Home Special કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખનો નવો ‘તાજ’ કોના શિરે? : કોણ છે દાવેદારો...

કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખનો નવો ‘તાજ’ કોના શિરે? : કોણ છે દાવેદારો અને કોણ મારશે બાજી ?

3161
SHARE
વિધાનસભાની ચૂંટણી હમણાં જ પુરી થઈ, લોકસભાની ચૂંટણી ને હજી વાર છે. પણ અત્યારે રાજકીય માહોલ ગરમ બન્યો છે. તેનું કારણ અઢી વર્ષ સત્તાની મુદ્દત પુર્ણ થતા નગરપાલિકા,જિલ્લા પંચાયત,તાલુકા પંચાયત અને આડા,રાડા, ભાડામાં જુના ચેરમેન અને પ્રમુખોની જગ્યાએ નવા ચેરમેન-પ્રમુખોની નિમણુંકો થશે. તેને લઇને કચ્છ ભાજપનું આંતરિક રાજકારણ ગરમાયુ છે. પોતા માટે લોબીંગ કરવાનુ દાવેદારોએ શરૂ કરી દીધું છે. તો બીજી તરફ રાજકીય દાવપેચ શરૂ થઈ ગયા છે. હું નહી, તો, તું પણ નહીની નિતિ સાથે પક્ષમાં આંતરિક વિરોધ પણ શરૂ થયો છે. રાજકારણમાં હંમેશાં હોદ્દા અને પદ્દ નું મહત્વ રહ્યું છે. અત્યારે સમગ્ર કચ્છમાં જિલ્લા પંચાયતના પ્રમુખ કોણ બનશે તેને લઇને સૌથી વધુ ઉત્કંઠા છે. આની ચર્ચા રાજકીય કાર્યકરો સહિત આમલોકોમાં પણ છે. તેમાંય વળી, નવા રોટેશન મુજબ જિલ્લા પંચાયત પ્રમુખનુ સ્થાન મહિલા અનામતને બદલે સામાન્ય કરી દેવાતા દાવેદારોની સંખ્યા હવે વધી છે અને આંતરિક ખેંચતાણ પણ !! તેવામાં સૌને ચોક્કસ એક જ પ્રશ્ન થાય કે નવા પ્રમુખ કોણ બનશે ? રાજકીય રીતે જ્ઞાતિ આધારિત બળાબળની વાત કરીએ તો અત્યારે ચાર સમાજના લોકો જિલ્લા પંચાયતના પ્રમુખ પદ માટે દાવેદાર છે. પરંતુ, જો ભાજપના જ સૂત્રોનુ માનીએ તો, પટેલ દાવેદારોમાંથી કોઇ બાજી મારી જાય તો નવાઇ નહી !! જેમા, સૌથી મોખરાનુ સ્થાન અરવિંદ પીંડોરીયા અને ત્યાર બાદ ભીમજી જોધાણીનુ છે. જો કે,બાકીના અઢી વર્ષ માટે પક્ષ ફરી મહિલાને પ્રમુખ પદ્દ આપવા અંગે વિચારે તો છાયાબેન ગઢવી બાજી મારી જાય તો નવાઇ નહી.

ચાર સમાજના ચુંટાયેલા પ્રતિનિધિઓની દાવેદારીની ચર્ચામાં, પણ પટેલ સમાજ મારી શકે છે બાજી ?  

વર્તમાન પ્રમુખ કૌશલ્યાબેન માધાપરીયાની મુદ્દત આવતા મહિને 21 જુનના પૂર્ણ થાય છે. હવે નવા રોટેશન મુજબ મહિલા અનામતની જગ્યાએ હવે પ્રમુખ પદ્દ માટે સામાન્ય કેટેગરી જાહેર કરતા નવા રોટેશન મુજબ નવા પ્રમુખની નિમણુંક કચ્છ ભાજપ માટે મોટો પડકાર રહેશે. હાલ પ્રમુખ પદ્દની રેસમાં 6થી વધુ લોકો છે. જેમાં અરવિંદ પીંડોરીયા,ભીમજી જોધાણી,લક્ષ્મણસિંહ સોઢા,નવીન જરૂ, છાયાબેન ગઢવી અને મનીષાબેન કેસરાણી આમ ક્ષત્રીય ,પાટીદાર,ગઢવી અને આહિર સમાજના દાવેદારો મેદાને છે,અને ઉમેદવારો દ્વારા લોબીંગ પણ ચાલુ છે. પરંતુ, પટેલ સમાજને પ્રતિનિધીત્વ મળે તેવી પ્રબળ સંભાવના હાલ જોવાઇ રહી છે.

