Home Current બાળકોના મોત મામલે માનવીય સંવેદના ભુલી અદાણીએ રચી આંકડાની માયાજાળ : હવે...

બાળકોના મોત મામલે માનવીય સંવેદના ભુલી અદાણીએ રચી આંકડાની માયાજાળ : હવે કલેકટર અને આરોગ્ય વિભાગની તપાસ પર મદાર

1283
SHARE
છેલ્લા ચાર દિવસથી અદાણી સંચાલીત જી.કે.જનરલ હોસ્પિટલના NICU વિભાગના બાળકોના મોત મામલે મોટો વિવાદ ઉભો થયો છે. એક તરફ મૃતક બાળકોના પરિવારજનો અને કોંગ્રેસ અદાણી GK હોસ્પિટલ પર બેદરકારીના આક્ષેપો સાથે તેમનો વિરોધ કરી રહ્યા છે. બીજી તરફ GK ની સંચાલન કરતા અદાણી ગેઇમ્સ માનવીય સંવેદના ભૂલીને  આંકડાની માયાજાળ રચી ક્યાંક ક્યાંકને પોતાનો લૂલો બચાવ કરે છે. ચોક્કસ માની પણ લઇએ કે, બાળકોના મોત મામલે હોસ્પિટલની બેદરકારી નથી. પરંતુ સંપૂર્ણ ઘટનામાં ક્યાંયે સંવેદનાનો અહેસાસ પણ વરતાતો નથી. માસુમ ફૂલ જેવા બાળકોના મોત બાદ તેમના પરિવારજનોને સાંત્વના આપવી કે પછી બાળ મૃત્યુની દુઃખદ ઘટના પછી એવો ખુલાસો કરવો કે હમણાં મૃત્યુ આંક ઘટ્યો છે, પહેલા વધુ બાળકોના મોત થતા હતા આવા નિવેદનો આઘાતજનક છે. પાંચ મહિનામાં ૧૧૧ બાળકોના મોત બાદ પણ આ મામલે દુઃખ કે સંવેદના વ્યક્ત કરતુ કોઈ નિવેદન હોસ્પિટલ સંચાલકો દ્વારા અત્યારસુધી આપ્યું નથી. આજે પણ સ્થાનીક માધ્યમો સાથે પ્રાદેશીક માધ્યમોએ બાળકોના મોતનું સત્ય જાણવા માટે હોસ્પિટલમાં લાંબો સંઘર્ષ કર્યો હતો. ત્યારબાદ અદાણી ગેઇમ્સની ટીમની સાથે સીવીલ સર્જન પણ જાણે તેમના બચાવ માટે મેદાને ઉતર્યા હતા.જોકે, બાળકોના મોતના કારણો અને મોતના આંકડા અંગે સત્તાવાર રીતે અદાણી ગેઇમ્સના સંચાલકોએ માહિતી આપી હતી. પરંતુ, બાળકોના મોતની ઘટના દુખદ છે, તે અંગે કોઇ નિવેદન અદાણી દ્વારા અપાયુ નહી. હા તેમણે એ વાતનો સ્વીકાર કર્યો કે,ચાલુ વર્ષે માત્ર પાંચ મહિનામાં 111 બાળકોના મોત થયા છે. અદાણીએ વર્ષ 2015થી અત્યાર સુધી મૃત્યુ પામેલા બાળકોના મોતના આંકડા જાહેર કર્યા હતા. જેમાં વર્ષ 2015માં 164 બાળકો 2016માં 184 બાળકો અને 2017માં 258 બાળકો અને ચાલુ વર્ષે  2018 માં પાંચ જ મહિનાની અંદર 111 બાળકોના મોત થયા છે.

બાળકોના મોત મામલે અદાણી અને સરકારની ‘જુગલબંધી’ ?

