચ્છમાં બબ્બે બંદરો, દરિયા કિનારો, ફાજલ જમીન અને ખનીજ વિપુલ માત્રામાં આવેલા છે. જેથી વિકાસની સાથે કચ્છ સરકારને ઘણું કમાવી આપે છે. પરંતુ વાત જ્યારે અન્યાયની આવે તો કદાચ કચ્છ જિલ્લો તેમાં સૌથી આગળ હશે!! આપણા કચ્છને થતા અન્યાયનું કારણ કચ્છના ચુંટાયેલા પ્રતિનિધિઓ પણ છે. તેઓ કચ્છની સમસ્યા અને કચ્છને થતા અન્યાય સામે અવાજ ઉઠાવી શકતા નથી. અને તેના પુરાવા હાલમાંજ કચ્છના એક ધારાસભ્યની ઓડીયો ક્લીપ વાયરલ થતા મળ્યા હતા કે ગાંધીનગરમાં કચ્છની રજુઆત સમયે તેમને કેવા જવાબો મળે છે. તેવીજ રીતે જમીન સાથણી ના કિસ્સા માં પણ જીગ્નેશ મેવાણી જેવા ઉભરતા નેતા યશ ખાટી ગયા વર્ષોથી અટકેલી માંગણીઓ સ્થાનિક નેતાઓથી હલ ન થઈ અને જીગ્નેશ મેવાણીએ ચીમકી દ્વારા હલ કરાવી દીધી જો કે આવા અન્યાયોનુ લીસ્ટ લાંબુ છે. જે કચ્છના અન્યાય અસરગ્રસ્ત લોકો બરાબર જાણે છે અને સમજે છે.સત્ય એ પણ છે કે, ભાજપની સાથે જ કોગ્રેસના ધારાસભ્યો પણ કચ્છને થતા અન્યાય માટે એટલાજ જવાબદાર છે. કેમકે વિરોધપક્ષમાં હોવા છંતા તેઓ આવા અન્યાયનો જવાબ કે તેની સામે સવાલો નથી પુછી શકતા કે નથી મજબૂત લડત આપી શકતા આવુ શા માટે ?
સહાય ઓછી આપવી કે વધુ તેનાથી સરકારની સંવેદનાનુ માપદંડ કરવુ એ કદાચ ઉચિત નહી ગણાય. પરંતુ પ્રશ્ન એ ચોક્કસ થાય કે શામાટે સરકાર આવા ગોઝારા અકસ્માતોમાં મૃતકોની સહાયના મુદ્દે બેવડી અને ભેદભરેલી નિતી રાખે છે? કચ્છની તાસીર હમેંશા આપવાની રહી છે, માંગવાની નહી. પરંતુ વાત જ્યારે હક્કની હોય ત્યારે સમાન હક્કનો અધિકાર કચ્છના દરેક નાગરિકને છે. પરંતુ કદાચ એ કચ્છની કમનસીબી છે કે, ઉચ્ચકક્ષાએથી કચ્છને થતા અન્યાય બાબતે પગ ખોડીને ઉભા રહે તેવા નેતા કચ્છને મળ્યા નથી. નહી તો, સરકાર આવી જાહેરાત કરતા પહેલા ચોક્કસ વિચારત. સ્થાનિક મંત્રી, ધારાસભ્યો અને સાંસદને એટલો હક્ક તો છે જ કે તેઓ મુખ્યમંત્રીને એવુ પુછી શકે સાહેબ, આવી ભેદભાવ ભરી નીતિ શા માટે ? અમારા કચ્છને અને કચ્છી માડુઓ ને અન્યાય શા માટે ?