આ ફેક્ટર કરશે કામ : 29 તારીખે પ્રમુખ જીતુ વાઘાણીની કચ્છ મુલાકાત મહત્વની !!

આમતો, દરેક સમાજ અને ચુંટાયેલા પ્રતિનિધીઓ દાવેદારી માટે સક્ષમ છે. પરંતુ જો રાજકીય ગણીતની વાત કરવામાં આવે તો આહિર સમાજ વતી વાસણભાઇ રાજ્યકક્ષાનુ પ્રતિનીધીત્વ કરતા હોવાથી તેમના સમાજના અન્ય આગેવાનને હોદ્દો આપવો પાર્ટી માટે મુશ્કેલ છે. વળી, નવીન જરૂ અત્યારે કારોબારી ચેરમેન છે. તો, ક્ષત્રિય સમાજના ધારાસભ્ય હોઈ, રાપર બેઠક ગુમાવનાર ભાજપ માટે લક્ષ્મણસિંહ સોઢાને નિમણુંક આપવી એ વિરોધને આમત્રંણ આપી શકે છે. જો કે, સામાજિક અને રાજકીય રીતે લક્ષમણસિંહ સોઢાનુ લોબીંગ બરાબર ચાલી રહ્યુ છે. તો, છાયાબેન ગઢવી માટે પણ તેમના સમાજ અને અન્ય રાજકીય મોટામાથાઓ પ્રયાસો કરી રહ્યા છે. કડવા પાટીદાર સમાજના મનિષા કેસરાણી પણ મેદાને છે. પરંતુ રાજકીય લેખા જોખાની રીતે વાત કરીએ તો ભીમજી જોધાણી અને સૌથી મજબુત દાવેદાર હાલ અરવિંદ પીંડોરીયા હોવાનુ સુત્રો માની રહ્યા છે કેમકે બહોળા વહીવટી અનુભવ સાથે ભુજ વિધાનસભામા તેમણે કરેલી મહેનત અને સમાજ પર પ્રભુત્વ જોતા તેમના પ્રમુખ પદ્દને નિશ્ચિત મનાઇ રહ્યુ છે. અને શક્યતા એવી પણ છે કે, પ્રમુખ પદ નહી તો કારોબારી ચેરમેન પદ પણ અરવિંદ પીંડોરીયા ને અપાઇ શકે છે. આ બધી જ ભાંજગડ વચ્ચે નરેશ મહેશ્વરી પણ બાજી મારી જાય તેમ છે.
જો કે, હજુ 15 જુનના જિલ્લા પંચાયતના નવા પ્રમુખનુ નામ જાહેર થાય તેવી શક્યતા છે. પણ તે પહેલા 29 તારીખના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી કચ્છ આવે તેવી શક્યતા છે અને તેઓ સેન્સ લેવા સાથે તમામ નામોની યાદી પ્રદેશકક્ષાએ મોકલશે. ત્યાર બાદ કચ્છ જીલ્લા પંચાયતના નવા પ્રમુખ કોણ બનશે તેનુ નામ જાહેર કરાશે.પરંતુ, અત્યારે તો, લોંબીગ કરનારા દાવેદાર સહિત પોતાના સમાજના પ્રતિનિધિને પ્રમુખ પદ મળે તે માટે સૌ કોઇ એડી ચોટીનુ જોર લગાવી રહ્યા છે. તો બીજો કોઈ ફાવી ન જાય તે માટે રાજકીય કાવા દાવા પણ થઈ રહયા છે. જો કે, ધાર્યુ ધણીનુ થશે તેમ પ્રદેશ ભાજપ જેના નામ પર આખરી મહોર મારશે તેને શિરે જ કચ્છ જિલ્લા પંચાયત ના પ્રમુખ પદનો તાજ રહેશે.