ભુજ ની અદાણી GK હોસ્પિટલમાં થયેલા માસૂમ બાળકોના મોત નો વિવાદ અત્યારે કચ્છ સહિત સમગ્ર રાજ્યમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. ત્યારે આ વિવાદને પગલે હરકતમાં આવેલી રાજ્ય સરકારે બાળકોના મોતની તપાસ માટે ડોક્ટરોની ટીમ ભુજ મોકલાવી છે. આજે સવારે ત્રણ સભ્યોની આ ટીમના ડો.હિમાંશુ જોષી (ગાંધીનગર), ડો.ભદ્રેશ વ્યાસ (જામનગર), અને ડો.કમલ ગોસ્વામીએ અદાણી GK હોસ્પિટલની મુલાકાત લીધી હતી.
અદાણીના ઢાંકપીછોડા વચ્ચે તપાસ સમિતિએ શુ કહ્યું ? જાણો..
હોસ્પિટલમાં સારવાર માટે જનારને મોત મળે એ ઘટના કોઈપણ પરિવાર માટે આઘાતજનક છે. પરંતુ, માસુમો ના મોત પર પણ જાણે લુકાછુપી ના ખેલ ની જેમ અદાણી ગેઇમ્સ દ્વારા આંકડાની માયાજાળ દર્શાવાઈ. છેલ્લા ૨૦ દિવસમાં બાળકોના મોતને મુદ્દે ૧૯ મોત નો ખુલાસો કરાયો હતો. જ્યારે છેલ્લા ત્રણ વર્ષના આંકડા સાથે બાળકોના મોત ઓછા થયા છે,એવું દર્શાવી ઢાંકપીછોડો કરવા પ્રયાસ પણ કરાયો. સંવેદના ભૂલીને આ ખુલાસા માં સારવારમાં રહેલી ત્રુટીઓ ને બદલે સારવાર માટે આવેલા બાળકોનું સ્વાસ્થ્ય જ ખરાબ હતું એવી વાત રજૂ કરાઇ. સ્વાસ્થ્ય ખરાબ હોય ત્યારે જ સારવાર માટે કોઈપણ પરિવાર મજબૂરી થી બાળકોને હોસ્પિટલમાં દાખલ કરે. પણ સારવાર માટે આવેલા બાળકોને મોત મળે તેનો આઘાત બાળકોને ગુમાવનાર પરિવારને રહેવાનોજ. તેમની રજુઆત અને મીડિયાના અહેવાલો બાદ બાળકોના મોત ને ઢાંકવા અદાણી ગેઇમ્સ નું મેનેજમેન્ટ કામે લાગ્યું, એથી વધુ શરમજનક વાત બીજી શું હોઈ શકે ? જોકે, ત્રણ સભ્યોની તપાસ સમિતિ એ અદાણીના ડાયરેકટર ડો. રાવ ની સામેજ મીડીયાને જણાવ્યું હતું કે તેમની ટીમ ૨૬ બાળકોના મોત ની તપાસ માટે આવી છે.જ્યારે ગઈકાલ સુધી અદાણી દ્વારા ૧૯ બાળકોના મોત ની રજુઆત કરતી હતી. જોકે, અદાણી ના મેનેજમેન્ટ અને સીવીલ સર્જન ની હાજરીમાં પાંચ મહિના માં ૧૧૧ બાળકોના મોતની વાત કબૂલ કરાઈ હતી. ૧૫૦ દિવસમાં ૧૧૧ માસૂમ બાળકો મોત પામે એ વાત પણ આપણા હૃદયને હચમચાવી દે તેવી છે. પણ, અહીં સંવેદના ભુલાઈ અને આંકડાની માયાજાળ રચાઈ.
કોંગ્રેસે શા માટે કર્યો હોબાળો ? અને, કલેકટર ને શુ કહ્યું ?
