વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામે ચૂંટાયા બાદ ભુજ નગરપાલિકાના ભાજપના શાસકો હવે મોદીના સફાઈ અભિયાનના નામે કે પછી મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા ભુજ શહેરને ફાળવાયેલ કરોડોની ગ્રાન્ટ ના નામે શું “રોકડી” કરી રહ્યા છે? આ સવાલ ભુજના જાગૃત નાગરિકોનો છે,કે જેઓ હવે રોજિંદી સમસ્યાઓ થી કંટાળીને હવે જાહેરમાં ભુજ નગરપાલિકાના ભાજપના શાસકોને ખુલ્લો સવાલ પૂછી રહ્યા છે.
નાળા સફાઈની ફરિયાદ સાંસદ ને અને ધારાસભ્યને કરવી પડી !!
ભુજ ના વરિષ્ઠ નાગરિક અને વકીલ સુભાષભાઈ વોરાએ ભુજ નગરપાલિકા દ્વારા કરાતી નાળા સફાઈની કામગીરી યોગ્ય ન કરાતી હોવાનું જણાવીને નગરપતિ અશોક હાથી નું ધ્યાન દોર્યું હતું કે વરસાદ દરમ્યાન છતરડીવાળા તળાવનું પાણી પુલિયામાંથી થઈને રોમાનીયા ટેન્ક મારફત નીકળી જાય તે રીતે નાળા સફાઈનું કામ થવું જોઈએ.સંસ્કારનગર,એકતા કોલોની વિસ્તારમાં રહેતા હજારો લોકો માટે દર ચોમાસા માં વરસાદનું પાણી ભરાવવાની સમસ્યાની ચિતા રહે છે.લોકો ભલેને સમસ્યાઓથી ચિંતિત હોય, પરંતુ નગરપતિ અશોક હાથી તેમના પ્રમુખપણા ના છેલા કાર્યકાળ દરમ્યાન ‘વહીવટ’ માં અત્યંત વ્યસ્ત હોઈ
આમ નાગરિકોની સમસ્યાઓ તરફ ધ્યાન ક્યાંથી દઈ શકે? તો કારોબારી ચેરમેન શૈલેન્દ્રસિંહ જાડેજાને નગરપાલિકા ઉપરાંત કચ્છ ભાજપના મહામંત્રી તરીકેનો ‘ભાર’ સંભાળવાનો હોય એટલે તેઓ આમ આદમીની ચિંતા ક્યાંથી કરી શકે? એટલે,નછૂટકે વરિષ્ઠ નાગરિક સુભાષભાઈ વોરાએ ભુજના ધારાસભ્ય ડો.નીમાબેન આચાર્ય અને સાંસદ વિનોદ ચાવડાનું ધ્યાન દોર્યું છે.હવે જોવું રહ્યું કે સંસ્કારનગર અને એકતા કોલોનીના હજારો રહેવાસીઓની ચિંતા દૂર કરે તેવી નાળા સફાઈ થાય છે કે નહીં? હા,એ વાત પણ અલગ છે કે અહીં ભુજ નગરપાલિકાના શાસક પક્ષના નેતા ર્ડો. રામ ગઢવી પણ રહે છે.જોકે,ભુજ નગરપાલિકાના વહીવટકર્તાઓ સાથે ‘સમજ’ ધરાવતા નેતાઓના જ કામ થાય છે,એવી ભાજપના કાર્યકરોની ગુસપુસ છે.
દર મહિને અડધો કરોડનો ખર્ચ છતાંય ભુજ “ડર્ટી સીટી’
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સ્વચ્છતા ઝુંબેશ દરમ્યાન ઝાડુ સાથે સફાઈ ઝુંબેશન ફોટા પડાવનારા ભાજપના સાંસદ,ધારાસભ્ય અને નેતાઓ ભુજ નો એક રાઉન્ડ મારી આવે તો ખબર પડે કે સફાઈ ઝુંબેશ પછી ભુજ “ક્લીન સીટી ને બદલે ‘ડર્ટી સીટી’ બની ગયું છે.ભુજના નગરપતિ,કારોબારી ચેરમેન કે સેનિટેશન કમિટી ના ચેરમેન બિચારા શુ કરે? તેમનું કામ તો ટેન્ડર આપી ને ભુજ નગરપાલિકાની તિજોરીની સફાઈ કરવાનું છે.બાકી પ્રજાએ પણ થોડી સહનશક્તિ દાખવવી જોઈએ ને ? કેમ ભાજપના કોઈ નેતાઓને કચરો દેખાતો નથી? અને આમ આદમી ગંદકી ની બુમરાણ કરે છે? ભુજના પ્રમુખસ્વામીનગરમાં રહેતા જાગૃત નાગરિક અરુણ ઠક્કરે તો કચરાના ખડકાયેલા ગંજ ના ફોટાઓ મોકલીને ભુજ નગરપાલિકાને રજુઆત કરી છે.દર મહિને ૪૬ લાખ (અંદાજે અડધો કરોડ) રૂપિયા ભુજ નગરપાલિકા ખર્ચે છે,પણ કચરો સાફ થતો જ નથી.મૂળ ખાનગી કોન્ટ્રાકટ ભુજ નગરપાલિકાના કર્મચારીને અપાયો હોવાની સાથે પેટા કોન્ટ્રાક્ટના મુદ્દે પ્રશ્નો કરીને અરુણ ઠક્કરે થોડામાં ઘણું જ કહી દીધું છે.જોઈએ હવે ટુરિસ્ટ સીટી ભુજ ની હાલત ડર્ટી જ રહે છે કે પછી ક્લીન થશે ?
ગરીબોને મકાનો તો અપાયા પણ રોડ,રસ્તા,પાણી ગટર નું શું ?
આંબેડકરનગર,ભીમરાવનગર અને હંગામી આવાસના રહેવાસીઓ માળખાગત સુવિધાના પ્રશ્ને સીધા જ કલેકટર કચેરીએ પહોંચ્યા હતા. ત્રણ ત્રણ વસાહત ના લોકોને ભુજ નગરપાલિકા દ્વારા રોડ,રસ્તા,સ્ટ્રીટ લાઈટ,પાણી અને ગટર જેવી માળખાગત સુવિધાઓ ન મળતા તેમને કલેકટર કચેરીના દરવાજા ખટખટાવવા પડ્યા હતા.રાજીવ ગાંધી આવાસ યોજના તળે તેમને ભુજ નગરપાલિકાએ પાકા મકાનો તો બનાવી આપ્યા,પણ માળખાકીય સુવિધાઓ ઉભી ન કરી. એટલે,એમણે કલેકટર સમક્ષ રજૂઆત કરી માળખાકીય સુવિધાઓ પુરી પાડવા માંગ કરી છે.જોકે, વાર્ષિક ૧૦૦ કરોડ નો ખર્ચ કરતી ભુજ નગરપાલિકાના શાસકોના અને કોન્ટ્રાક્ટરોના ધ્યાને જ્યારે વિકાસકાર્યો કરવાનું આયોજન સ્ફુરે ત્યારે જ નવા વિસ્તારોમાં કામો થાય.બાકી લોકો ને શું ખબર પડે કે કાગળો ઉપર આયોજનો અને વાયદાઓ પ્રમાણે કામ થોડા જ કરવાના હોય?