Home Current ઘુમરી ખાઈ ફાઇટર પ્લેન ગાયો પર પડ્યું અને બ્લાસ્ટ થયો..રઝાક નું શું...

ઘુમરી ખાઈ ફાઇટર પ્લેન ગાયો પર પડ્યું અને બ્લાસ્ટ થયો..રઝાક નું શું થયું? : જાણો સમગ્ર ઘટનાનો વિસ્તૃત અહેવાલ

4975
SHARE
૫મી જુન મંગળવારનો આખો દિવસ મુંદરા તાલુકાનું બેરાજા ગામ અને કચ્છ, દેશભરના મીડીયામાં સમાચારોમાં છવાયેલા રહ્યા. એરફોર્સના ફાઇટર પ્લેન ક્રેશ થવાની ઘટનાને પગલે બેરાજા પાસે શું ઘટના બની? તે જાણવાની ઉત્સુકતા લોકોમાં છવાયેલી રહી. ન્યૂઝ4કચ્છે આ આખી ઘટના અંગે તલસ્પર્શી માહીતી અને ઘટના સ્થળની પરિસ્થિતિ વાંચકો સુધી પહોંચાડવા પ્રયાસ કર્યો છે.

પ્લેન કઈ રીતે નીચે પડ્યું?

ફાઇટર પ્લેન ક્રેશ થયાની દુર્ઘટના બાદ ઘટના સ્થળે સૌ પ્રથમ પહોંચનાર બેરાજાના લાલુભા જાડેજા એ ન્યૂઝ4કચ્છને જણાવ્યું હતું કે સવારે ૯/૪૫ વાગ્યે આ ઘટના બની હતી. ગાયો નું ધણ ચરાવતા ગોવાળે તેમને ફોન પર જાણ કરી હતી. તરત જ ઘટના સ્થળે પહોંચેલા લાલુભા જાડેજાના જણાવ્યા પ્રમાણે પ્લેન તૂટેલી હાલતમાં અને ગાયો લોહી નિંગળતી પરિસ્થિતિમાં હતી. જેમાંથી અમુક ઘટના સ્થળે મૃત્યુ પામી હતી,તો અમુક ઘાયલ હતી.પ્લેનના પાયલોટનો કાન ઘટના સ્થળે જોઈને પાયલોટ દુર્ઘટના દરમ્યાન જ મૃત્યુ પામ્યો હોવાનો ખ્યાલ પોતાને આવી ગયો હોવાનું લાલુભા જાડેજાએ જણાવ્યું હતું.

લાલુભા જાડેજા એ ન્યૂઝ4કચ્છ સાથે કરેલી ટેલિફોનિક વાતચીત

બ્લાસ્ટ થયો અને રઝાકનું શુ થયું?

આકાશમાંથી જમીન ઉપર ખાબકતી વખતે એરફોર્સનું આ જેગુઆર ફાઇટર પ્લેન ઘુમરી ખાતા ખાતા નીચે જમીન તરફ જોશભેર આવ્યું નીચે ગાયોના ધણ ઉપરજ ખાબકયું અને બ્લાસ્ટ થયો હતો. પ્લેન તૂટીને અનેક ટુકડાઓમાં ચારે તરફ વિખેરાઈ ગયું હતું. પોતાને આ માહિતી ગાયોને ચરાવતા માલધારી રઝાક અભુ લુહારે આપી હોવાનું લાલુભા એ જણાવ્યું હતું. ઘટનાસ્થળે ૧૪ જેટલી ગાયોના મોત અને ૧૩ જેટલી ગાયો લોહીલુહાણ હતી.પોતાની નજર સામે ગાયોની વચ્ચે ખાબકેલા યુદ્ધ વિમાનને જોઈને ડરી ગયેલો રઝાક કંઈ સમજે તે પહેલાંજ પ્લેનનો ટુકડો તેને લાગતા ઇજાગ્રસ્ત થયો હતો. ૩૨ વર્ષીય રઝાક અભુ લુહારને સારવાર માટે મુંદરાની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયો હતો.ઘટના સ્થળે તુરતજ પોલીસ પહોંચી આવી હતી.આ દુર્ઘટના સર્જાઈ તે ખેતર જાદવજીભાઈ વરસાણી નામના ખેડૂતની માલિકીનું હોવાનુ ગ્રામજનોએ કહ્યું હતું.

