Home Current એક સાથે ૪ નીલગાય પાણીના ઊંડા ટાંકા માં પડી : પછી શું...

એક સાથે ૪ નીલગાય પાણીના ઊંડા ટાંકા માં પડી : પછી શું થયું?જાણો આખી હકીકત..

1973
SHARE
રાપર તાલુકા માં વન્ય પ્રાણીઓ માટે ઉનાળામાં પીવાના પાણીની વ્યવસ્થા વન વિભાગ દ્વારા ઉપલબ્ધ તો કરાઈ છે,પણ તે માત્ર ને માત્ર કાગળ પર છે.. પીવાના પાણી ને કારણે એક સાથે ચાર-ચાર વન્ય જીવ કેવી રીતે મોત ના મો સુધી પહોંચી ગયા તે વાત કરીએ તે પહેલાં જાણીએ રાપર તાલુકામાં કેટલા વન અભ્યારણ છે. દેશમાં એકમાત્ર ઘુડખર ની વસ્તી ધરાવતો રાપર તાલુકો રક્ષિત અભ્યારણ માં આવે છે. અહીં રાપર નોર્મલ ઉતર.. નોર્મલ દક્ષિણ.. આડેસર નોર્મલ રેન્જ..અને અભ્યારણ ની અલાયદી રેન્જ છે, તે ઉપરાંત વિસ્તરણ રેન્જ આવેલ છે. વરસે લાખો રૂપિયાની ગ્રાન્ટ મળે છે, પરંતુ વન્ય પ્રાણીઓનું જતન માત્ર કાગળ પર જ થાય છે,એવી પરિસ્થિતિ છે. હાલ ૪૪ ડિગ્રી ગરમી માં વન્ય પ્રાણીઓ માટે પીવાના પાણીની સમસ્યા ઉભી થઇ છે ત્યારે વન્ય વિસ્તારમાં આવેલા વન વિભાગ ના અવાડામાં મહિને માત્ર એક જ વાર પાણી નાખવામાં આવતું હોવાનું જાણવા મળ્યું છે. પરિણામે વન વિસ્તારમાં રહેતા વન્ય પ્રાણીઓ નીલગાય.. હરણ.. ઝરખ.. શિયાળ.. ઉપરાંત પક્ષીઓએ પાણી માટે વલખાં મારી રહ્યા છે,ત્યારે પશુઓ અને પક્ષીઓ પોતાની પાણીની તરસ છીપાવવા માટે માનવ વસ્તી કે વાડી વિસ્તારમાં ચડી આવે છે. ગત રાત્રે રાપર તાલુકાના રામવાવ ગામે પાદર ની એક વાડીમાં રાત્રે પાણી પીવા માટે આવેલ ચાર નીલગાયનું ટોળું પાણી પીવા માટે આવ્યું. પણ, તરસના માર્યા ઉતાવળે પાણી પીવાના પ્રયાસમાં આ ચારે ચાર નીલગાય વાડીના ટાંકામાં પડીને ફસાઈ ગઈ. આ અંગે ગામલોકોને જાણ થતાં જ શરૂ થયો આ નિલગાયોને બચાવવાનો સંઘર્ષ..!! રામવાવના માજી સરપંચ કરશન હરીભાઇ મણવર સહિતના સેવાભાવી યુવાનો એ સવારે સતત બે કલાકની જહેમત બાદ એક પછી એક ચાર નીલગાયને પાણીના ટાંકા માંથી કાઢવામાં સફળ રહ્યા. ગામલોકો દ્વારા કચ્છના વન સંરક્ષક શ્રીરંધાવા ને વન વિસ્તારમાં વન્ય પ્રાણીઓ માટે પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવે તે માટે રજૂઆત કરાઇ હતી.રજૂઆતને પગલે સીસીએફ શ્રીરંધાવા એ પાણી ની વ્યવસ્થા અંગે તાત્કાલિક અસરથી જે તે રેન્જ ફોરેસ્ટ ઓફિસરને સુચના આપવામાં આવશે એવી હૈયાધારણ આપી છે… અત્રે એ ઉલ્લેખનીય છે કે રાપર તાલુકો સંપૂર્ણ અભ્યારણમાં આવે છે. પરંતુ તમામ આર. એફ. ઓ. ની જગ્યાઓ ઈન્ચાર્જના હવાલે છે,એક માત્ર રાપર ઉત્તર રેન્જમાં આરએફઓની જગ્યા ભરાયેલ છે. પણ તેઓ આ માસના અંતમાં નિવૃત્ત થઈ રહ્યા છે એટલે તે પણ ઈન્ચાર્જ ના ભરોસે રહેશે. રાપર તાલુકામાં વિશ્ચમાં નામશેષ થઈ રહેલા ઘુડખર ના જતન માટે વન તંત્ર દ્વારા અલાયદી રેન્જ ઉભી કરવામાં આવી છે,પરંતુ વાસ્તવિકતા એ છે કે રાપર તાલુકાની પાંચ રેન્જમાં અત્યારે કોઈ પણ જવાબદાર અધિકારીઓ નથીં.તમામ પાંચ રેન્જનો ચાર્જ ધોરણ દસ પાસ વનપાલ પાસે છે.

વન્ય પશુ પક્ષીઓ કે ઘુડખરના રક્ષણ માટે સરકાર પ્રયત્નશીલ પણ વન વિભાગ ઉદાસીન

રાપર તાલુકાની વન વિભાગની જમીન પર દબાણ થઈ રહ્યું છે,કોલસાની લ્હાયમાં ઝાડીઓનો વિનાશ થઈ રહયો છે, મિજબાની માટે ખુલ્લેઆમ શિકારની પ્રવૃત્તિ એ માઝા મુકી છે, વન વિસ્તારમાં બેરોકટોક ખનીજ ચોરી થઈ રહી છે, વનવિભાગ દ્વારા વન્ય પ્રાણીઓ માટે બનાવવામાં આવેલા તળાવ પર માથાભારે લોકોએ કબ્જો જમાવી દીધો છે. આવી ગેર પ્રવૃત્તિઓ એ માઝા મુકી છે,છતાં કચ્છના સી સી એફ દ્વારા કોઈ પગલાં લેવામાં આવતા નથી.જો આવી સ્થિતિ રહી તો ઘુડખર પણ નામશેષ થઈ જાય તેવી પરિસ્થિતિ સર્જાશે, અત્યારે તો સામાન્ય પશુઓ અને પક્ષીઓ તો નામશેષ થઈ રહ્યા છે.