Home Current બેરાજા પાસે ફાઇટર પ્લેન ક્રેશ થતા એર કોમોડોર નું મોત-બ્લેક બોક્સ મળ્યું

બેરાજા પાસે ફાઇટર પ્લેન ક્રેશ થતા એર કોમોડોર નું મોત-બ્લેક બોક્સ મળ્યું

4933
SHARE
મુંદરાના બેરાજા પાસે આજે સવારે ૧૦/૩૦ વાગ્યે એરફોર્સ નું ફાઇટર પ્લેન ક્રેશ થતા લોકોમાં દોડધામ સાથે ગભરાટ મચી જવા પામ્યો હતો. આકાશમાં ઉડતું પ્લેન ક્રેશ થવાની ઘટનાને પગલે પોલીસે ઘટના સ્થળે પહોંચી સમગ્ર વિસ્તાર કોર્ડન કરી લીધો હતો.તો એરફોર્સના અધિકારીઓ પણ હેલિકોપ્ટરથી ઘટના સ્થળે તપાસ માટે પહોંચી આવ્યા હતા. દરમ્યાન જિલ્લા કલેકટર રેમ્યા મોહને ન્યૂઝ4કચ્છ ને આપેલી સતાવાર વિગતો પ્રમાણે બેરાજા અને બાબીયા ની વચ્ચે ઉડતું આ ફાઇટર પ્લેન જામનગર એરફોર્સ નું હતું અને કોઈ યાંત્રિક ખામીને કારણે તૂટી પડ્યું હોઈ શકે છે. આ ઘટના અંગે એરફોર્સ દ્વારા જાહેર કરાયેલી સતાવાર નોંધ પ્રમાણે આ ફાઇટર પ્લેન જગુઆર હતું અને તેના પાયલોટ સંજય ચૌહાણ નું મોત નીપજ્યું હતું. સંજય ચૌહાણ ભારતીય વાયુસેનામાં એરકોમોડર અને જામનગરના એરફોર્સ ના ચીફ હોવાનું જાણવા મળે છે. રૂટિન સર્વેલન્સ ની કામગીરી માટે જામનગર થી ઉડાન ભર્યા બાદ આ ફાઇટર પ્લેન કચ્છના મુંદરા નજીક ના બેરાજા અને બાબીયા ની સીમ માં તૂટી પડ્યું હતું.જ્યાં આ ફાઇટર પ્લેન જેગુઆર ક્રેશ થયું તે સ્થળે થી બ્લેક બોક્સ મળી આવ્યું છે. બ્લેક બોક્સની તપાસ દ્વારા આ ફાઇટર પ્લેન તૂટી પડવાનું સાચુ કારણ જાણી શકાશે. આ ફાઇટર ફાઇટર પ્લેન તૂટી ૫ડતા સીમ માં ચરી રહેલ ૨૭ જેટલી ગાયો ના મોત નીપજ્યાં હોવાનું જાણવા મળે છે. તો ૧૪ જેટલી ગાયો ઘાયલ થઈ હતી.ઘટના બાદ ભુજના સુપાર્શ્વ મંડળની ટીમ ઘટના સ્થળે ઘાયલ ગાયોની સારવાર માટે પહોંચી ગઈ હતી. આ ઘટના માં ગાયોના ગોવાળનો આબાદ બચાવ થયો હોવાનું જાણવા મળે છે. પ્લેન ક્રેશ થયા બાદ ઘટના સ્થળે રામાણીયા, બેરાજા, બાબીયા અને કેરા ના લોકો ઉમટ્યા હતા. જોકે, પોલીસે ચુસ્ત બન્દોબસ્ત ગોઠવીને લોકોને દૂર થી જ રોકી લીધા હતા. મીડીયા કર્મીઓને પણ પોલીસે અટકાવી દીધા હતા. એક તબક્કે ભુજ-મુંદરા નો વાહનવ્યવહાર જામ થઈ ગયો હતો.