કચ્છ જિલ્લા પંચાયતમાં પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણીનું સસ્પેન્સ હવે પૂરું થઈ ગયું છે. અને ઔપચારિકતા જ બાકી રહી છે. ઉમેદવારીના ફોર્મ ભરવાના આજે અંતિમ દીને ભાજપ તરફથી પ્રમુખ તરીકે લક્ષમણસિંહ સોઢાએ જ્યારે ઉપપ્રમુખ તરીકે નિયતિબેન પોકારે પોતાની દાવેદારી નોંધાવી છે. આમ તો ચૂંટણી આવતીકાલે ૨૦ તારીખે છે,પણ ભાજપની બહુમતી હોઈ આજે જ તેમની વરણી પાકી થઈ ગઈ છે. ભાજપ તરફ થી ઉમેદવારી સમયે સાંસદ વિનોદ ચાવડા અને સંગઠન તરફથી જિલ્લા મહામંત્રી વલ્લમજી હુંબલ ઉપરાંત અન્ય આગેવાનો ઉપસ્થિતિ રહ્યા હતા. પ્રમુખ તરીકે નિશ્ચિત થઈ ગયા બાદ મીડીયા સાથે વાત કરતા લક્ષમણસિંહ સોઢાએ પારદર્શક અને સ્વચ્છ વહીવટનો કોલ આપ્યો હતો.
ભાજપ અને કોંગ્રેસ બન્નેમાં હતો રાજકીય ગરમાટો
ભાજપ તરફથી આમ તો અરવિંદ પીંડોરીયા વધુ ચર્ચામાં હતા પરંતુ ફરી એક વખત અહીં કચ્છ ભાજપ સંગઠનનું ચાલ્યું અને સ્વચ્છ છબી ધરાવતા લક્ષમણસિંહ પ્રમુખ બન્યા જ્યારે પાટીદારના સમીકરણને ધ્યાને લઇ નિયતિબેનને ઉપપ્રમુખ બનાવાયા. અહીં જિલ્લા ભાજપના પ્રમુખ કેશુભાઈ, દિલીપ ત્રિવેદી અને સાંસદ વિનોદ ચાવડાનું પલ્લું ભારે રહયું. કોંગ્રેસે પ્રમુખ લક્ષમણસિંહ સોઢાને કોંગ્રેસી મૂળ ના ગણાવી ને તેમને આવકાર્યા છે. વિપક્ષીનેતા વી. કે. હુંબલે મીડીયા સાથે વાત કરતા ભાજપની પસંદગીને આવકારતા કોંગ્રેસ વતી ટેકો જાહેર કર્યો હતો.