ઠેરઠેર ખોદાયેલા ખાડા,ઉભરાતી ગટર,ઉબડ ખાબડ રસ્તાઓ અને સમસ્યાઓની ભરમાર એટલે ભુજ નગરપાલિકાના અઢી વર્ષના શાસનનો સારાંશ!! અનુભવી ટીમ કરતા નવ યુવાન કાઉન્સીલરોની ટીમ ભુજને વિકાસની નવી દિશા આપશે તેવા વિચાર સાથે લોકોએ વર્તમાન ભાજપના શાસકોને ચુંટ્યા તો ખરા પરંતુ મહેસુસ એવુ થઇ રહ્યુ છે કે જુની બોડીને પણ શરમાવે તેવો ભ્રષ્ટાચાર અને પાલિકાના નવા આયોજનોના અણઘડ રીતે થયેલા અમલ કારણે ભુજની સમસ્યાઓ ઘટવાને બદલે વધી !! વિકાસનું કાગળ ઉપર આયોજન બતાવી લોકોને ભરમાવાયા. જો કે, અઢી વર્ષના આ શાસન પર આમતો ઘણું લખાય તેમ છે.પરંતુ હવે વાત નવા અધ્યાયની છે. કેમકે, હવે પ્રમુખનુ શાસન મહિલાના હાથમા આવવાનું છે અને તેથી સ્વાભાવિકછે કે લોકોને અને ખાસ કરીને મહિલાઓને વધુ અપેક્ષા રહેવાની જ. હવે ના અઢી વર્ષ મહિલા પ્રમુખ માટે એક નવો પડકાર રહેશે.પરંતુ,તેથી વધુ પડકાર મહિલા પ્રમુખના શાસન માં પડદા પાછળ રહી ને વહીવટ ચલાવનાર સત્તાધીશોને રહેશે. જો કે ,ભુજ પાલિકાના શાસનથી ભાજપની છબી એટલી ખરડાઈ છે કે ન માત્ર ભુજ પરંતુ કચ્છમા પણ લોકો એ જાણવા ઉત્સુક છે કે, હવે પછીના અઢી વર્ષનું કાંટાળા તાજ રૂપી શાસન કોના ફાળે આવશે? અને રાજકીય દાવપેચ વચ્ચે કોણ બનશે પ્રમુખ ?
આ મહિલાઓ છે પાલિકા પ્રમુખની રેસના મેદાનમા….
વર્તમાન સમયમાં આમતો પાલિકા પ્રમુખની રેસમાં ઘણી મહિલા કાઉન્સિલરો વહીવટ ચલાવવા સક્ષમ છે અને જે અનુભવ તેમ જ સંકલનથી સારુ શાસન ચલાવી શકે છે. પણ રાજકીય રીતે લેખા જોખા ની વાત કરીએ તો, અલગ અલગ સમાજ માં થી પ્રતિનિધિત્વ કરતી આ ત્રણ મહિલાઓ પ્રમુખની રેસમાં સૌથી આગળ છે. જેમા ગોદાવરીબેન ઠક્કર,પ્રકાશબા જાડેજા અને રેશ્માબેન ઝવેરીનુ સ્થાન મોખરાનુ છે. સૂત્રોનુ માનીએ તો પ્રકાશબા મનુભા જાડેજા લગભગ નિશ્ચિત મનાય છે જેના માટે અનેક સમીકરણો પણ કામ કરે છે. જેની ચર્ચા પણ કરીશુ .પરંતુ,આ ત્રણ નામો સિવાય પણ અન્ય નામો છે જે દાવેદારની રેસમા છે જો કે, અચાનક તેમને બેસાડી દેવાય તો નવાઇ નહી. જેમા બિંદીયાબેન ઠક્કર અને ચૌલાબેન સોનીનુ નામ ચર્ચામાં છે.ભાજપ ના આંતરીક સૂત્રોનુ માનીએ તો રબ્બર સ્ટેમ્પ પ્રમુખ કરતા પાર્ટી ઇચ્છે છે કે અનુભવી અને પ્રેક્ટીકલ મહિલા પ્રમુખ પાલિકાનુ શાસન સંભાળે.
આ સમીકરણ કરશે કામ,પરંતુ હુકમનો એક્કો નિમાબેનના હાથમા !!
ભુજ વિસ્તારના ધારાસભ્ય ડો.નિમાબેન આચાર્ય જેટલા તેમના પ્રોજેક્ટને લઇને વિપક્ષના નિશાને વિવાદના ઘેરામા આવ્યા છે, એટલા જ બદનામ ભુજ પાલિકાના શાસનથી થયા છે. વિદાય લેતા શાસકોના કડવા અનુભવ પછી તેઓ ઇચ્છશે કે ભુજ પાલિકાનુ શાસન યોગ્ય મહિલા સુકાનીના હાથમા જાય.એટલે જ તેઓ નક્કી કરશે તે પ્રમુખ બને તેવી પુરી શક્યતા છે. અત્યારે પ્રમુખપદ માટે સંભવિત ચર્ચાતા નામો માં દરેક મહિલા દાવેદારો નિમાબેનની નજીક છે.જેથી પસંદગી મુશ્કેલ બનશે.
