Home Current પ્રદેશ કોંગ્રેસના ઉધડા બાદ, બાળકોના મોત મામલે કચ્છ કોંગ્રેસ મોડે મોડે હવે...

પ્રદેશ કોંગ્રેસના ઉધડા બાદ, બાળકોના મોત મામલે કચ્છ કોંગ્રેસ મોડે મોડે હવે કરશે વિરોધ !!! વિરોધ મુદ્દે નરેશ મહેશ્વરીએ શુ કહ્યું?

873
SHARE
અત્યારે સમગ્ર ગુજરાત સહિત દેશભરના મીડીયામાં ભુજની અદાણી GK જનરલ હોસ્પિટલમાં ૫ મહિનામાં થયેલા ૧૧૧ બાળકોના મોતના મામલાએ ખળભળાટ સર્જ્યો છે. છેલ્લા એક અઠવાડિયાથી કચ્છમાં સ્થાનિક મીડીયામાં અને લોકોમાં ચર્ચાઈ રહેલા આ મુદ્દે હવે મોડે મોડે કચ્છ કોંગ્રેસે શુક્રવારે વિરોધ કાર્યક્રમનું આયોજન કર્યું છે. ત્યારે ખુદ કચ્છ કોંગ્રેસમાં જ એ ચર્ચા જાગી છે કે મોડે મોડે સંગઠન વિરોધ માટે કેમ જાગ્યું ?

પ્રદેશ કોંગ્રેસે લીધો ઉધડો?

કચ્છની મુખ્ય જિલ્લા સરકારી હોસ્પિટલમાં ૧૧૧ બાળકોના મોતની ઘટના બાદ કચ્છ કોંગ્રેસના બબ્બે ધારાસભ્યો હોય કે જિલ્લા પ્રમુખ અને અન્ય સંગઠનના હોદેદારો શા માટે વિરોધમાં ન જોડાયા? એ મુદ્દે પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડા એ આ આગેવાનોનો ઉધડો લીધો હોવાની ચર્ચા કચ્છ કોંગ્રેસના કાર્યકરોમાં છે. જોકે, કોંગ્રેસના જિલ્લા પ્રમુખ નરેશ મહેશ્વરીએ ન્યૂઝ4કચ્છ સાથેની ટેલિફોનિક વાતચીત માં જણાવ્યું હતું કે પ્રદેશ કોંગ્રેસે આ મુદ્દે તેમને કઈ કીધું નથી કે સૂચના આપી નથી. પણ કચ્છ જિલ્લા કોંગ્રેસે પ્રદેશ કોંગ્રેસના આગેવાનોને બાળ મૃત્યુની ઘટનાથી પોતે વાકેફ કર્યા હતા.પણ,હવે શુક્રવારે જિલ્લા કોંગ્રેસ ૧ કલાક અદાણી GK સામે દેખાવો કરીને કલેક્ટર સમક્ષ બાળમૃત્યુના ક્લીનચીટ સામે વાંધો ઉપાડી ફરી ન્યાયિક તપાસની માંગ સાથે તબીબી સેવા સુધારવા રજુઆત કરશે એવું કહેતા નરેશ મહેશ્વરીએ જરૂરત પડ્યે લડત ઉગ્ર બનાવવા જણાવ્યું હતું .તેમ જ વિધાનસભામાં કોંગ્રેસ દ્વારા બાળમૃત્યુનો પ્રશ્ન ઉઠાવાશે એવો દાવો કર્યો હતો.

ધારાસભ્યો અને વિરોધ કરનારા કોંગ્રેસી નેતાઓ વિશે શું કહ્યું?

બાળમૃત્યુની ઘટના બાદ તપાસ ટીમે જ્યારે અદાણી GK હોસ્પીટલની મુલાકાત લીધી ત્યારે કોંગ્રેસના જિલ્લા પ્રમુખ કે અન્ય હોદ્દેદારો રજૂઆત માટે ન દેખાયા? પોતે ભાજપ સરકાર સામેના વિરોધની વિશ્વાસઘાત રેલીમાં વ્યસ્ત હોઈ ભુજ માં હોવા છતાં હોસ્પીટલ નહીં પહોંચી શકયાનો ખુલાસો કરતા નરેશ મહેશ્વરીએ કહ્યું હતું કે અમારા કોંગ્રેસી નેતાઓ આદમ ચાકી, રવિ ત્રવાડી અને રફીક મારા એ મારી સાથે સંકલનમાં રહીને જ વિરોધ કર્યો હતો. જોકે , કચ્છ કોંગ્રેસના બે ધારાસભ્યોના મૌનના મુદ્દે કોંગ્રેસ પ્રમુખે કબુલ્યું હતું કે, ધારાસભ્ય પ્રદ્યુમ્નસિંહ જાડેજા વિરોધમાં મોડા જોડાયા, જ્યારે બીજા ધારાસભ્ય સંતોકબેન પટેલ વિદેશપ્રવાસે છે.

રાજકીય પક્ષો અને સામાજિક સંસ્થાઓએ આગળ આવવું જોઈએ

કચ્છની મુખ્ય સરકારી હોસ્પિટલની સાથે મેડીકલ કોલેજ હોય તો તબીબી સેવાઓ સુધરવી જોઈએ ત્યારે હવે કચ્છના દરેક રાજકીય પક્ષો અને સામાજિક સંસ્થાઓએ આગળ આવીને અદાણી GK ની મેડીકલ સેવા સુધરે તે માટે મૌન છોડીને જાગૃત બનવાની જરૂરત છે. તબીબી સેવાઓમાં ક્યાંય કોઈ અધૂરાશ હોય તો સૂચન કરવું જોઈએ. એ જ રીતે, અદાણી મેનેજમેન્ટે પણ પહેલ કરીને તબીબી સેવાના સેવાકીય ક્ષેત્રમાં લોકોનો વિશ્વાસ જીતવાની જરૂરત છે.