એક તરફ સરકારે તપાસના આદેશ તો આપ્યા છે, અને આરોગ્યની ટીમ તપાસ માટે ગાંધીનગર થી પણ આવશે .પરંતુ અદાણી સામે થઇ રહેલા વિવાદો પછી મીડીયા સમક્ષ ખુલાસા માટે અદાણી મેનેજમેન્ટ ટીમના સભ્યો ભેગા થયા હતા. પરંતુ નવાઇ વચ્ચે અદાણી સાથે આ આંકડાઓની માયાજાળ અને બાળકોના મોતના કારણો અંગે ખુલાસો કરવા માટે અત્યાર સુધી મૌન રહેલા સીવીલ સર્જન જીજ્ઞાબેન દવે ઉપધ્યાય પણ ઉપસ્થિત થયા હતા. જો કે, તેમણે આ ઘટના અંગે થોડી સંવેદના સભર વાત કરી હતી કે, કોઈ ડોક્ટર ન ઇચ્છે કે દર્દી મૃત્યુ પામે અને બાળકોના મોતની આ ઘટના અંગે ખેદ વ્યક્ત કર્યો હતો. પરંતુ અત્યાર સુધીની તેમની સીવીલસર્જન તરીકેની તપાસમાં અદાણી ગેઇમ્સ ની બેદરકારી ક્યાંયે સામે ન આવી હોવાનુ જણાવ્યુ હતું. વાસ્તવિકતા એ છે કે, અદાણીએ જાહેર કરેલા બાળકોના મોતના આંકડા પણ ચોંકાવનારા છે. પરંતુ ,અદાણીને આ મામલો ગંભીર લાગતો ન હોય તેમ  આંકડાઓની માયાજાળ રચીને જાણે સંવેદના ભૂલી રહ્યા છે.

કલેકટરે કોઇ ફરીયાદ વગર તપાસના આપ્યા આદેશ 

સામાન્ય રીતે અદાણીનો કોઇ મામલો સામે આવે ત્યારે વહીવટીતંત્ર તેમાં ઢાંકપીછોડો કરતુ હોય તેવા આક્ષેપો થતા હોય છે. પરંતુ જોગાનુજોગ થયુ એવુ કે 21 મી તારીખે આ મામલો સામે આવ્યા બાદ કલેકટર રેમ્યા મોહને મામલાની ગંભીરતા અને સંવેદના સમજી કોઇની ફરીયાદ વગર સંપૂર્ણ ઘટનાનો અહેવાલ પણ  મંગાવ્યો અને રાજ્ય સરકારને આ વિવાદ અંગે વાકેફ પણ કર્યા. જેના પરિણામ સ્વરૂપ 26 તારીખે એક ટીમ તપાસ માટે આવશે અને કલેકટર પણ આંકડા અને મોતના કારણો અંગે અભ્યાસ કરશે અને જો આમાં કોઈ ક્ષતિ સામે આવશે તો કાર્યવાહી પણ કરશે તેવી વાત તેમણે કરી છે, જે ખરેખર આવકારદાયક છે.
અદાણીને હોસ્પિટલનું સંચાલન સોંપાયુ ત્યારથી કોઇને કોઇ વિવાદ હમેંશા ચર્ચામાં રહ્યો છે.જો કે, અદાણી દ્વારા હોસ્પિટલ અંગે મોટાભાગે આંકડાઓની માયાજાળ અને લૂલા બચાવ સાથે પોતાની વાહવાહ ની જ વાતો તેમા હોય છે. પરંતુ વાત જ્યારે માસુમ બાળકોના મોતની છે, ત્યારે ચોક્કસ એ પ્રશ્ન થાય કે શું મોતનાં આંકડાનો ઉતારચડાવ બાળકોના મોતની સંવેદનાને ઓછી કરે છે ?  અદાણી ભલે આંકડાઓ રજુ કરી પોતાનો બચાવ કરે પરંતુ સંવેદના ભુલી અદાણી દ્વારા બાળકોના મોત મામલે ક્યાંક જુદુ જ ચિત્ર રજુ કરાઈ રહ્યું હોય એવું અત્યારે દેખાઇ રહ્યુ છે. જો કે હવે કલેકટર અને સરકારે ગંભીરતાથી આ મામલાની તપાસ શરૂ કરી છે ત્યારે એ આશા રાખીએ કે માસૂમ બાળકોના મોત પાછળનું સત્ય ઉજાગર થાય.