અદાણી GK હોસ્પિટલ માં માસૂમ બાળકો ના મોતે રાજ્યભરમાં સર્જેલા ખળભળાટને પગલે આરોગ્ય વિભાગ દ્વારા ત્રણ સભ્યોની સમિતિ ને તપાસ માટે ભુજ મોકલાઈ છે. દરમ્યાન આરોગ્યની તપાસ સમિતિ સમક્ષ રજૂઆત કરવા માંગતા કોંગ્રેસ ના આગેવાનો ને રજુઆત માટે અદાણી ગેઇમ્સ દ્વારા અટકાવાતાં તેમણે હોબાળો કર્યો હતો. કોંગ્રેસના આગેવાન આદમ ચાકી, રવિન્દ્ર ત્રવાડી, ઘનશ્યામસિંહ ભાટી, રફીક મારા અને ગની કુંભાર સહિતના અન્ય લોકોને રજુઆત માટે અટકાવાયા હતા. જોકે,તેમણે કરેલા હોબાળાને પગલે તપાસ સમિતિએ ખાત્રી આપી હતી કે તેઓ કોંગ્રેસના આગેવાનોને મળી તેમની રજુઆત સાંભળશે. આ ખાત્રી બાદ કોંગ્રેસના આગેવાનો નો આક્રોશ શાંત પડ્યો હતો. દરમ્યાન કોંગ્રેસ ના આગેવાન અને GK હોસ્પિટલ માટે હાઈકોર્ટ અને સુપ્રિમકોર્ટ સુધી કાનૂની લડત લડનારા આદમ ચાકીએ મીડીયા સમક્ષ સીધેસીધું કલેકટર રેમ્યા મોહન ઉપર નિશાન તાકતા સવાલો કર્યા હતા. આદમ ચાકીએ કહ્યું હતું કે, GK અદાણી માટે કોર્ટના આદેશ થી સરકારે રચેલી કમિટીના ચેરમેન ખુદ કલેકટર રેમ્યા મોહન જ છે. ત્યારે ચેરમેન તરીકે કલેકટર અદાણી પાસે રિપોર્ટ શા માટે માંગે છે? ચેરમેન તરીકે કલેક્ટરે જાતે તપાસ કરીને માસૂમ બાળકોના મોત ની આ ઘટનામાં સત્ય શુ છે એ ઉજાગર કરવું જોઈએ. કલેકટરે ચેરમેન તરીકે અદાણી GK ની કેટલીવાર મીટીંગ બોલાવી તે વિશે પણ ખુલાસો કરવાની માંગ આદમ ચાકીએ કરી છે. કોંગ્રેસના યુવા આગેવાન રવિન્દ્ર ત્રવાડીએ બાળકોના મોત પછીયે ભાજપના નેતાઓના મૌન અને અદાણી ના સંવેદનહીન વર્તનની આકરી ઝાટકણી કાઢી હતી. કોંગ્રેસે આ સમગ્ર ઘટના માં સત્ય ઉજાગર કરવા અને કસુરવારો સામે પગલાં ભરવા માંગ કરી છે.
તપાસ,વાયદા અને ખુલાસા ના બદલે કચ્છી પ્રજા ઝંખે છે માનવીય અભિગમ !!
બાળકો હોય કે અન્ય મોટા દર્દીઓ હોય અદાણી GK હોસ્પિટલ જાણે મોતની પથારી માં ફેરવાઈ હોય તેવો તાલ છે. અદાણી જેવા મોટા કોર્પોરેટ ગૃહ ધારે તો કચ્છની તેમની કમાણી માંથી શ્રેષ્ઠ અને નમૂનેદાર હોસ્પિટલ બનાવી શકે છે. ભાજપ સરકારે પણ કચ્છી પ્રજાને શ્રેષ્ઠ સારવાર મળે તે માટે અટલજી એ જોયેલા સ્વપ્ન ને સાકાર કરવું જોઈએ. જ્યારે જ્યારે હોસ્પિટલનો વિવાદ ચર્ચામાં આવે છે ત્યારે ત્યારે કચ્છી પ્રજા પીડા અનુભવે છે. મોત બાદ ખુલાસા, તપાસ અને ફરી નવા વાયદા આ બધું જોઈને જાણે માનવતા શર્મસાર થાય છે. પરિણામલક્ષી કામગીરી સાથે કચ્છી માડુઓ સરકાર અને અદાણી પાસે માનવીય અભિગમ સાથેની સારી સારવાર ઈચ્છે છે.