રાજકારણ માં ધ્યાને લેવાતા સામાજિક સમીકરણો ની વાત કરીએ તો, જિલ્લા પંચાયત માં પ્રમુખ તરીકે અરવિંદ પીંડોરીયા અને ભાડાના ચેરમેન તરીકે શંકર ઠક્કરની નિમણુંક પાર્ટી કરે તો,ક્ષત્રિય સમાજને પ્રતિનિધિત્વ આપવુ એટલુ જ જરૂરી છે, જેથી,પ્રકાશબા જાડેજા નિશ્ચિત મનાય છે. તો વળી ભાજપના આગેવાન એવા તેમના પતિ મનુભા જાડેજા પણ પત્ની પ્રમુખ બને તે માટે મોટું લોબીંગ કરી રહ્યા છે. બીજા દાવેદાર ની વાત કરીએ તો, યુવા ટીમને કાબુમાં રાખવા પાર્ટી ગોદાવરી બેન ઠક્કર ને પણ શાસન સોંપી શકે છે.અનુભવી અને સ્વભાવે શાંત એવા ગોદાવરી બેન પણ તેમના સમાજ સહિત સત્સંગના નાતે ભુજમા દરેક સમાજ સાથે ઘરોબો ધરાવે છે. તો વળી યુવા ટીમને કાબુમાં રાખવા માટે તે સક્ષમ છે. ત્રીજા મજબૂત મહિલા દાવેદાર રેશ્માબેન ઝવેરી જૈન સમાજનુ પ્રતિનિધિત્વ કરે છે. તેઓ ઉચ્ચ શિક્ષીત પણ છે. સહકારી બેંકમાં જીત છતા તેમને કોઇ મોટુ સ્થાન મળ્યુ નથી.તેવામાં તેમના સમાજની અપેક્ષા અને તેમની વ્યક્તિગત કાબેલિયત તેમને પ્રમુખ બનાવી શકે છે. જો કે, ઉપરોક્ત સમીકરણો વચ્ચે આ રાજકારણ છે એટલે ગમે ત્યારે ગમે તે ફેરફાર થઇ શકે છે.તેવી સ્થિતિમાં જથ્થાબંધ બજારના પ્રમુખ મેહુલ ઠક્કર ના પત્ની એવા બિંદીયાબેન ઠક્કર બાજી મારી જાય તો નવાઇ નહી!! કેમકે, ભાજપ પક્ષ સાથે ધારાસભ્યનો અભિપ્રાય આ નિમણુંકમા નિર્ણાયક રહેશે.
આમ તો, ભુજ પાલિકાના પ્રમુખનો તાજ કાંટાળો છે. કેમકે, અગાઉની પાલિકાની ખરડાયેલી છબી સાથે વર્તમાન યુવા ટીમ અને શાસન સામે અનેક સવાલો ઉભા થયા છે.તે પછી, શહેરની સમસ્યાની બાબત હોય કે પછી ભ્રષ્ટાચારના આક્ષેપો હોય!! પહેલી વાર એવુ પણ બન્યુ છે કે પાલિકાની સમસ્યાનો કકળાટ ભાજપ કાર્યાલય સુધી પણ પહોચ્યો છે. તેથી પાર્ટી ઇચ્છશે કે પાલિકાની સમસ્યા પાલિકા સુધી સિમિત રાખી શકે તેવા પ્રમુખ નિમાય. જો કે,અત્યારે તો એવી ચર્ચા છે કે શાસન સાથે વહીવટ માટે સક્ષમ કારોબારી ચેરમેનની નિમણુંક માટે પાર્ટી ગંભીર છે તો ગોઠવણ એવી પણ ચાલી રહી છે કે જુના જોગીઓ પડદા પાછળ વહીવટ સંભાળે અને ‘મોહરા’ નવા આવે!! અટકળો અને ચર્ચાઓ વચ્ચે સત્તાવાર નામ માટે હજુ બે સપ્તાહ રાહ જોવી જ રહી. પરંતુ, વિપક્ષ અને ખાસ કરીને ભુજના લોકોને એ આશા છે કે, આવનારા અઢી વર્ષ નવા ભુજને નવી દિશા આપે અને સમસ્યાઓથી મુક્ત કરે તેવા શાસનકારો ભુજ નગરપાલિકાની ધુરા સંભાળે. જે રાજકીય દાવપેચો ના કારણે કદાચ શક્ય તો નથી પરંતુ ‘આશા’ અમર છે.