છેલ્લા એક મહિનાથી કચ્છની એકમાત્ર સરકારી બી.એડ. કોલેજ ને બંધ કરવાના સરકારી નિર્ણયે ચર્ચા જગાવી હતી. આ મુદ્દે ભાજપના મહિલા આગેવાન અને ભુજ ના પૂર્વ નગરપાલિકા પ્રમુખ હેમલતાબેન ગોરે બી.એડ. કોલેજ ચાલુ રાખવાની માંગ કરી હતી. જોકે, આ મુદ્દે ગરમાટો ત્યારે આવ્યો જ્યારે ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસ અને કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ NSUI એ લડત શરૂ કરી . આ દરમ્યાન આજે યુવા કોંગ્રેસના પ્રદેશ મંત્રી દિપક ડાંગર ના જણાવ્યા પ્રમાણે સરકારે કચ્છની સરકારી બી.એડ. કોલેજ ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે.સરકારના નિર્ણય અંગે પ્રતિભાવ આપતાં કોંગ્રેસના યુવા આગેવાન દિપક ડાંગરે બી.એડ. કોલેજ ચાલુ રહેવાના નિર્ણય નો શ્રેય કોંગ્રેસની લડત ને આપ્યો છે. દિપક ડાંગરના દાવા પ્રમાણે કોંગ્રેસ દ્વારા કરાયેલા હલ્લાબોલ અને ઉગ્ર લડત સાથેના વિરોધ ના કારણે કચ્છ ની એકમાત્ર સરકારી બી.એડ. કોલેજ ચાલુ રહી શકી છે. જોકે, તેમણે બી.એડ. કોલેજ ના પ્રાચાર્ય, કચ્છ યુનિવર્સિટી તેમ જ જી.એસ.આઈ.ટી. ના હકારાત્મક અભિગમ બદલ આભારની લાગણી વ્યક્ત કરી છે. સાથે સાથે કચ્છને જો ક્યાંય પણ અન્યાય થશે તો યુવા કોંગ્રેસ આક્રમક અભિગમ સાથે વિરોધ કરશે એવી ચીમકી ઉચ્ચારી છે.