દર મહીના ના ત્રીજા શનિવારે કલેકટરના અધ્યક્ષ સ્થાને મળતી સંકલન સમિતિની બેઠક પ્રજાકીય પ્રશ્નો અને એ પ્રશ્નોના ઉકેલ માટે અતિ મહત્વની હોય છે.પણ આ વખતે તો આ બેઠકમાં ધડબડાટી વાળી રજૂઆતે તો કલેકટર રેમ્યા મોહન,ડીડીઓ પ્રભવ જોશી ને પણ ચોંકાવી દીધા હતા. એ રજુઆત હતી જે મુખ્યમંત્રી રાજ્યભરમાં સુજલામ સુફલામ સાથે જળ સંચય ની ઝુંબેશ ચલાવે છે,તેમણે શરૂ કરેલું કામ જ કચ્છમાં અટકાવી દેવામાં આવ્યું છે. આ રજુઆત કરતા ભુજના ધારાસભ્ય ડો નીમાબેન આચાર્યએ કલેક્ટરશ્રીને પૂછ્યું હતું કે મુખ્યમંત્રી વિજયભાઈ ભુજના મોચીરાઈ તળાવના ખાણેત્રાનું ખાતમુહૂર્ત કરી ગયા તેનું કામ કઈ સરકારી કચેરીએ અટકાવ્યું છે? ચોંકી ઉઠેલા કલેક્ટરશ્રીએ ઉપસ્થિત જિલ્લાની વિવિધ કચેરીઓના વડાઓને પૂછ્યું પણ ધારાસભ્ય ડો નિમાબેને જ આક્રોશ સાથે કહ્યું કે કચ્છના વનવિભાગે રાજ્યના મુખ્યમંત્રીએ કરેલા તળાવનું કામ અટકાવ્યું છે.વાત એવી હતી કે,આ તળાવ ફોરેસ્ટમાં આવતું હોઈ મંજૂરીના અભાવે વનવિભાગે કામ અટકાવી દીધું છે. આટલું જાણ્યા પછી કલેક્ટર રેમ્યા મોહને વનવિભાગને સૂચના આપી હતી કે સરકારી ઉદેશ્ય માટે શરૂ કરાયેલા કામને અટકાવવું ન જોઈએ. જિલ્લા પંચાયત પ્રમુખ કૌશલ્યાબેન માધાપરીયાએ તેમના ગામ માધાપર માં શાળા પાસે કરાયેલું ગેરકાયદે દબાણ વારંવાર રજુઆત કરવા છતાં પણ હટતું નથી એવી રજુઆત સાથે ઉગ્ર સુરે જણાવ્યું હતું કે ભાડા અને ભુજ મામલતદાર કચેરી દબાણ હટાવવા ને બદલે જવાબદારીની ફેંકાફેક કરે છે. તેમણે હવે જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકેનો તેમનો અંતિમ કાર્યકાળ હોઈ હવે તો ગેરકાયદે દબાણ હટાવો એવી કલેક્ટર સમક્ષ સીધી જ માંગ કરી હતી. સાંસદ વિનોદ ચાવડાએ ટોલ પ્લાઝા દ્વારા આચરવામાં આવતી મનમાનીના કારણે પ્રજાકીય પ્રતિનિધિઓ,૧૦૮ સેવા અને ખાનગી તેમ જ સરકારી એમ્બ્યુલન્સ સહિત સરકારી અધિકારીઓ પરેશાન થાય છે એવું જણાવી નિયમ મુજબ અલગ લાઇન રાખવા જણાવ્યું હતું. ગુસ્સા ભર્યા સૂરે સાંસદ વિનોદ ચાવડા એ પ્રશ્ન રજૂ કરતા પહેલા પૂછ્યું હતું કે જો નેશનલ હાઇવે ઓથોરિટીના અધિકારી હાજર હોય અને પ્રશ્નનો નિકાલ કરવા માગતા હોય તો જ તેઓ ટોલ પ્લાઝાનો પ્રશ્ન મુકશે. ટોલ નાકાઓની ફરિયાદ માં અન્ય પ્રજાકીય પ્રતિનિધિઓએ સૂર પુરાવતા તુરતજ કલેકટરશ્રીએ સોમવારે મીટીંગ બોલાવી આ પ્રશ્નનો નિકાલ કરવા સૂચના આપી હતી.અબડાસા ના ધારાસભ્ય પ્રદ્યુમ્નસિંહ જાડેજાએ ઘાસ,પાણી ની અછત,ઓવરલોડ સહિતના પ્રશ્નો રજૂ કર્યા હતા. ડો નીમાબેન આચાર્ય એ પાણી ના ટેન્કર અને ઘાસના પ્રશ્નો મુક્યા હતા. કલેક્ટર રેમ્યા મોહને આગામી બે થી ચાર દિવસો દરમ્યાન ૨ રૂપિયે કિલોના રાહતદરે ઘાસ વેચવાની મંજૂરી આવી જશે એવું જણાવ્યું હતું.