સીમ માં ગાયોની સારવાર અને હેલિકોપ્ટર,ગાડીઓના કાફલાનો ધમધમાટ..

ફાઇટર પ્લેન દુર્ઘટનામા ગાયોની ગંભીર પરિસ્થિતિમાં હોવાની જાણ બેરાજાના ગ્રામજનો દ્વારા કરાતા એન્કરવાલા અહિંસાધામ અને ભુજ ના સુપાર્શ્વ જૈન સેવા મંડળની ટીમે ઘટના સ્થળે પહોંચીને ગાયોની સારવાર શરૂ કરી દીધી હતી. ગાયોની પરિસ્થિતિ વિશે ન્યૂઝ4કચ્છ સાથે વાત કરતા રાહુલ સાવલા એ જણાવ્યું હતું કે આ દુર્ઘટનામાં ૨૭ જેટલી ગાયોના મોત નીપજ્યાં હતા જ્યારે ૧૩ જેટલી ગાયો ઇજાગ્રસ્ત હોઈ તેમને એન્કરવાલા અહિંસાધામ માં સારવાર માટે ખસેડાઇ છે.બીજી બાજુ આ દુર્ઘટનાની જાણ થયા બાદ ઘટના સ્થળે ડીએસપી, ડીવાયએસપી, પીઆઇ સહિતનો પોલીસ કાફલો, ડેપ્યુટી કલેકટર, મામલતદાર સહિતના અધિકારીઓ ઉપરાંત ૫ જેટલા હેલિકોપ્ટરમાં એરફોર્સની અલગ અલગ ટીમ સાથે અધિકારીઓ પહોંચી આવતા ધમધમાટ અનુભવાયો હતો.

એરકોમોડોર ની અંતિમ સફર : બ્લેક બોક્સ ખોલશે રાઝ?

કચ્છમા છેલ્લા ૩ વર્ષની વાત કરીએ તો એરફોર્સના ૨ ફાઇટર પ્લેન અને ૧ ડ્રોન વિમાન ક્રેશ થઈ ચૂક્યા છે. તેમાં એક મિગ અને એક જેગુઆર હતું. જોકે,બંનેમાં પાયલોટનો બચાવ થયો હતો. પરંતુ, બેરાજાની આ દુર્ઘટનામાં પાયલોટનું મોત નીપજ્યું હતું. એરકોમોડોર અને જામનગર એરફોર્સના ચીફ સંજય ચૌહાણ માટે જેગુઆર ફાઇટર પ્લેનની સફર અંતિમ સફર બની હતી. એરકોમોડોર સંજય ચૌહાણ ભારતીય વાયુસેના ના ખૂબ જ સીનીયર અધિકારી હતા. આપણા દેશની સેનામાં ૧૯૭૫ માં જોડાયેલા એરકોમોડોર સંજય ચૌહાણ એરોનોટિકલ એન્જીનીયર હતા. તેમના સાથીદારોએ ટ્વીટર ઉપર તેમને શ્રધ્ધાંજલી આપતા તેમના અનુભવની નોંધ લઇ આ દુર્ઘટના કેમ બની તે વિશે આશ્ચર્ય સાથે દુઃખ ની લાગણી વ્યક્ત કરી છે. જોકે, એરફોર્સની તપાસ ટીમને ઘટના સ્થળેથી બ્લેક બોક્સ મળી આવ્યું છે. વિમાની દુર્ઘટનામાં બ્લેક બોક્સની તપાસ દ્વારા અકસ્માતના કારણનો અંદાજ લગાવી શકાય છે. દરમ્યાન પશ્ચિમ કચ્છ પોલીસ ના જણાવ્યા પ્રમાણે એરફોર્સનું આ વિમાન જામનગરથી રૂટીન ફ્લાઇંગ માટે જ નીકળ્યું હતું. જોકે, આ સમગ્ર મામલે વધુ તપાસ એરફોર્સ ના અધિકારીઓ કરી રહ્યા હોવાંનો ખુલાસો પોલીસે કર્યો હતો.

પ્લેન દુર્ઘટનાનો વિડિઓ જોવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો