કોમી એકતાની વાતો અને સંદેશાઓ વચ્ચે આજે ન્યૂઝ4કચ્છ ની આ સ્ટોરી વાંચીને આપ પણ કહી ઉઠશો કે વાહ “હી આય પાંજો કચ્છ”.. વાત એક એવા મુસ્લિમ પરીવારની છે કે, તેમણે પોતાની મરહુમ દીકરીની યાદ માં કોમી એકતા ની સુવાસ સાથે ધાર્મિક સદ્દભાવના નો સંદેશો વહેતો કર્યો છે.
મુંદરા ના રમજાનઅલી ખોજા અને તેમના પત્ની કુરશાબેન ખોજા એ તેમની મરહુમ દીકરી હમીદાબેન રમજાનઅલી મનાની (ખોજા) ની પ્રથમ પુણ્યસ્મૃતિએ ૫૩ જેટલી હિન્દુ મહિલાઓને હિન્દુ ધાર્મિક સ્થળોનો યાત્રા પ્રવાસ કરાવ્યો હતો. આ સદકાર્ય માં તનઝીલબેન રમજાનઅલી મનાની (ખોજા) એ પણ સહયોગ આપી પોતાના મરહુમબેન હમીદાબેન ને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ યાત્રા પ્રવાસના આયોજન માં સહકાર આપનાર મુંદરા ના જાગૃત અને સેવાભાવી પત્રકાર અને જનસેવા સંસ્થાના રાજ સંઘવી એ ન્યૂઝ4કચ્છ ને માહિતી આપતા જણાવ્યું હતું કે, આ યાત્રા પ્રવાસ માં હિન્દુ સમાજની વિધવા બહેનો ની સાથે અન્ય મધ્યમવર્ગીય પરિવારની ૫૩ મહિલાઓએ સૌરાષ્ટ્રના વિરપુર, ખોડલધામ, ઘેલા સોમનાથ અને ચોટીલા ના ધાર્મિક સ્થળોએ દર્શન કરીને પુરુષોત્તમ માસ માં પુણ્યનું ભાથું બાંધ્યું હતું.પવિત્ર રમઝાન માસમાં એક મુસ્લિમ પરિવાર દ્વારા હિન્દુ મહિલાઓ માટે યોજાયેલા આ ધાર્મિક યાત્રા પ્રવાસને જાણીતા એડવોકેટ પ્રવીણચન્દ્ર ગણાત્રા, વિઠલેશ ગ્રુપના જીજ્ઞેશ બજરીયા, નૂતનબેન બજરીયા, પ્રીતિબેન સ્વાલી એ કચ્છની કોમી એકતાના પ્રતીક સમાન કાર્ય ગણાવીને ખોજા પરિવારને અભિનંદન આપ્યા હતા. આ યાત્રા પ્રવાસમાં દરિયાલાલ ઇલેક્ટ્રિક ના હર્ષદભાઈ અનમ, પ્રદીપભાઈ ઠકકર, વિઠલેશ ગ્રુપના જીજ્ઞેશ બજરીયાએ યાત્રાળુઓ માટે વિવિધ સેવાઓનો લાભ લીધો હતો. જનસેવા સંસ્થાના રાજ સંઘવી ની સાથે અસલમ માંજોઠી, દિલીપ આહીર, પ્રતીક શાહ, જયેશ ગોર, ગિરીશ ઠક્કર, કપિલ ચોપડા અને ભીમજી જોગી સહયોગ આપ્યો હતો. આજે કચ્છને જરૂરત છે, કોમી એકતાની આવી પ્રેરણાદાયી પહેલની, જે જોઈને દરેક કચ્છી માડુનું દિલ કહી ઉઠે,” વાહ હી આય પાંજો કચ્છ “