Home Social યુ ટ્યુબે શોધી આપ્યું ગામ,તો વ્હોટ્સએપ એ શોધ્યો ઘેટાં બકરા ચારતો પરિવાર!!જાણો...

યુ ટ્યુબે શોધી આપ્યું ગામ,તો વ્હોટ્સએપ એ શોધ્યો ઘેટાં બકરા ચારતો પરિવાર!!જાણો ધનીરામ અને સોશ્યલ મીડીયા નો શું છે સબંધ ?

2445
SHARE
આજે સામાન્ય રીતે સોશ્યલ મીડીયા ટાઈમપાસ માટે કે પછી ટીકા ટિપ્પણી ની કોમેન્ટ્સ માટે વધુ ચર્ચામાં રહે છે. પણ આજે વાત કરવી છે કચ્છ ના છેવાડાના દયાપર ગામ ના એક અર્ધ પાગલની અને એક ટેક્નોસેવી યુવાન ની ! માનવતાના સબંધ વડે જોડાયેલા આ બન્ને ની સાથે કેવી રીતે દયાપર નો ગરવા પરિવાર અને આખુંયે ગામ જોડાયું !! જાણો કેવી રીતે યુ ટ્યુબે એક ગામ શોધ્યું અને વોટ્સએપ એ એક ઘેટાં બકરા ચારતો પરિવાર !! આ આખીય વાત જાણે એમ છે કે,દયાપર ના સામૂહિક આરોગ્ય કેન્દ્રના નિવાસ સ્થાનની આસપાસ છેલ્લા છ-સાત વર્ષથી રહેતો અને અર્ધપાગલ જેવો લાગતો, ફક્ત નામ પૂરતો “ધનો” તરીકે ઓળખાતો અને ગામમાં સફાઈ કરતો ધનો દસ દિવસથી બિમાર પડતા સતત પરિવારને મળવાનું રટણ કરવા લાગ્યો. પણ પરિવાર ને ગોતવો કેમ ? આ એક યક્ષ પ્રશ્ન હતો. જ્યાં બે ટંક ધનો જમતો, એ ઘર એટલે જયશ્રીબેન અને ભવાનભાઈ ગરવાનું સરકારી ક્વાર્ટર!!ધનાની ઘરવાપસી માટે જયશ્રીબેન અને ભવાનભાઈના જ્યેષ્ઠ પુત્ર લક્ષ્મણે જહેમત ઉઠાવી. લક્ષ્મણ એટલે એક ટેક્નોસેવી યુવક. બિમારીમાં ફક્તને ફક્ત પરિવારજનોને યાદ કરતો. તેની ભાષા સ્પષ્ટ ન હોતા, નિટોડા…. નિટોડા… એવો આભાસ થતો.આ વાતની જાણ લક્ષ્મણને થતાં તેણે સોશિયલ મીડિયાનો સદ્ઉપયોગ કર્યો. યુ-ટ્યૂબ પર નિટોડા સર્ચ કરતાં આ એક ગામ જણાયું. જે રાજસ્થાનના સિરોહી જિલ્લાના પિન્ડવારા તાલુકાનું આદિવાસી વિસ્તારનુ નાનકડું ગામડું છે. યુ-ટ્યૂબ પર આ ગામનું વીડિયો શેર કરનાર સાથે લક્ષ્મણે ચેટીંગ શરૂ કરી અને પછી વ્હોટ્સ-અપ દ્વારા ફોટો શેર કર્યા. તો તેની ખરાઈ થઈ અને પૂર્ણ નામ ધનીરામ ભીખારામ ભીલ જાણવા મળ્યું. આશરે દસેક વર્ષ પહેલાં ઘેટાં-બકરાના ધણમાથી ખોવાયેલ બકરી શોધવા જતાં પોતે ભટકી ગયેલ. સુખદ સમાચાર મળતા લક્ષ્મણ તો રાજીનો રેડ થઇ ગયો, કેમકે માનવસેવાથી મોટો કોઈ ધર્મ નથી. આ વાતની જાણ ઘરે અને મિત્ર વર્તુળ, ગામમાં વાયુવેગે ફેલાઈ. પછી તો ધનીરામનો પરિવાર સાથે ભેટો કરવવા આખું દયાપર ગામ હિલ્લોળે ચડયું. જેમાં, મિત્રો, રાયસિહ બાભણિયા, ગંગારામ ગરવા, અક્ષય સોલંકી, યશ સુથાર, કિરીટ ગોસ્વામી, લાખુભા જાડેજા અને પિતાશ્રી ભવાન ગરવા અને સહોદર ભરત ગરવા દિલથી જોડાયા. દયાપરના પોલીસ પી.એસ.આઈ.શ્રી વાય.પી. જાડેજા અને સમગ્ર સ્ટાફે પણ વહીવટી રીતે ખરાઈ કરીને સાથ-સહકાર આપ્યો. હવે રાજસ્થાન જવા માટે આર્થિક વ્યવસ્થા તો કરવી જ રહી. રવિવારના દિવસે પોતાના કુટુંબ માટેનો અનામત સમય ફાળવીને લક્ષ્મણ & ટીમ નીકળી પડી આર્થિક સહયોગ મેળવવા. જાણીને નવાઈ લાગશે આ લખપતવાસીઓની લાગણી. જોતજોતામાં ધનીરામ માટે 35 થી 40 હજાર ફાળો એકત્ર થયો. સૌના સાથ સહકાર થી રવિવારે સમગ્ર ટીમ ધનીરામને પરિવારજનો સાથે મેળવવા રવાના થઈ ગઈ છે.
માનવસેવાના ઉત્તમ ઉદાહરણરૂપી કાર્ય માટે લક્ષ્મણ, પોલીસ પ્રશાસનની સાથે તમામ દયાપરવાસીઓને ખૂબ ખૂબ અભિનંદન. સોશ્યલ મીડીયા ની આ સક્સેસ સ્ટોરી સમાજ માટે પથદર્શક છે.